પટનામાં પહેલીવાર ભાજપ વિરુદ્ધ મજબૂત વિપક્ષી મોરચા માટે બેઠક યોજાઈ હતી, જેમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષના નેતાઓ સાથે બેઠા હતા, પરંતુ તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા. અહેવાલો અનુસાર, અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દિલ્હી વટહુકમ મુદ્દે કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા. તે જ સમયે, ઓમર અબ્દુલ્લાએ કેજરીવાલને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. એ જ રીતે મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. સપાના વડા અખિલેશ યાદવે માંગ કરી હતી કે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓને નેતૃત્વ સોંપવામાં આવે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો આ મુદ્દાઓ પર કોઈ વાત નહીં થાય તો 2024માં તમામ પાર્ટીઓ એક થઈને કેવી રીતે લડશે
દરમિયાન આ તમામ બાબતો વચ્ચે પટણામાં આજે યોજાયેલી મહાગઠબંધનની બેઠક સમાપ્ત થઈ છે. વિપક્ષી દળોની બેઠક પૂરી થયા બાદ નીતીશ કુમાર ખુશ દેખાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ બેઠક સફળ રહી હતી. તમામ પક્ષોએ એકતા દર્શાવી છે અને કોઈ મતભેદ અને મતભેદો સામે આવ્યા નથી. બેઠક શેયરિંગ અંગે આજે કોઈ ચર્ચા થઈ નથી. આ અંગે ચર્ચા કરવા વધુ એક બેઠકમાં 12 જુલાઈએ શિમલામાં યોજાશે.
રાહુલે કહ્યું, આ વિચારધારાની લડાઈ છે
મહાગઠબંધનની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. BJP અને RSS આક્રણ કરી રહ્યા છે. આ સમયે ભારતના પાયા પર હુમલો થઈ રહ્યો છે.
2024માં અમે જરૂર સફળ થઈશું : મલ્લિકાર્જુન ખડગે
બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 2024ની ચૂંટણીમાં અમે જરૂરથી સફળ થઈશું.
અમને વિપક્ષી કહેવું યોગ્ય નથી : મમતા બેનર્જી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, અમે તમામ પક્ષો એક છીએ… પટણામાં બેઠક યોજવાનો પ્રસ્તાવ મેં જ નીતિશજીને આપ્યો હતો. કારણ કે પટનાથી શરૂ થનાર આંદોલન જોરદાર સ્વરૂપ ધારણ કરે છે. મમતા એમ પણ કહ્યું કે અમને વિપક્ષી કહેવું યોગ્ય નથી.
આંતરીક મતભેદો છોડી આગળ વધીશું : શરદ પવાર
NCPના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારે જણાવ્યું કે, આંતરીક મતભેદો છોડી આગળ વધીશું
આ ગાંધીનો દેશ છે, ગોડસેનો દેશ નહીં બનવા દઈએ : મહેબૂબા મુફ્તી
મહાગઠબંધનમાં સામેલ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, અમે ગાંધીના આ દેશને ગોડશેનો દેશ નહીં બનવા દઈએ.
તાનાશાહી કરનારાઓની વિરોધમાં રહીશું : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, અમે દેશને બચાવવા સાથે આવ્યા છીએ. ઉદ્ધવએ એમ પણ જણાવ્યું કે, જો શરૂઆત સારી હોય તો ભવિષ્યમાં બધુ સારું છે. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે તેઓ તાનાશાહી કરનારાઓની વિરુદ્ધ રહેશે.
આ સત્તા માટેની લડાઈ નથી : ઓમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના લીડર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ સત્તા માટેની લડાઈ નહીં પણ વિચારધારાની લડાઈ છે… આ દેશને બચાવવા માટેની લડાઈ છે.