ભૌતિક સુખો પાછળ મેં કદી દોટ મૂકી નથી

લગભગ બે દશક અગાઉ ‘મોન્સૂન વેડિંગ’થી પોતાની કારકિર્દીનો આરંભ કરનારા અભિનેતા રણદીપ હૂડાએ ખરેખર ઘણું લાંબું અંતર કાપ્યું છે. મોટી સ્ક્રીન પર વૈવિધ્યપૂર્ણ કિરદાર નિભાવ્યાં પછી થોડા અરસા પહેલાં એણે વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’માં ઉત્તર પ્રદેશના સુપર કોપ અવિનાશ મિશ્રાનું કિરદાર અદા કર્યું. આ શો માટે એણે પૂરાં બે વર્ષ ફાળવ્યાં હતા. અભિનેતા રણદીપ હુડાએ હવે પોતાનું વર્તુળ મોટું કર્યું છે. એ રાઇટર અને ડિરેક્ટર તરીકે સક્રિય થયો છે. આગામી ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં એણે મુખ્ય ભૂમિકા તો ભજવી જ છે, સાથે સાથે આ ફિલ્મના લેખન અને ડિરેક્શન ઉપરાંત નિર્માણની જવાબદારી પણ સ્વીકારી છે.

‘આ ફિલ્મની શરૂઆત તો મેં અભિનેતા તરીકે કરી હતી,’ એ કહે છે, ‘પરંતુ ધીમે ધીમે હું એનો લેખક, દિગ્દર્શક અને નિર્માતા પણ બની ગયો. જ્યાં સુધી મેં સાવરકર વિશે ઊંડાણપૂર્વક વાંચ્યું નહોતું ત્યાં સુધી તેમના વિશે, તેમના ઈતિહાસથી સારી રીતે વાકેફ નહોતો. ઇતિહાસ ખરેખર આ વીર પુરુષને ભૂલી ગયો છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં એકલા ગાંધીજી જ નહોતા. સાવરકર જેવા બીજા સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાનની સહેજ પણ અવગણના થવી ન જોઈએ. જોકે આ ફિલ્મને કારણે મને હજારો લોકોના સવાલો સાંભળવા પડે છે અને તેથી મને ટેન્શન પણ આવી જાય છે.’

પોતાનાં કિરદારોમાં પૂરેપૂરા નિચોવાઈ જવાની રણદીપને આદત છે. એ કહે છે, ‘મેં ‘હાઈવે’ કરી તે પછી હું ડિપ્રેશનમાં સરી પડયો હતો. ‘સરબજીત’ અને ‘સાવરકર’ના પાત્રો ભજવતી વખતે મારે વજન ઘટાડવાનું હોવાથી હું રીતસર ભૂખે મરતો. પરિણામે હું ‘હેંગરી’ (ભૂખને કારણે ગુસ્સે થતો) થઈ ગયો હતો. જોકે ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’ કરતી વખતે મારે પુષ્ટ દેખાવાનું હોવાથી ખૂબ ખાતોપીતો. તે વખતે મારી મમ્મી બહુ ખુશ રહેતી. એ મને કહેતી કે આ વખતે તેં સારો રોલ પસંદ કર્યો છે. જોને, તારું શરીર કેવું મઝાનું થઈ ગયું છે. આવો રુપાળો તો તું ક્યારેય નથી લાગ્યો!’
અભિનેતાએ જીવનકથાઓ વધારે કરી હોવાથી એ ટાઈપકાસ્ટ થતાં બચી ગયો છે. જોકે રણદીપને યોગ્ય સ્ટારડમ મળ્યું નથી એવું એના ચાહકોને જરુર લાગે છે. રણદીપને ખુદને તેની કોઈ તમા નથી. એ કહે છે, ‘જો મને રોલ કરવામાં મઝા ન આવે તો સ્ટારડમ શું કામનું? ન તો હું કોઈ પાર્ટીઓમાં જાઉં છું કે ન મારી કોઈ લૉબી છે. આમ છતાં મને મનગમતું કામ મળતું રહે છે એ નાનીસુની વાત નથી. હા, હું ક્યારેય એટલાં નાણાં નથી રળી શક્યો કે મારા ભવિષ્ય વિશે નચિંત બની જાઉં. ચૂંટેલું કે ગણતરીનું કામ કરો ત્યારે તમારી કમાણી પણ મર્યાદિત જ રહેવાની. મેં ક્યારેય દુન્યવી સુખ પાછળ આંખો મીંચીને દોટ નથી મૂકી. લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના મને અભરખા નથી. હા, જીવન સારી રીતે જીવી શકું એટલો વૈભવ મારી પાસે જરુર છે.’

ભૌતિક સુખની એક મર્યાદા છે. કામમાંથી મળતો સંતોષ જ શ્રેષ્ઠ છે, ખરું?