• – રાજકોટમાં અત્યાર સુધી ઈ-મેમા દ્વારા કરોડો રૂપિયાની ‘વસૂલી’ કરાઈ છે
  • – ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ અંદાજે 1.25 લાખથી વધુની રકમ હાજર દંડ પેટે વસૂલાય છે.
જો કે જોઈન્ટ પોલીસ કમિશનરે ટ્રાફીક મંથને કારણે ઈ-મેમા ઓછા જનરેટ કરાઈ રહ્યાનું કહ્યું

રાજકોટમાં ટ્રાફિકના ઈ-મેમોના નામે અત્યાર સુધી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાયા છે. જેના કારણે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. મનપાની ચૂંટણીમાં હાલ આડેધડ ફટકારાતા ઈ-મેમાનો ઈશ્યુ શાસક ભાજપ પક્ષને નડે તેવી સંભાવના વચ્ચે તત્કાળ અસરથી ઈ-મેમા જનરેટ કરવાનું બંધ કરી દેવાયું છે. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈ-મેમા જનરેટ કરવાનું બંધ નહીં કરાયાનું પરંતુ હાલ ટ્રાફિક માસ ચાલતો હોવાથી રેગ્યુલેશન ઉપર ફોકસ કરાયાનો બચાવ કરી રહ્યા છે.

શહેરમાં જ્યારથી સીસીટીવી કેમેરા લગાડાયા છે, ત્યારથી તેનો ઉપયોગ મુખ્યત્વે ગુનેગારોને પકડવામાં ઓછો અને આમ પ્રજાને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડવા માટે વધુ કરાઈ રહ્યો છે. આ જ કારણ છે કે શહેરમાં દરરોજ અંદાજે ૨૫૦૦ ઈ-મેમા ઈશ્યૂ થાય છે. એક મેમામાં ઓછામાં ઓછો ૫૦૦નો દંડ ગણીએ તો દરરોજ ઈ-મેમાના માધ્યમથી ૧૨.૫૦ લાખથી વધુ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લેવાય છે.

જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ અંદાજે ૧.૨૫ લાખથી વધુની રકમ હાજર દંડ પેટે વસૂલાય છે. આ ઉપરાંત કોર્ટ અને આરટીઓના મેમા ગણીએ તો આ રકમ બે લાખ સુધી પહોંચી જાય છે.

આમ હાલમાં અંદાજીત ૧૫ લાખથી વધુ રકમનો દંડ ટ્રાફિક નિયમોના દંડ પેટે પ્રજાના ખિસ્સામાંથી વસુલાય છે. કોરોના જેવા કપરા કાળમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આવકને અસર થઈ હતી ત્યારે પણ કોઈપણ જાતની રાહત વગર આડેધડ ઈ-મેમા ફટકારાયા હતા. જેને કારણે લોકોમાં વ્યાપક ઉહાપોહ મચી ગયો હતો. આમ છતાં ઉચ્ચ અધિકારીઓએ તેની અવગણના કરી હતી અને ઈ-મેમા દ્વારા આકરા દંડ વસૂલવાનું ચાલુ રખાવ્યું હતું.

હવે મનપાની ચૂંટણી આવતા પ્રજામાં ઈ-મેમાને લઈને મોટાપાયે રોષ હોવાથી અને આ મુદ્દો ક્યાંક ચૂંટણીમાં સત્તાધારી ભાજપને નડે તેમ હોવાથી અચાનક ઈ-મેમા જનરેટ કરી દેવાનું બંધ અથવા તો ઓછું કરી દેવાયું છે.

જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે એવું જણાવ્યું કે, હાલ ઈ-મેમા જનરેટ કરવાનું સદંતર બંધ કરી દેવાયું નથી, પરંતુ ઓછા જરૂર કરી દેવાયા છે. અગાઉ જ્યારે ૨૦૦૦ થી ૨૫૦૦ની આસપાસ ઈ-મેમા જનરેટ થતા હતા ત્યારે હાલના દિવસોમાં ૨૦૦ થી ૨૫૦ ઈ-મેમા જનરેટ થાય છે.

તેની પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક મંથ છે. ગઈ તા.૧૭ જાન્યુઆરીથી ટ્રાફિક મંથનો પ્રારંભ થયો છે. વર્ષોથી રાજ્યભરમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થાય છે. ત્યારે આ વખતે પ્રથમ વખત ટ્રાફિક મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ફોકસ શિફટ કરી રેગ્યુલેશન, અવેરનેસ, એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ વગેરે ઉપર કેન્દ્રીત કરાયું છે.  આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં ડિસીપ્લીન જળવાય રહે અને સારી રીતે ટ્રાફિકનું નિયમન કરે તે માટેની તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ દરમિયાન તેનો જે ફીડબેક આવે તેના આધારે આગળની નીતિ ઘડવામાં આવશે.