• – ‘આપ’માંથી ખસવાનો જામનગર જેવો ટ્રેન્ડ નહીં, તમામ પેનલો અકબંધ
  • – લગભગ સર્વત્ર ત્રિ-પાંખીયો જંગ, ૧૮ વોર્ડ વચ્ચે અપક્ષો માત્ર ૨૦

ગઈકાલે રાજકોટમાં દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના જ એક ઉમેદવાર ખસી ગયા બાદ આજે કોંગ્રેસને વધુ ડેમેજ થતું અટક્યું, ત્યાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ચાર ઉમેદવારોએ પારાઠના પગલાં ભરી લીધા હતા ! મનપા ચૂંટણી માટેના કુલ ૧૫ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લેતા હવે ૨૯૩ ઉમેદવાર વચ્ચે અંતિમ ચૂંટણી જંગ લડાશે એ સ્પષ્ટ બન્યું છે.

ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં વોર્ડ નં.૭, ૮ અને ૯ માંથી તો કોઈ ખસ્યું ન્હોતું, જ્યારે વોર્ડ નં. ૩, ૫, ૬ અને ૧૮માંથી એનસીપીના એક-એક ઉમેદવાર, વોર્ડ નં.૧૭, ૧૫, ૧૩, ૧૧, ૨, ૩ અને ૧ માંથી ૧-૧ અપક્ષ તેમજ વોર્ડ નં.૩ માંથી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લઈને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી.

અંતિમ ચિત્ર મુજબ હવે તમામે તમામ વોર્ડમાં ‘આપ’ની હાજરીથી કમ-સે-કમ ત્રિપાંખીયો જંગ તો ખેલાશે જ, કારણ કે ‘આપ’ની તમામ પેનલ આખેઆખી મેદાનમાં છે, જામનગરની જેમ અન્યના સમર્થનમાં ખસી જવાનો ટ્રેનડ અહીં જોવા નથી મળ્યો. આ ઉપરાંત, વોર્ડ નં. ૧૧માં એનસીપીની, વોર્ડ નં. ૧, ૮, ૧૫ માં બસપાની, વોર્ડ નં. ૧૮માં સીપીઆઈ (એમ)ની આખી પેનલ છે. નોંધનીય છે કે, વોર્ડ નં.૨, ૩, ૭, ૯, ૧૧, ૧૨, ૧૬, ૧૭ અને ૧૮માં અપક્ષ હવે કોઈ છે જ નહીં, કુલ ૧૮ વોર્ડ વચ્ચે માંડ ૨૦ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જંગમાં અડગ રહ્યા છે.

By admin