નવા નાણાંકીય વરસના પહેલા જ દિવસે મોદી સરકારે નાની બચતો અંગે મોટો છબરડો કર્યો. એપ્રિલ ફૂલમાં ભૂલની ભેળસેળ કરી દેશના કરોડો બચતકારોને આઘાતનો એક ઉતાવળો ડોઝ આપી દીધો ને વળી બીજે દિવસે બચતો પરના વ્યાજકાપની નવી જાહેરાત પાછી પણ ખેંચી લીધી.
આજકાલ મોદી સરકારનું તંત્ર કઈ રીતે ચાલે છે એનો આ નમૂનો છે.
લગભગ બધા જ મંત્રાલયોની આ હાલત છે. દેશના વિરોધ પક્ષમાં તો તાકાત જ નથી કે મંત્રાલયોનું ઓડિટ કરી શકે. અરે ચાલુ ઘટનાક્રમોનો અભ્યાસ પણ કરવાની વિપક્ષોની ત્રેવડ નથી. દૃષ્ટિશૂન્ય વિરોધપક્ષો અને સ્વપક્ષહિતકારી સરકારને કારણે ભારત વધુ ને વધુ ઊંડા ખાડામાં ગતિ કરે છે. આમાં કંઈ ખાનગી નથી. સહુ જાણે છે. ભારતીય પ્રજાને મૂર્ખ બનાવવાના જો સો રસ્તા હોય તો એમાંથી નવ્વાણુ તો ભાજપ એકલો જ જાણે છે. વડાપ્રધાન કાર્યાલય બહાર એવું પ્રતિજ્ઞાપત્ર લખવાનું જ ખાલી બાકી છે કે સવારે ખોટું બોલવું, બપોરે ખોટું બોલવું અને સાંજે ખોટું બોલવું. રાત્રે સૂતા પહેલા અને જાગ્યા પછી તરત ખોટું બોલવું.
પશ્ચિમ બંગાળની ચૂંટણી સભાઓમાં ભાજપે જે અસત્યનો તોપમારો ચલાવ્યો છે એ એની રીતે જ એક વિક્રમ છે. કેન્દ્રના તમામ પ્રધાનો બંગાળમાં જ્યાં ચૂંટણી બાકી છે ત્યાં ધામા નાંખીને બેઠા છે. એમને એમના પોતાના મંત્રાલયોની જ માહિતી હોતી નથી. નાની બચતના વ્યાજકાપનો મતઘાતક બોમ્બ કોણે ફોડ્યો એ રહસ્ય શોધવા વડાપ્રધાન કાર્યાલય છેલ્લા બે દિવસથી કામે લાગ્યું છે. હકીકતમાં નવા નાણાંકીય વરસથી આ વ્યાજકાપની દરખાસ્ત હતી. પરંતુ એ ગુપ્ત રાખવામાં આવી હતી. જે ભૂલ થઈ છે તે સચિવ કક્ષાએ થઈ છે અને સચિવે પ્રધાનના કહેવાથી બંગાળના મધ્યમ વર્ગના મતદારોના કાનમાં ધાક પડી જાય એ રીતે વ્યાજકાપના નગારા વગાડ્યા છે એ હકીકત છે. બીજે દિવસે નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કડિયાકામ કરી ગાબડાં પૂરવા આખો આદેશ પાછો ખેંચી લીધો ખરો પરંતુ લોકોને ગંધ તો આવી જ ગઈ કે સરકાર હજુ બચતકારોના રહ્યાસહ્યા સુખ પર નવી છરી ફેરવવા ચાહે છે અને એની તૈયારી પૂરી થઈ ગઈ છે.
