યોગ્ય જીવનસાથી મળવાથી જીવનની ગતિ સરળ બની જાય છે. હું તો સાધારણ માણસ છું, પણ ટ્વિન્કલ ભણેલીગણેલી છે. હું મહેનત મજૂરી કરું છું, જ્યારે ટ્વિન્કલ બૌદ્ધિક કામ કરે છે.’અક્ષય અને આરવ
અક્ષયકુમારની વધારે ભારતીય છે કે કેનેડિયન એવા અણિયાળા સવાલ પર હવે પડદો પડી જવો જોઈએ, કેમ કે તાજેતરમાં એણે ભારતીય નાગરિક તરીકે લોકસભાની ચૂંટણીમાં હકથી અને ગર્વપૂર્વક મતદાન કર્યું. આ ખિલાડીકુમારની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી કમાલ કરી રહી નથી તે આપણે જાણીએ છીએ. ‘બડે મિયાં છોટે મિયાં’ પાસેથી ઘણી અપેક્ષા હતી, પણ આ ફિલ્મ પણ ન ચાલી. એનીવે. અક્ષય હવે કારકિર્દીના એવા મુકામ પર પહોંચી ગયો છે કે આ પ્રકારની નિષ્ફળતાથી એના સ્ટાર સ્ટેટસને ઝાઝો ફર્ક પડતો નથી.
અક્ષય લગ્ન કરતાં પહેલાં દિલફેંક આશિક હોવાના મામલામાં એક નંબરનો ખિલાડી હતો તે જગજાહેર ઇતિહાસ છે, પણ લગ્ન પછી એ ફેમિલીમેન નંબર વન બની ગયો છે. અક્ષય અને ટ્વિંકલ ખન્નાનાં લગ્નનાં ૨૩ વર્ષ થઈ ગયાં. એમનો દીકરો આરવ આજે બાવીસ વર્ષનો હૃષ્ટપુષ્ટ જુવાન બની ગયો છે, ૧૨ વર્ષની દીકરી નિતારા પ્રિ-ટીન અવસ્થામાંથી પસાર થઈ રહી છે. માતા-પિતા અને પતિ ત્રણેય મોટાં સેલિબ્રિટી છે, પણ ટ્વિન્કલે પોતાની એક લેખિકા તરીકે સ્વતંત્ર ઓળખ ઊભી કરી છે. ડાહ્યા લોકો કહી ગયા છે કે પત્નીની પ્રશંસા કરવાનો એક પણ મોકો છોડવો જોઈએ નહીં. અક્ષયે આ સૂત્ર સાંગોપાંગ અપનાવી લીધું છે! એ કહે છે, ‘ઘર સંભાળવું, બાળકોને સાચવવા, મને સાચવવો અને સાથે સાથે પોતાની કરીઅરને આગળ વધારતા જવી – ટ્વિન્કલ આ ચારેયનું એટલું સરસ સંતુલન કરી જાણે છે કે ન પૂછો વાત. મારી દીકરી ઇન્ટેલિજન્ટ છોકરી છે. એને બુદ્ધિ ટ્વિન્કલ તરફથી વારસામાં મળી છે. હું તો સાધારણ માણસ છું, પણ ટ્વિન્કલ ભણેલીગણેલી છે. હું મહેનતનાં કામ કરું છું, જ્યારે ટ્વિન્કલ બૌદ્ધિક કામ કરે છે.’
