ઈઝરાયલ અને ગાઝામાં (Israel-Palestine Conflict) સંચાલિત આતંકી સંગઠન હમાસ (Hamas Gaza) વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. મૃતકાંક બંને તરફ આકાશ આંબી રહ્યો છે ત્યારે હજુ પણ બંને તરફથી હુમલાની કાર્યવાહી ચાલુ જ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે ગાઝાપટ્ટીમાં (Gaza Strip) 400થી વધુ લોકોના મોતના અહેવાલ છે. ત્યારે આ દરમિયાન ઈઝરાયલ અને હમાસના યુદ્ધને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે. 

ભારતથી માગી મદદ 

ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને ઈઝરાયલ પર ઘાતક આતંકી હુમલામાં ઈરાનનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. હમાસ આતંકી સંગઠન દ્વારા કરાયેલા આ હુમલાઓમાં મોટાપાયે ઈઝરાયલીઓના મોતને પગલે તેમણે કહ્યું કે આ અત્યાચારને રોકવા માટે ભારત જેવા દેશોએ ઈઝરાયલને સમર્થન આપવા અને મદદ કરવાની જરૂર છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઈઝરાયલના કાયમી પ્રતિનિધિ ગિલાદ એર્દાને કહ્યું કે આર્થિક પ્રોત્સાહન નરસંહારની વિચારધારાને બદલી નહીં શકે. હવે સમય આવી ગયો છે કે હમાસના આતંકી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવે જેથી આવી ભયાવહતા ફરી ક્યારેય ન થાય. 

અમેરિકાએ ઇઝરાયેલને કરી સૈન્ય સહાય 

અમેરિકા પૂર્વ ભૂમધ્ય સાગરમાં યુદ્ધજહાજોનું એક સમૂહ મોકલી રહ્યું છે કેમ કે હમાસના આતંકીઓના ઘાતક હુમલામાં ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી છે જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિને કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડેન (US President Joe Biden) સાથે ચર્ચા બાદ યુએસએસ ગેરાલ્ડ આર.ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપને (US Warships) ક્ષેત્રમાં રવાના થવાના નિર્દેશ અપાયા છે. આ યુદ્ધ જહાજોના કાફલામાં એક વિમાનવાહક જહાજ, એક નિર્દેશિત મિસાઈલ ક્રૂઝર અને એક ડિસ્ટ્રોયર સામેલ છે. હમાસના હુમલામાં 4થી વધુ અમેરિકી નાગરિકોના મોતની પણ પુષ્ટિ થતાં અમેરિકાએ આ કાર્યવાહી કરી હોવાનું મનાય છે. જ્યારે બ્રિટનના પણ ત્રણ નાગરિકોના હમાસના હુમલામાં મોત નીપજ્યાંના અહેવાલ છે.  

ગાઝામાં 1.23 લાખ પેલેસ્ટિની બેઘર થયા 

સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ઈઝરાયલની એરસ્ટ્રાઈકને પગલે ગાઝામાં અત્યાર સુધીમાં 1,23,000 પેલેસ્ટિની બેઘર થઈ ગયા છે. 74 હજાર લોકોએ સ્કૂલોમાં શરણ લઈ રાખી છે. વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલોમાં કામ કરવામાં તકલીફ પડી રહી છે. 

હમાસના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક 

ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે હમાસના ઠેકાણાઓ પર બોમ્બમારો યથાવત્ છે. તેમાં જબાલિયા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળને પણ નિશાન બનાવાયું હતું. તેનો ઉપયોગ હમાસના આતંકીઓ કરી રહ્યા હતા. હમાસની નેવી સાથે સંકળાયેલા મોહમ્મદ કાશ્તાની એક ઈમારતને પણ ધરાશાયી કરી દેવામાં આવી હતી. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમે 100થી વધુ લોકોને બંધક બનાવી રાખ્યા છે. તેમાં ઈઝરાયલી સેનાના અમુક વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *