ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર વાઘાણી સહિત દિગ્ગજોની બાદબાકી

  • – સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે 13 સભ્યોનું બોર્ડ રચાયું
  • – પહેલીવાર પૂર્વ પ્રદેશ પ્રમુખને બોર્ડમાં સ્થાન નહીં,રમણ વોરા-શંભુપ્રસાદની આંતરિક લડાઇમાં સાંસદ કિરીટ સોલંકી ફાવ્યા

સૃથાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે જેના પગલે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવા ભાજપે પાર્લામેન્ટ્રી  બોર્ડ જાહેર કર્યુ છે. પ્રદેશ  પ્રમુખ સી.આર.પાટીલ સહિત કુલ 12 સભ્યોને પાર્લામેન્ટ્રી બોર્ડમાં સમાવેશ કરાયો છે. જોકે, નવા પાર્લામેન્ટ્રી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજોની બાદબાકી કરાઇ છે.

આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્ય ચૂંટણી પંચ સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી શકે છે. ગઇકાલે જ ભાજપે નિરીક્ષકોની નિમણૂંકો કરી છે ત્યારે આજે પાટીલે 13 સભ્યોના ભાજપ  પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, પરષોત્તમ રૂપાલા , આર.સી.ફળદુ , સુરેન્દ્ર પટેલ, જશવંતસિંહ ભાભોર , ભીખુ દલસાણિયા , રાજેશ ચુડાસમા , કાનાજી ઠાકોર , ડો.કિરીટ સોલંકી ઉપરાંત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખનો સમાવેશ કરાયો છે.

પહેલીવાર એવુ બન્યુ છેકે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખને સૃથાન અપાયુ નથી. બોર્ડમાં જીતુ વાઘાણીની બાદબાકી કરાઇ છે. આ ઉપરાંત પાર્લામેન્ટી બોર્ડની નવી ટીમમાં ભરતસિંહ પરમાર , મંગુભાઇ પટેલને કોરાણે મૂકાયા છે. સાથે સાથે શંભુપ્રસાદ ટુંડિયા પણ વેતરાયાં છે. રમણ વોરા અને શંભુપ્રસાદ ટુડિયા વચ્ચે આંતરિક ખટરાગમાં કિરીટ સોલંકી ફાવ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, ચાર વર્ષ બાદ ભાજપે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ રચ્યુ છે. જાતિગત સમીકરણને જોતાં બોર્ડમાં સી.આર.પાટીલે પટેલોને વધુ પ્રાધાન્ય અપાયુ છે. પાંચ પટેલો , એક ઠાકોર , એક કોળી , એક દલિત , એક ક્ષત્રિય  અને એક આદિવાસીને બોર્ડને સૃથાન અપાયુ છે.