આમાં બહુ નવાઈ એટલે ન લાગવી જોઈએ કે અરૂણ જેટલીએ જીએસટી લાગુ કરાવ્યા પછી એમાં પાંચસોથી વધુ સુધારાઓ કરાવ્યા હતા. તેમની જિંદગીની ઉત્તરાવસ્થાના છેલ્લા વરસ પોતાની ભૂલો સુધારવામાં જ ગયા. જો કે મનુષ્ય જતાં જતાં પણ બીજાઓને પોતાના તરફથી નડતી ભૂલો સુધારતો જાય તો એ મોક્ષદાયી અંતકાળ કહેવાય એમ સુભાષિત કહે છે. પરંતુ જેટલીના ગયા પછી નાણાં મંત્રાલયે જે છબરડાઓ કર્યા છે એની યાદી બહુ લાંબી છે. લાખો કરોડોની જાહેરાતો પછી પણ એ નાણાંની ફાળવણીનો હિસાબ મંત્રાલય જાહેર કરી શકે એમ નથી. વિશ્વ બેન્ક પાસેથી ગયા વરસે લીધેલી લોનના હિસાબો પણ હજુ જાહેર થયા નથી. કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય તો સરકાર દ્વારા જાતે આચરવામાં આવેલા કૌભાંડોની ખાણ હોઈ શકે છે. ખુદ સરકાર હવે ગભરાય છે એટલે કેટલાક ટોચના મંત્રાલયમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દેશ એક અંધકાર ભોગવે છે. પ્રજાની હાલત વધુ કફોડી થશે. ક્ષમતા કરતા ખર્ચ વધે અને વ્યર્થ ખર્ચ પણ વધે ત્યારે સંકટ ઘેરું બને છે. સરકારે અગાઉ તો નાની બચતોના આસાન રીતે ગળા કાપ્યા છે. નોટબંધી કરતાં પણ મોદી સરકારનો ગંભીર અપરાધ નાની બચતોના વ્યાજદરોનો કાપ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોએ પણ તબક્કાવાર વ્યાજદર ઘટાડયા છે. સરકારનો હેતુ પ્રજાલક્ષ્મીને શેરબજાર તરફ વાળીને સટ્ટાખોરોના હાથમાં ટ્રાન્સફર કરવાનો છે. ચારેબાજુથી વ્યાજદર ઘટાડીને સરકાર પ્રજાની બચતોને કઈ દિશામાં કોરનર કરવા ચાહે છે ? એના પર કમ સે કમ એ લોકોએ તો વિચાર કરવો જ પડશે જેઓ ભારે પરિશ્રમની કમાણી પછી અતિ ભારે કરકસરથી બચત કરે છે. કોઈ એકલદોકલ રાજનેતાઓની ચાલાકીમાં પ્રજાલક્ષ્મીનો વ્યય ન થાય એ જમાનાએ જોવું પડે છે.
ગુજરાતીઓ ત્રેવડને ત્રીજો ભાઈ કહે છે. આ ત્રેવડ એટલે આર્થિક તાકાત, જૂની મૂડી, બચત અને કરકસરની કળાઓ. અમદાવાદના મિલમાલિકો પણ એક જમાનામાં ભરબપોરે પંખા બંધ રાખતા અને બારીમાંથી આવતી પવનની લહેરમાં હીંચકે ઝૂલતા. બહુ જ અનિવાર્ય ન હોય તેવો એક પાઈનો પણ ખર્ચ ન કરવો એવી વૃત્તિ પર ગુજરાતીઓએ વિરાટ સામ્રાજ્યોનું સર્જન કર્યું છે. એ અસલ ગુજરાતી કરકસરની કળા, ધનસંયમની કુનેહ અને ખર્ચના ખાડાથી દૂર રહેવાની આવડત જે જે પરિવારોમાં જળવાયેલી હશે તેમને તો એક શું એકાવન મંદી પણ કંઈ નુકસાન કરી શકે એમ નથી અને એ જેનામાં નહિ હોય અને રૂપિયો હશે એથી અધિક છલકતો હશે તો તેઓ અનેક તેજીમાંય ડૂબકા ખાતા હશે.
Source : [ગુજરાત સમાચાર, શનિવાર, 3/4/21]