ઈંધણ અને ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કોંગ્રેસનાં વડાં સોનિયા ગાંધીએ સરકાર પર લોકોની મજબૂરીનો ગેરલાભ લેવાનો આક્ષેપ કરી ઈંધણનો ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે જીડીપી ઊંધે માથે પછડાય ત્યારે ઈંધણ અને ગેસનાં ભાવમાં સતત વધારો થાય છે. ઈંધણ અને ગેસના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે સામાન્ય નાગરિકોને વેઠવી પડતી હાલાકી અને તેમના વધી રહેલા રોષને તમારા સુધી પહોંચાડવા હું આ પત્ર લખી રહી છું, એમ તેમણે કહ્યું હતું.

એકતરફ ભારતમાં રોજગાર, વેતન, ઘરની આવકમાં રીતસરનું ધોવાણ જોવા મળી રહ્યું છે અને મધ્યમ વર્ગ આ સમસ્યા સામે ઝઝુમી રહ્યો છે. ફુગાવામાં થયેલા વધારા તેમ જ જીવનજરૂરિયાતની વસ્તુઓ સહિત ઘરેલું વપરાશની લગભગ તમામ વસ્તુઓનાં ભાવમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગના લોકોની સમસ્યામાં વધારો કર્યો છે, એમ તેમણે કહ્યું હતું. એ ખરેખર દુ:ખદ બાબત છે કે મુશ્કેલીના આ સમયમાં સામાન્ય નાગરિકોની પીડા અને સમસ્યાનો ગેરલાભ લઈ સરકારે નફાખોરી કરવાનું પસંદ કર્યું છે.