રામાયણ એ દર્પણ છે, જેમાં સ્વયંના દર્શન કરવાના છે : પૂજ્ય ભાઈશ્રી

ભરતના હૃદયમાં પ્રેમરૂપી અમૃતના સમૃદ્રમંથન માટે-પ્રગટ કરવા  ભગવાન રામ વનમાં ગયા હતા : પૂજ્ય ભાઈશ્રી

શ્રીહરિ મંદિર ૧૫માં પાટોત્સવના પાવન અવસરે સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રી મુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના આજના બીજા દિવસના પ્રારંભે મુખ્ય યજમાન શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા દ્વારા પોથી પૂજન અને વ્યાસપૂજન સંપન્ન થયું હતું. બીજા મુખ્ય યજમાન શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. પરિવાર zoom ના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ કથાના આજના બીજા દિવસનો પૂજ્ય ભાઇશ્રી એ મંગલાચરણ-સંકીર્તન કરીને પ્રારંભ કરાવ્યો હતો.

પૂજ્ય ભાઇશ્રી એ કથાના પ્રારંભમાં કહ્યું કે સત્સંગ વગર સેવા કલુષિત થઈ જાય છે કારણ કે સત્સંગ વગર આપણે આપણા દૂર્ગુણોથી પરિચિત થતાં નથી. અત્યારે બધા શાંતિ માટે જ તરસીએ છીએ. અત્યારની આ અશાંતિ એ આપણી પોતાનીજ ઊભી કરેલી છે. ભલે એ વૈયક્તિક હોય, સામાજિક હોય, વૈશ્વિક હોય. દ્વારકાવાળો અમથો સુદામાને મળવા માટે દોડે નહી. એ સુદામાની યોગ્યતા છે. આવી શાંતિ ક્યાથી આવે, એ શાંતિ સત્સંગના સાતત્યથી આવે. સત્સંગ કેવલ ઉપદેશના રૂપમાં નથી એ તો ઉપચાર છે. એ સંદર્ભે લેશું તો કેવલ સાત્ત્વિક મનોરંજન રહેશે

મુખ્ય યજમાન શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા દ્વારા પોથી પૂજન અને વ્યાસપૂજન સંપન્ન થયું હતું. બીજા મુખ્ય યજમાન શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. પરિવાર zoom ના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા

રામાયણ અને મહાભારત એ ઇતિહાસ માત્ર નથી, પરંતુ આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાએ આવા ગ્રંથ દર્પણ છે, જેમાં વ્યક્તિએ સ્વયંના દર્શન કરવાના છે. વર્તમાન સમયમાં ધર્મક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર, ચિકિત્સાક્ષેત્રે, પત્રકારત્વનું ક્ષેત્ર એક મિશન-સેવાયજ્ઞના રૂપમાં કામ કરે તે ઈચ્છનીય છે કેમ કે વ્યવસાયથી સેવા ન થાય. યાદ રહે, પાંડવો ભલે પાંચ હતા, પરંતુ પાંડવોની સાથે શ્રીકૃષ્ણ હતા અને શ્રીકૃષ્ણના આશીર્વાદે જ તેમની જીત સુનિશ્ચિત કરી હતી, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં બીજા દિવસે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે રામાયણમાં ભરતજીનું વ્યક્તિત્વ પ્રેમનું છે. રામજીનો વનવાસ થયો તે પૂર્વેથી તેઓ રામપ્રેમી હતા, પરંતુ વનવાસ પછી જ લોકોને ભરતના રામપ્રેમની સાચી સમજ મળી. રામજીના વનવાસ સંદર્ભે અનેક લોકોના અભિપ્રાય છે. જેમ કે માતા કૈકેયી માટે રામ વનમાં ગયા, કોઈ કહે રઘુવંશની પરંપરા જાળવવા તેઓ વનમાં ગયા તો કોઈ કહે કે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા વનમાં ગયા, પરંતુ તુલસીદાસજી વિશિષ્ટ વાત કરે છે કે ભરતના હૃદયમાં જે ગુપ્તપ્રેમ હતો કે પ્રેમરૂપી અમૃત હતું. તેનું સમુદ્રમંથન કરવા તેઓ વનમાં ગયા હતા. ભરતનાં હૃદયમાં અપ્રગટ રામપ્રેમ છે, તે રામાયણ દ્વારા પ્રગટ થયો છે.

પ્રસંગ અનુરૂપ ઝંખીની પ્રસ્તુતિ

પ્રતિદિન શ્રીરામ કથામાં આવતા પ્રસંગો અનુસાર સાંદીપનિના ગુરૂજનો અને ઋષિકુમારો દ્વારા પ્રતિદિન કથાના અંતમાં સુંદર ઝંખીઓ પ્રસ્તુત કરવામાં આવે છે. એ અંતર્ગત આજે ઋષિકુમારો દ્વારા શિવ-પાર્વતી સંવાદની ખુબજ સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો શ્રીહરિ મંદિરમાં શ્રીરામજી દ્વારા ધનુષ-ભંગ પ્રસંગ અને સીતાજી અને રામજીના મિલનની દિવ્ય ઝાંખીના દર્શન યોજાયા હતા.

સાંદીપનિ Zoom રૂમ માં ઉપસ્થિતિ :

કોવિડ-19 સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈને લોકોની મર્યાદિત ઉપસ્થિતિમાં આ શ્રીરામ કથા યોજાઇ રહી છે ત્યારે અનેક મહાનુભાવો સાંદીપનિ Zoom રૂમ ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે તારક મહેતા ઉલ્ટા કા ચશ્માના અભિનેતા શ્રી દિલીપભાઈ જોશી (જેઠાલાલ) ઉપસ્થિત રહ્યા હતા તો આજે બીજા દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેત્રી શ્રી દિશાબેન વાંકાણી (દયાબેન) ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અનેક દેશના મહાનુભાવો પ્રતિદિન ઉપસ્થિત રહે છે અને કથાનું શ્રવણ કરી રહ્યા છે .