લિક્વિડિટીની તાણને પહોંચી વળવા  દેશની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા  સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ  (સીડી) જારી કરવાની માત્રામાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં રૂપિયા ૫૬૪૦૦ કરોડની સરખામણીએ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા કુલ રૂપિયા ૯૭૯૦૦ કરોડની સીડી જારી કરાયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત ખાનગી બેન્કો પણ ધિરાણ માગમાં જોરદાર વધારાને ધ્યાનમાં રાખી નાણાં ઊભા કરવા આ સાધનનો ઉપયોગ કરી રહી છે. ખાનગી બેન્કો દ્વારા વર્તમાન મહિનામાં રૂપિયા ૨૭૦૦૦ કરોડની સીડી જારી કરવામાં આવી છે જે ઓગસ્ટમાં રૂપિયા ૨૩૯૦૦ કરોડ જારી કરાઈ હતી. ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતી હોવાથી બેન્કો લિક્વિડિટીની તાણ અનુભવી રહી છે. દેશના અર્થતંત્રમાં મજબૂતાઈને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષના તહેવારોની મોસમમાં ધિરાણ માગમાં જોરદાર વધારો થવાની બેન્કો અપેક્ષા રાખી રહી છે. લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે, જેથી ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચેના તફાવતને ઓછો કરી શકાય.

સીડીની જેમ નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ (એનબીએફસીસ) દ્વારા કમર્સિઅલ પેપર્સ જારી કરવાની માત્રા ઊંચી રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં એનબીએફસીસ તથા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા એકંદરે રૂપિયા ૬૧૨૦૦ કરોડના સીપી જારી કરાયા છે જ્યારે કોર્પોરેટસનો આ આંક રૂપિયા ૩૪૮૦૦ કરોડ રહ્યો છે.