ભારતીય પરિવારોની નાણાકીય સંપત્તિ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકગાળા, જૂન કવાર્ટરમાં પરિવારોની નેટ હાઉસહોલ્ડ વેલ્થ એટલેકે ચોખ્ખી નાણાકીય સંપત્તિ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના ૧૧૫.૯ ટકા સુધી પહોંચી ગઈ છે. આ ઈતિહાસનો સર્વાધિક આંકડો છે. મોતીલાલ ઓસ્વાલના રિસર્ચ અહેવાલ અનુસાર કોરોના મહામારી પછી પરિવારોની કુલ નાણાકીય સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે અને પરિવારોનું દેવું રોગચાળા પહેલાના સમયગાળા જેટલું જ છે.અહેવાલ મુજબ, નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિવારોની કુલ નાણાકીય સંપત્તિ વધીને જીડીપીના ૧૫૭.૯ ટકા થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ક્વાર્ટરમાં નોંધાયેલા ૧૫૨.૯ ટકાની અગાઉની ટોચ કરતાં વધુ છે. કોરોના પહેલા, પરિવારોની નાણાકીય સંપત્તિ જીડીપીના ૧૨૩ ટકા જેટલી હતી.જોકે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિવારોની નાણાકીય જવાબદારીઓ જીડીપીના ૪૨ ટકા પર સ્થિર રહી છે. રિસર્ચ અહેવાલ દર્શાવે છે કે ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં પરિવારોનું દેવું ૧૨૭ લાખ કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ક્વાર્ટરમાં ૧૦૬ લાખ કરોડ રૂપિયા હતું. રોગચાળા પહેલાના ત્રિમાસિક ગાળામાં દેવું જીડીપીના ૩૫ ટકા હતું.

પરિવારોની હાઉસહોલ્ડ વેલ્થમાં કરન્સી, ડિપોઝીટ, ઇક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈન્શ્યોરન્સ ફંડ અને પેન્શન ફંડનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ ફંડોનો હિસ્સો વધ્યો છે, જ્યારે અન્ય એસેટ ક્લાસ જેમ કે કરન્સી, ડિપોઝીટ અને ઇન્શ્યોરન્સનો હિસ્સો ઘટયો છે.૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકગાળામાં પરિવારોની કુલ હાઉસહોલ્ડ એસેટમાં નાની બચત સહિતની થાપણોનો હિસ્સો ૩૮ ટકા છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૦ અને નાણાકીય વર્ષ ૨૦૧૪માં લગભગ ૫૦ ટકાથી ધીમે-ધીમે ઘટી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *