ખંભાળિયામાં કોરોનાએ અગ્રણી રાજકીય નેતાનો ભોગ લીધો: સતવારા સમાજમાં ઘેરો શોક
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મેઘજીભાઈ કણજારીયાનું ગઈકાલે રવિવારે સાંજે કોરોનાની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યુ છે.
ખંભાળિયામાં વર્ષ 2007ની ટર્મમાં ધારાસભ્ય તરીકે સેવાઓ આપી ચૂકેલા મેઘજીભાઈ ડાયાભાઈ કણજારીયા (ઉ.વ. 60) કે જેઓ હાલ મોરબી જિલ્લા ભાજપના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેઓ તેમની સક્રિય કામગીરી દરમિયાન ગત તારીખ 9 ના રોજ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. આ પછી તેઓની સારવાર દરમિયાન તબીયત લથડતાં ચારેક દિવસ પૂર્વે વધુ સારવાર અર્થે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને જરૂર પડે વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તબિયતમાં સુધારો પણ થયો હતો. પરંતુ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા.
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાં સતવારા જ્ઞાતિમાં સક્રિય આગેવાન મેઘજીભાઈ કણજારીયા મૃદુ તથા મિતભાષી હોવાથી ક્યારે પણ તેઓ વિવાદમાં આવ્યા ન હતા. ત્યારે શારીરિક રીતે ચુસ્ત અને સ્વસ્થ એવા મેઘજીભાઈનું ગઈકાલે તેમનું ટૂંકી બીમારીના કારણે અવસાન થતાં સમગ્ર સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
સ્વ. મેઘજીભાઈની બે દાયકાની અવિરત રાજકીય કારકિર્દી
ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ કણજારીયા પ્રથમથી જ ભારતીય જનતા પાર્ટીને વરાયેલા હતા. વર્ષ 2001માં તેઓ ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન થયા હતા. બાદમાં વર્ષ 2005 થી 2008 ના આ સમયગાળામાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા બાદ વર્ષ 2007માં યોજાયેલી ખંભાળિયા વિધાનસભાની ચુંટણીમાં તેઓએ ધુરંધર નેતાને પરાજીત કરી, વિજેતા થઈ અને 2012 સુધી ધારાસભ્ય તરીકે સક્રિય અને પ્રવૃત હતા. આ પછી તેઓ ગુજરાતની મહત્વની એવી જળ સંચય યોજના (નર્મદા)ના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તારીખ 22-10-2013 ના રોજ તેઓએ ચાર્જ સંભાળ્યો હતો. આ બાદ ગુજરાત સરકારના મહત્વના એવા “ગ્રિમકો” વિભાગના ચેરમેન તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. જેની ટર્મ તાજેતરમાં જ પૂર્ણ થઈ હતી.
સ્વ. મેઘજીભાઈ કણજારીયા હાલ મોરબી જિલ્લા ભાજપના પ્રભારી, ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી, તથા સતવારા જ્ઞાતિના સક્રિય આગેવાન- નેતા તરીકે મહત્ત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા.
ટ્વિટર મારફતે શ્રદ્ધાંજલી અર્પતા મુખ્યમંત્રી
ભાજપના પાયાના કાર્યકર અને પીઢ રાજકીય નેતા મેઘજીભાઈ કણજારીયાનું નિધન થતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સહિતના નેતાઓ- આગેવાનોએ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વ. મેઘજીભાઈ કણજારીયાના નિધનનું દુઃખ વ્યક્ત કરી, તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સ્વ. મેઘજીભાઈને ખંભાળિયામાં અંતિમવિધિ કરાઈ
સ્વ. મેઘજીભાઈના પાર્થિવ દેહને આજરોજ સવારે ખંભાળિયાના સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી, ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સ્વ. મેઘજીભાઈ કણજારીયા તેમના એક પુત્ર, ત્રણ પુત્રી, એક ભાઈ તથા પાંચ બહેન સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.