• – મેન્ડેટમાં નામ સ્થાનિક નેતાએ બદલાવ્યા કે પ્રદેશ નેતાએ તે કોંગ્રેસ માટે કોયડો
  • – રાજકોટમાં 2 સીટ પર લડયા પહેલા હારી જતા

મંગળવાર રાજકોટમાં ગઈકાલે વોર્ડ નં.૧માં કોંગ્રેસના ઉમેદવાર ભરત આહિરનું ફોર્મ રદ થતા અને વોર્ડ નં.૧૪માં ઉમેદવાર જયેશ જાનીએ પહેલા તેનું ફોર્મ માન્ય ઠરાવી ડમીનું ફોર્મ રદ કરાવ્યા પછી શંકાસ્પદ કારણોથી છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચતા ૭૨માંથી ૨ બેઠક કોંગ્રેસ લડયા પહેલા જ હારી ગઈ છે. આ અન્વયે આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના અંતિમ દિવસે વધુ વિકેટ ખડે નહીં તે માટે કોંગ્રેસે તેના ઉમેદવારોને શહેર આજુબાજુ ૧૫ જગ્યાએ ગુ્રપમાં અજ્ઞાાતવાસમાં મોકલી દીધા હતા.

આ ઉમેદવારોને સાંજે ફોર્મ પાછુ ખેંચવાની મુદત વિત્યા બાદ પરત લાવવામાં આવ્યા હતા અને દિવસનાસમયે તેમના ફોન પણ બંધ કરાવી દીધા હતા.

બીજી તરફ વોર્ડ નં.૨માં કોંગ્રેસની મજબૂત મનાતી પેનલ અગાઉથી નક્કી થઈ ગઈ હતી, જેમાં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાઈ ગયો અને બીજું નામ  આવતા મહિલા કોંગ્રેસ દ્વારા ખુલ્લો આક્રોશ વ્યક્ત  કરાયો હતો. તો વોર્ડ નં.૧૪માં પણ માણસુર વાળાનું નામ છેલ્લી ઘડીએ પડતું મુકાતા આ કારણ આગળ ધરીને બીજા ઉમેદવાર જંગમાંથી હટી ગયાનું જણાવ્યું છે પરંતુ, વાસ્તવમાં જંગમાંથી હટવાની સાથે ડમી ઉમેદવાર પણ કોંગ્રેસમાંથી લડી ન શકે તેનું ધ્યાન રખાયું છે તે શંકાસ્પદ છે.કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે મેન્ડેટમાં પ્રદેશમાંથી જ દોરીસંચાર કરીને છેલ્લી ઘડી સુધી કાર્યકરોને અંધારામાં રખાયા કે કોરા મેન્ડેટ પર સ્થાનિક કોંગી નેતાઓએ પોતાની રીતે નામ છેલ્લે છેલ્લે લખી નાંખ્યા. ઉલ્લેખનીય છે કે  વોર્ડ નં.૧માં તો મેન્ડેટમાં નામ નહીં હોવા મુદ્દે ફોર્મ રદ થયું છે.

બીજી તરફ ભાજપને હજુ પણ, કોંગ્રેસના સાથ વગર જીતવું મૂશ્કેલ જણાયું હોય તેમ પક્ષપલ્ટુઓ માટે દરવાજા ખુલ્લા મુકી દીધા છે, ગઈકાલે વોર્ડ નં.૧ના કોંગ્રેસના પડતા મુકાયેલા ઉમેદવાર બાદ આજે વોર્ડ નં.૧૨માં કાર્યકર ભાજપમાં ભળ્યા છે, આ અંગે શહેર કોંગ્રેસે જણાવ્યું કે એ કાર્યકર અમારા કોઈ હોદ્દા પર નથી.

By admin