ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજી નગરી અને વિશ્વવિખ્યાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં શિયાળાની ગુલાબી ઠંડીનું આગમન થવાની સાથોસાથ વિદેશી પક્ષીઓનું પણ આગમન થાય છે. અને શિયાળાની ઋતુ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. ખાસ કરીને અહીં ફ્લેમીંગો(સુરખાબ) આકર્ષણરૂપ બની રહ્યા છે. પોરબંદરની આસપાસ ખારા અને મીઠાં પાણીના જળપ્લાવિત વિસ્તારોને લીધે ઠંડીની હાલની સિઝનમાં માત્ર સુરખાબ જ નહી પરંતુ યુરોપ અને સાયબેરીયાના દેશોમાંથી અનેક રંગબેરંગી પંખીઓ ગાંધી જન્મભૂમિના મહેમાન બનીને આવ્યા છે. અને આ વિદેશી પક્ષીઓએ પોરબંદરમાં આકર્ષણ વધાર્યું છે. અને આ વિદેશી પક્ષીઓને નિહાળી પક્ષી પ્રેમીઓ મંત્રમુગ્ધ બની રહ્યા છે.

વેટલેન્ડમાં ખારા-મીઠાં પાણીના સ્ત્રોતો હોવાથી પક્ષીઓને ખોરાક માટે નાની-મોટી માછલીઓ તેમજ કુંજ ને અહીંના ખેતરોમાં પાકતી મોલાતથી ખોરાક મળી રહે છે. પોરબંદરના અમુક વેટલેન્ડ હેબીટેડની વિવિધતા જેવી કે ફાર્મિંગ, સેમી ડેઝર્ટ તેમજ એક જ વેટલેન્ડમાં ભાંભરૂં પાણી અને ખારૂ અને મીઠું પાણી ત્રણેય પાણીની ઉપલબ્ધી હોવાથી પક્ષીઓને અહીં આવવાનું વિષેશ આકર્ષણ રહે છે.

પક્ષી અભિયારણ્ય ઉપરાંત અમીપુર ડેમ, બરડા સાગર ડેમ, કુછડી, મેઢાક્રીક તથા 250 સ્ક્વેર કિલો મીટર જેટલી ત્રિજ્યા ધરાવતો જળપ્લાવિત કર્લી ગોસાબારા ડેમ વિસ્તારમાં દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા જોવા મળે છે.દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન પોરબંદર સુરખાબી નગરી બની જાય છે. જેના લીધે પોરબંદરને પીન્ક-સીટીનું ઉપનામ પક્ષી પ્રેમીઓએ આપ્યુ છે.

ભારતમાં શિયાળાની સિઝનમાં પણ પશ્ચિમના દેશો જેટલી ઠંડી ન પડતી હોય, આવું વાતાવરણ વિદેશી પંખીઓને માફક આવે છે
યુરોપથી પ્રવાસે નીકળનારા વિદેશી પક્ષીઓના માઇગ્રેશન રૂટમાં પોરબંદર વચ્ચે આવતુ હોવાથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. શિયાળાના પ્રારંભ સાથે જ પોરબંદરમાં વિદેશી પ્રવાસી પક્ષીઓ લેસર-ફ્લેમીંગો, ગ્રેટર-ફ્લેમીંગો, કુંજ, કરકરા, પેલીકન, ઊલટી ચાચાં, શીંગપર, પીંન્ટેલ ડક, વિવિધ જાતની પોર્ચાડ, ગોલ્ડન પ્લોવર અને ગ્રે પ્લોવર તેમજ વિવિધ જાતના કાદવ-કિચડ ખુંદનારા શોરબર્ડ અને દેશી પરંતુ અતિ દુર્લભ એવું સારસ પક્ષી પણ અહીં પોરબંદર આવી, પોરબંદર શહેરને સુશોભિત કરે છે.

પોરબંદરમાં શિયાળા દરમ્યાન 250 થી પણ વધુ સ્થાનિક તથા યાયાવર પક્ષીઓની પ્રજાતીઓ જોવા મળે છે.

પોરબંદરમાં આ પક્ષીઓ માટે 9 હેક્ટરના વિસ્તારમાં પક્ષી અભિયારણ્ય ઊભું કરાયું છે.

પક્ષી અભિયારણ્યના મીઠાં પાણીમાં વિદેશી પ્રવાસી પક્ષીઓ સહિત દેશી પક્ષીઓ વિહરતા જોવા મળે છે.
પક્ષીઓ આ સરોવરમાં આરામ કરી શકે તે માટે પથ્થરો વડે 8 જેટલાં માઉન્ટ બનાવવામાં આવ્યા છે. આમ યુરોપના દેશો માંથી વિદેશી પક્ષીઓનું આગમન થતાં પોરબંદરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. અને પોરબંદર પંથકમાં આવેલ નાના મોટા જળાશયોમાં સંધ્યા સમય દરમિયાન તો વિદેશી પક્ષીઓના કલરવથી પક્ષી પ્રેમીઓ પણ મંત્રમુગ્ધ બની જાય છે.

By admin