ટ્વિન્કલ જેવી પત્ની મળવાથી અક્ષય ખુદને નસીબદાર માને છે. ટ્વિન્કલ એક માતા તરીકે પણ ઉત્તમ પૂરવાર થઈ છે તેથી વિશેષ. અક્ષય કહે છે, ‘યોગ્ય જીવનસાથી મળવાથી જીવનની ગતિ સરળ થઈ જાય છે. હું કામ પર જાઉં છું ત્યારે એ બાળકોનું ધ્યાન રાખે છે. આજે પચાસ વર્ષની વયે પણ ટ્વિન્કલ ભણવાથી થાકી નથી. એણે હમણાં ગોલ્ડસ્મિથ્સની યુનિવસટી ઓફ લંડનમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે અને હવે એ પીએચડી કરી રહી છે.’ ટ્વિન્કલ, આરવ અને નિતારા ત્રણેયનું વઘતું-ઓછું ભણતર લંડનમાં થયું છે. તેથી આ શહેરમાં અક્ષયે પુષ્કળ સમય પસાર કર્યો છે. એ કહે છે, ‘લંડનનિવાસ દરમ્યાન પહેલા સૌથી પહેલાં હું દીકરીને એની સ્કૂલે મૂકવા જતો, પછી દીકરાનેને યુનિવસટીમાં મૂકવા જતો અને છેલ્લે ટ્વિન્કલને બીજી યુનિવસટીમાં છોડી આવતો. પછી એક અભણની જેમ અમારા લંડનના ઘરે પાછો ફરતો અને આખો દિવસ ક્રિકેટ જોયા કરતો.’
ટ્વિન્કલની માસ્ટર્સ ડીગ્રીની ઉજવણી કરતાં અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘બે વર્ષ પહેલાં ટ્વિન્કલે મને કહ્યું કે તેને ફરી ભણવું છે ત્યારે મને વિશ્વાસ નહોતો બેઠો. પણ હવે જ્યારે હું એને સ્ટુડન્ટ હોવા છતાં ઘર, કરીઅર મને અને બાળકોની દેખભાળ કરતી જોઉં છું ત્યારે મને અહેસાસ થયો કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યાં છે. એણે ડિગ્રી મેળવી તે બદલ મને ગર્વ છે. મને હવે અહેસાસ થાય છે કે મેં પણ થોડો વધુ ભણ્યો હોત તો સારું થાત.’
શું બીજાં ફિલ્મી સંતાનોની માફક અક્ષયનો દીકરો પણ બોલિવુડમાં એન્ટ્રી મારવાનો છે? અક્ષય સ્પષ્ટતા કરે છે, ‘ના, આરવને ફિલ્મી કારકિર્દીમાં બિલકુલ રસ નથી. એ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવા માગે છે. આરવ ભલે એક સ્ટાર-કિડ છે, પણ એની લાઇફસ્ટાઇલ સાદી છે. મારી દીકરીને અવનવાં કપડાં પહેરવાનું ગમે છે, પણ આરવને સાદા કપડા પસંદ છે. અમે આરવ પર ક્યારેય અમારી ઇચ્છા-અનીચ્છા લાદી નથી. આરવે અમને સ્પષ્ટપણે કહી દીધું છે કે એ ફિલ્મોમાં કામ નહીં જ કરે.’
આરવે પંદર વર્ષની વયે જ વિદેશમાં અભ્યાસ કરવા ઘર છોડી દીધું હતું. એ સ્વતંત્ર અને સ્વ-નિર્ભર રહેવા માગતો હતો. અક્ષય કહે છે, ‘આરવ હાલ લંડનમાં અભ્યાસ કરે છે. તે વિદેશ જાય તેવી મારી ઈચ્છા નહોતી, પણ મેં પોતે ૧૪ વર્ષની વયે ઘર છોડયું હતું તો હું એને કેવી રીતે રોકી શકું૦ આજે તે પોતાનાં કપડાં જાતે ધુએ છે, જાતે રસોઈ કરે છે. એ મોંઘા ડિઝાઇનર કપડાં ખરીદતો નથી, બલ્કે સેકન્ડ-હેન્ડ સ્ટોરમાંથી શોપિંગ કરે છે. આરવ કરકસરીયો છે. એને પૈસાનો વેડફાટ બિલકુલ પસંદ નથી.’ટૂંકમાં, માત્ર ટ્વિન્કલે જ નહીં, પણ અક્ષયે પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સરસ રીતે સંતુલિત રાખી છે. હાલ એ ‘વેલકમ ટુ જંગલ’, ‘સ્કાયફોર્સ’, ‘જોલી એલએલબી-૩’ જેવી ફિલ્મોના શૂટિગમાં વ્યસ્ત છે.