ખુદનો ન્યાય કરવા મન જ્યારે ન્યાયાધીશની ખુરશી પર બેસે ત્યારે માણસ આત્મિક રીતે કેટલો સજ્જન છે તે પરખાઈ જાય છે.
શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં રાજા પરીક્ષિતની કથા આવે છે. એક દિવસ તે વનમાં શિકાર કરવા ગયા. હરણાં પાછળ દોડતાં દોડતાં થાકી ગયા. તરસ લાગી હતી. ગળું સુકાતું હતું. ક્યાંય જળાશય દેખાયું નહિ. દૂરથી એક આશ્રમ દેખાયો. તે ઋષિના આશ્રમમાં ગયા. તેમણે જોયું કે એક મુનિ આંખો બંધ રાખીને શાંતભાવે આસન પર બેઠા હતા. તે બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં એટલા મગ્ન હતા કે તેમને રાજા આવ્યા છે તેનું પણ ભાન નહોતું. રાજાએ તરસ છીપાવવા પાણી માંગ્યું. મુનિએ જવાબ ના આપ્યો. રાજાએ ફરી ઊંચા અવાજે પાણી માગ્યું. કોઇ જવાબ ના મળ્યો. રાજાને લાગ્યું મુનિ ધ્યાનમાં બેસી રહેવાનો ઢોંગ કરી તેમનું અપમાન કરે છે. તે રાજા હતા. રાજાનું માન જળવાવું જોઇએ. રાજાનો આદરપૂર્વક સત્કાર થવો જોઇએ. બેસવા આસન આપવું જોઇએ. પણ કશું થયું નહિ. રાજા ભૂખ-તરસથી બેબાકળા થયા હતા. તે ક્રોધે ભરાયા. તેમણે ક્રોધવશ એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી પાછા ફરી ગયા.
એ શમીક ઋષિનો એક પુત્ર હતો. ઘણો તેજસ્વી હતો. જ્યારે તેણે જોયું કે તેના પિતા સાથે રાજાએ દુર્વ્યહાર કર્યો છે ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો. તેણે કૌશિકી નદીના જળથી આચમન કરીને રાજા પરીક્ષિતને શાપ આપ્યો. ”કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી આજથી સાતમા દિવસે મારી પ્રેરણાથી તક્ષક નાગ આવીને તેમને ડસશે !!”
રાજધાનીમાં પહોંચ્યા પછી પરીક્ષિતને પોતે કરેલા નિંદ્ય કર્મ માટે પસ્તાવો થયો જ્યારે તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી સાતમા દિવસે તેમને તક્ષક ડંખશે ત્યારે તે સહેજેય ડગ્યા નહિ. મનમાં મૃત્યુનો ભય પણ ના થયો. શાંત ચિત્તે વિચાર કર્યો. મુનિનું અપમાન એ ભૂલ જ ગણાય. રાજા કરતાંય મુનિ, ઋષિ કે ગુરુનું પદ ઉપર હોય છે. મુનિનું અપમાન ના કરાય. સાક્ષાત મૃત્યુરુપ તક્ષકના ડંખવાના શાપની વાતને તેમણે કલ્યાણકારી માની. આવા શાપમાંથી જરૂર કંઇક સારું થશે એમ માની ચિત્ત શાંત રાખ્યું. તેમણે વિચાર્યું (સ સાધુ મેને નચિરેણ તક્ષકાનલં પ્રસકતસ્ય વિરકિતકારણમ્) (ભાગવત ઃ ૧-૧૯-૪) છેલ્લા ઘણા દિવસોથી હું સંસારમાં વધુ આસક્ત થઇ ગયો હતો. મારા માટે આ કલ્યાણકારી શાપ પણ વિરક્તિનું એક કારણ બનશે. મહારાજ પરીક્ષિત પરમધીર હતા. તેમણે રાજકારભાર પુત્ર જનમેજયને સોંપી દીધો. તમામ આસક્તિનો ત્યાગ કર્યો. મુનિઓનું વ્રત અપનાવી અનન્યભાવથી શ્રીકૃષ્ણના ચરણકમળોનું ધ્યાન ધરવા લાગ્યા.
ખુદનો ન્યાય કરવા મન જ્યારે ન્યાયાધીશની ખુરશી પર બેસે ત્યારે માણસ આત્મિક રીતે કેટલો સજ્જન છે તે પરખાઈ જાય છે. પરીક્ષિત પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા. તે ધારત તો ઋષિકુમારને દંડ આપી શકત. તે ધારત તો તેનો દેશનિકાલ કરાવી શકત. તે ધારત તો તેના પ્રાણ લઇ શકત. પણ તે સામાન્ય રાજા નહોતા. અભિમન્યુપુત્ર ધર્માત્મા હતા. તેમને પોતાની ભૂલનો અહેસાસ હતો. ભૂલ સ્વીકારી તેની સજા કે દંડ ભોગવવાની તૈયારી હતી. તેમણે ‘ભલે મને તક્ષક ડંસે’ એમ વિચારી ઋષિકુમારનો શાપ પણ સહજ રીતે સ્વીકારી લીધો અને આમરણ અનશન-વ્રત લઇ ગંગાકિનારે ધ્યાનમાં બેસી ગયા.
‘પ્રાણાનોપિ પ્રકૃતિવિકૃતિ જાયતે નાત્ત્તમાનામ્) પ્રાણ જાય તો પણ સજ્જન માણસોના સ્વભાવમાં વિકૃતિ આવતી નથી. સારો માણસ જ્યારે ખુદનો ન્યાય કરવા બેસે ત્યારે તેની નજર પોતાના સુખ ઉપર નહિ ‘સત્ય’ પર હોય છે. જાતને ભલે આવે સત્યને આંચ ના આવવી જોઇએ. આ રીતે ખુદની ભૂલની સજા ભોગવવા જે તૈયાર થાય તે જ આત્મિકરૂપે શક્તિશાળી બને છે. તેનું આત્મગૌરવ કુંપળની જેમ ખીલી ઊંઠે છે.રવીન્દ્રનાથ ટાગોરના દાદા તેમની પાછળ લાખો રૂપિયાનું દેવું મૂકતા ગયા હતા. જો કે કુટુંબ માટે તેમણે દસ્તાવેજ કરી એક ટ્રસ્ટ બનાવ્યું હતું જેથી લેણદારો એ ટ્રસ્ટમાંથી કાયદેસર પૈસા ના લઇ શકે. પણ દેવેન્દ્રનાથે લેણદારોને બોલાવીને કહ્યું – ”ભાઈઓ, દાદાએ ભલે ટ્રસ્ટ બનાવ્યું હોય ! પણ મારું મન માનતું નથી. આત્મા ડંખે છે લઇને ના આપવું એ અન્યાય છે. હું પાઈએ પાઈ આપી દઇશ.” અને ખરેખર દેવેન્દ્રનાથ અને ભાઈઓએ કરકસર કરીને લેણદારોની રકમ ચુકતે કરી દીધી. ત્યારથી તેમનું માન વધી ગયું.
ઘણા લોકો સજ્જનતાને કિિંમતી દાગીનાની માફક મનની દાબડીમાં સંઘરી રાખે છે. યેન-કેન પ્રકારેણ જાતને બચાવી લેવાની વૃત્તિ સદ્ગુણોને વિકસવાની તક નથી આપતી. જીવનમાંથી જો સંકલ્પ, સજ્જનતા, નીતિ એમ ન્યાયની બાદબાકી થઇ જાય પછી આપણી હયાતીમાં ગર્વ કરવા જેવું કશું બચતું નથી. કોઇપણ જાતની સજા મળ્યા પછીયે જો મન બેચેન ના થાય તો સમજવું કે આપણે છાજલી પર ઊંધા પડેલા વાસણ જેમ ખાલીખમ છીએ. ખુદનો ન્યાય કરી જે સજા સ્વીકારવા મક્કમ રહે એને જ સદાચારીની રૃંઆટીનો સ્પર્શ રોમાંચિત કરી શકે છે. મનના દરવાજે જો સજ્જનતાનો ચોકીદાર પહેરો ભરતો હશે તો કોઇ ગુનો ત્યાંથી પસાર થતાંય ગભરાશે.