ઓડિશનના બે જ કલાકમાં હું પસંદ થઇ ગઇ : પ્રતિભા રંટા

 ‘કરીઅરની શરૂઆતમાં જ  આમિર ખાન, કિરણ રાવ અને સંજય લીલા ભણશાળી જેવાં દિગ્ગજો સાથે ‘લાપતા લેડીઝ’ અને ‘હીરામંડી’માં કામ કરવા મળ્યું એ મારા માટે સૌથી મોટો જાદુ છે’

૨૦૨૪માં જે નવી પ્રતિભાઓએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આવીને પોતાના કદમ જમાવ્યા છે તેમાં શિમલાની વતની પ્રતિભા રંટાનો પણ સમાવેશ થાય છે. પ્રતિભાને આજે  પણ તેની જે રીતે ‘લાપતા લેડીઝ’  ફિલ્મ માટે એનું સિલેક્શન  થયું હતું તે માન્યામાં આવતું નથી. પોતાના ‘લાપતા લેડીઝ’ના ઓડિશન વિશે વાત કરતાં  પ્રતિભા કહે છે કે મેં  કદી કલ્પના પણ કરી નહોતી કે હું એક દિવસ આમિર ખાન અને કિરણ રાવની સામે બેસીને ફિલ્મ માટે ઓડિશન આપીશ. ઓડિશન દરમ્યાન આમિર ખાન અને કિરણ રાવનું વર્તન એટલું હુંફાળું હતું કે મને સહેજ પણ અગવડ પડી નહોતી. સાંજે પાંચ વાગે ઓડિશન પુરૂ થયું અને હું ઘેર જવા રવાના થઇ. સાંજે સાત વાગ્યામાં તો મને ફોન આવી ગયો કે તમારી જયાના પાત્ર માટે પસંદગી થઇ ગઇ છે!

પ્રતિભા કહે છે, ‘મહિલા દિગ્દર્શક સાથે કામ કરવાનું વધારે સરળ બની રહે છે. કિરણ રાવ મને જે કહેતાં હતાં તે સમજવાનું મારે માટે સરળ હતું. ફિલ્મના રિવ્યુઝમાં મારા કામને વખાણવામાં આવ્યું, પણ મને તો મારા વતનમાંથી મારી સહેલીઓએ જે મેસેજીસ મોકલ્યા તેને હું સૌથી મૂલ્યવાન સમજું છું. મારી સહેલીઓએ જણાવ્યું હતું કે જો તું આ કરી શકે તો અમને ખાતરી છે કે અમે પણ આ કરી જ શકીએ. તે વખતે મને લાગ્યું હતું કે મેં કશુંક સિદ્ધ કરી લીધું છે.’ એવું નથી કે બોલિવૂડમાં પગ મુકતાં જ પ્રતિભાને મોટી ફિલ્મોમાં કામ મળવા માંડયું. પ્રતિભા કહે છે, ‘અભિનેત્રી બનવાનું મારું બાળપણનું સ્વપ્ન હતું. મને નાની વયથી જ અભિનય અને ડાન્સ કરવાનું ગમતં, હતું. મારા પરિવારે મારી પ્રતિભાને પારખીને મોકળું મેદાન આપ્યું હતું. તેઓ કહેતાં, બચ્ચી કા શૌક હૈ. હું જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે જ મારી સહેલીઓ નક્કી કરવા માંડી હતી કે ડોક્ટર બનવું છે કે ટીચર. પણ મને તો તેમાં કોઇ રસ નહોતો. હું તો મારી જાતને એક એક્ટર તરીકે જ કલ્પી શકતી હતી.’ 

પોતાની કથા આગળ વધારતાં પ્રતિભા કહે છે, ‘મારી મોટી બહેનને મુંબઈમાં નોકરી મળી  ગઇ એટલે મેં પણ તેની સાથે તકદીર અજમાવવાનું નક્કી કર્યું. મુંબઇના સમુદ્ર કિનારા  પર ફરી ફરીને અને તેની લોકલની મુસાફરીઓ કરી કરીને હું તો મુંબઇના પ્રેમમાં પડી ગઇ. મેં ફિલ્મ મેકિંગનું ભણવાનું શરૂ કર્યું. એ પછી સિનિયર્સ અને મારી સહેલીઓના કહેવાથી ઓનલાઇન ઓડિશન ગુ્રપ જોઇન કર્યું. શરૂઆતમાં તો દૂર દૂરના વિસ્તારોમાં થતાં ઓડિશનમાં જતાં પણ ડર લાગતો હતો. હું હમેંશા મારું લાઇવ લોકેશન મારી બહેન સાથે શેર કરતી. પણ મુંબઇ આવ્યાના છ મહિનામાં જ મને પ્રથમ ટીવી શો ‘કુરબાન હુઆ’માં કામ મળ્યું. આ ટીવી શોમાં પ્રતિભાનું કામ જોઇ વતનમાં  માતાપિતાને થયું કે પ્રતિભા એક્ટિંગ મામલે ગંભીર છે. એ પછી તેને તરત ‘આધા ઇશ્ક’માં પણ ભૂમિકા મળી, પણ પ્રતિભા તો પોતાને હંમેશા મોટા પડદાની હિરોઇન જ સમજતી હતી. અને જ્યારે કિરણ રાવ અને આમિર ખાન સામે બેસી તેણે ‘લાપતા લેડીઝ’ માટે ઓડિશન આપ્યું તે સાથે તેની સમજ વાસ્તવિકતામાં પરિણમી.  પ્રતિભાનું નસીબ પણ એટલું જોરદાર કે આ ફિલ્મનું શૂટિંગ પુરૃં થયા બાદ તરત જ તેને સંજય લીલા ભણશાળીના વેબ શો ‘હીરામંડી’ માટે ઓડિશન કરવાનું કહેણ મળ્યું. હવે એ કહેવાની જરૂર નથી કે તેની આ વેબ શોમાં પણ પસંદગી થઇ ગઇ. પ્રતિભા આ શોમાં કામ કરવાના અનુભવ વિશે કહે છે, ‘હું તો આટલો ભવ્ય સેટ જોઇને આભી જ બની ગઇ હતી. બધું જ ગંજાવર હતું. લાઇટ્સ પણ ખટારા ભરી ભરીને આવતી હતી. દરેક વસ્તુને ભવ્ય રીતે સજાવવામાં આવેલી હતી. હું મારી વાનમાં ગઇ ત્યારે મારાં વસ્ત્રો જોઇને ચક્તિ થઇ ગઇ. હું આ કપડાંમાં એટલી અલગ દેખાતી હતી કે મને રોમાંચ થઇ આવ્યો હતો. અહીં બધું જ ‘લાપતા લેડીઝ’ના સેટ કરતાં ઉલટું  હતું!’ 

પ્રતિભા હજી સંજય સરના વખાણ કરતાં થાકતી નથી. તે કહે છે, ‘તેઓ જે રીતે તેમના પાત્રને  ફ્રેમ કરે છે તે અદભુત હોય છે. તેમની દરેક ફ્રેમ પરફેક્ટ હોય છે.’ પરફેક્ટ બોલતાં જ પ્રતિભાને યાદ આવ્યું કે તેણે આમિર ખાનને સવાલ કર્યો હતો કે તમને લોકો મિસ્ટર પરફેકશનિસ્ટ કેમ કહે છે? પ્રતિભા કહે છે, ત્યારે આમિરે સરસ જવાબ આપ્યો હતો કે હું પરફેક્શન નહીં પણ એક જાદુઇ પળ શોધતો હોઉં છું. ઘણીવાર એ જાદુઇ પળ એક શોટમાં જ મળી જાય છે તો ઘણીવાર થોડા રીટેક લીધા પછી તે સાંપડે છે. વેલ, પ્રતિભાને તો આ જાદુઇ પળો તેની કારકિર્દીની શરૂઆતમાં જ મળી ગઇ છે. તે કહે છે, મને તો મારી કારકિર્દીની શરૂઆતમાં જ દિગ્ગજ ગણાતાં  આમિર ખાન, કિરણ રાવ અને સંજય લીલા ભણશાળી સાથે કામ કરવા મળ્યું છે. મારા માટે આ સૌથી મોટો જાદુ છે!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *