દેવભૂમિ દ્વારકા જિલ્લામા ગઈકાલે રવિવારે જુદી-જુદી સાત સામાન્ય સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં 74 ટકા સુધી નોંધપાત્ર મતદાન થયું હતું. દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ભારે રસાકસીભરી તથા ઉત્તેજનાસભર ચૂંટણી સાથે ચાર તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના થયેલા મતદાનમાં આ વખતે ગત્ ટર્મ કરતા નોંધપાત્ર વધારા સાથે બેઠકો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરશે અને ગાઢ કેસરિયો છવાશે તેવો આશાવાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ  દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં આ વખતે 22 પૈકી 14 જેટલી બેઠકો ઉપરાંત ખંભાળિયા અને રાવલ નગરપાલિકા તેમજ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત પણ ભાજપ નોંધપાત્ર બેઠકો સાથે મેળવશે તેવી દ્રઢ આશા જિલ્લા પ્રમુખ ખીમભાઈ દ્વારા વ્યકત કરાઇ છે.

છેલ્લા દિવસોમાં નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ખીમભાઈ જોગલ દ્વારા ટિકિટ ફાળવણી તથા રાજકીય ચોકઠાં ગોઠવવા અને મહત્તમ મતદાન તથા ચૂંટણીમાં વિકાસ કાર્યો ધ્યાને લઇ લોકો ભાજપ તરફે મતદાન કરે તે માટે રણનીતિ ઘડવા તેમનું અનન્ય યોગદાન હોવા અંગેનું ચિત્ર પણ જોવા મળ્યું છે. તાજેતરમાં જ જિલ્લાનો મહત્વનો હોદ્દો મેળવનારા જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ અને પક્ષના નિષ્ઠાવાન નેતા પ્રદિપભાઇ ખીમાણીનો આ દ્રઢ આશાવાદ આવતીકાલે મત ગણતરી બાદ ફળીભૂત થઈ સામે આવશે તેવું ચિત્ર જોવા મળે છે.

By admin