એક ટમેટું સ્કૂલે આવ્યું

એક હતું ટમેટું.

નાનું-નાનું, ગોળમટોળ, મજાનું!

તે એક દિવસ સ્કૂલે આવ્યું, પણ તેણે યુનિફોર્મ ન્હોતો પહેર્યો એટલે ટીચર તેના પર ખિજાયા. ટમેટું તો ટીચરની સામે જોઇ રહ્યું.

ટીચર આંખો કાઢી અને ગુસ્સાભેર બોલ્યા- ‘અહીં યુનિફોર્મ પહેર્યા વિના આવીશ તો સજા થશે.’

ટમેટું કહે- ‘પણ મને લાલમ્લાલ જ રહેવું ગમે છે.’

ટીચર વધારે ખિજાયા- ‘એમ તારી મનમાની અહીં ન ચાલે. આ સ્કૂલ છે ત તારું ઘર નથી!’

ટમેટાએ કહ્યું- ‘પણ બધા તો કહે છે ટીચર તો મમ્મી જેવા જ દયાળુ હોય છે. તો તમે કેમ આમ કરો છો?’

ટીચરે દાંત કચકચાવતાં સ્કેલ ઉગામી.

ટમેટું દડબડ-દડબડ દોડવા લાગ્યું.

આગળ ટમેટું, પાછળ ટીચર!

આમ જાય… તેમ જાય…

ટમેટું  તો  ના પકડાય!

લાલમ્લાલ ફુલાવે ગાલ…

ટમેટું   તો  કરે  ધમાલ!

ટમેટું કેમેય કરીને પકડાય નહીં. એ તો હસતું જાય ને ગાતું જાય-

‘મજા પડી! ભૈ, મજા પડી!

સ્કૂલ ગયા તો મજા પડી!

મજા પડી! ભૈ, મજા પડી!

તોફાન કરવાની મજા પડી!’

આ સાંભળીને ટીચરનો ગુસ્સો વધતો જ જાય. તેઓ ખૂબ દોડયા, પણ એમ ટમેટું કંઇ હાથમાં આવે?

દોડતાં-દોડતાં પ્રિન્સિપાલની આફિસ આવી ગઇ. ટમેટું રોકાયું. ટીચરે આવીને તેનો કાન પકડતાં કહ્યું- ‘હવે કયાં જઇશ?’

પ્રિન્સિપાલે પૂછયું- ‘શું વાત છે? કેમ આમ દોડાદોડ થાય છે?’

ટીચર કહે- ‘જુઓ, આ ટમેટાએ એક તો યુનિફોર્મ નથી પહેર્યો અને ઉપરથી દોડાદોડ કરીને મને પજવે છે.’

પ્રિન્સિપાલ બોલ્યા- ‘ટમેટા! આવી રમતો કરાય? ભણવા આવ્યા હોઇએ ત્યારે આવી મસ્તી ન કરાય!’

ટમેટાએ કહ્યું- ‘પણ મેં તો સાંભળ્યું છે કે રમતાં-રમતાં ભણીએ તો ભણતર સાવ સહેલું અને મજાનું લાગે!’

પ્રિન્સિપાલ એક ઘડી વિચારમાં પડી ગયા. પછી બોલ્યા- ‘વાત તો સાવ સાચી છે હો તારી! આવડી મોટી અને આટલી સરસ વાત કરી એ બદલ આજે તને  માફી આપું છું!’

ટીચર જોતા રહી ગયા.

ટમેટું રાજી થઇને ઊછળતું-કૂદતું ચાલ્યું ગયું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *