સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લાની 18 જિલ્લા પંચાયતની બેઠકમાં રવિવારે મતદાન યોજાશે. પોરબંદર જિલ્લાની 18 જિલ્લા પંચાયતની બેઠકમાં 280 મતદાન મથકો છે અને 40 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ચૂંટણીને લઈને પ્રચારના પડઘમ સાંત થઈ ગયા છે. શનિવારના દિવસે ઉમેદવારોએ જીત માટે ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો.
ખાસ કરીને ગ્રામીણ પંથકમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ઘરે ઘરે પ્રચાર માટે પહોંચી ગયા હતા. ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 239979 કુલ મતદારો છે. આ મતદારોમાંથી 124727 પુરૂષ મતદારોની સંખ્યા છે અને 115251 સ્ત્રી મતદારોની સંખ્યા છે. જેમાંથી રવિવારે પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવા માટે મતદારો મતદાન કરશે.
હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
જે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત માટે નિર્ણાયક મતદાનની ભૂમિકા પણ ભજવી શકે છે.