ભાણવડના ઇન્દ્રેશ્વર લોકમેળા માટે પાલિકાને રૂ.13 લાખની આવક

ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્રિવેણી સંગમ ખાતે મંદિર ટ્રસ્ટ તરફથી થતો આ લોકમેળો આ વખતે ટ્રસ્ટ દ્વારા યોજવા અંગેની ના કહેવામાં આવતા આ બાબતની જાણ ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાને થઈ હતી. તેમના દ્વારા આ બાબતે તાત્કાલિક આયોજન કરી અને ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મામલતદાર સાથે સંકલન સાધવામાં આવ્યું હતું.

આજરોજ શુક્રવાર તારીખ 15મીના રોજ યોજાનાર લોકમેળા માટે યોગ્ય આયોજન તેમજ આ માટે મંગળવાર તારીખ 12ના રોજ સ્ટોલના પ્લોટોની હરાજી કરવામાં આવી હતી. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજી મારફતે રૂપિયા 13 લાખ જેટલી નોંધપાત્ર રકમની આવક થવા પામી હતી.

અમાસના માત્ર ત્રણ દિવસ પૂર્વે જ આ આયોજન થઈ જતા ટૂંકા સમયગાળામાં જ નગરપાલિકાને રૂ. 13 લાખની આવક થવા પામી હતી. પરંતુ જો અગાઉ આયોજનબદ્ધ રીતે આ અંગેની કામગીરી કરવામાં આવી હોત તો પાલિકાને આશરે 30થી 40 લાખની આવક થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી હતી. એક સમયે આ લોકમેળામાં મંદિર ટ્રસ્ટને હરાજીના રૂપિયા ચારેક લાખની આવક થતી હતી. જ્યારે આ વખતે નગરપાલિકાના આયોજનથી પાલિકાને રૂ. 13 લાખથી વધુ રકમની આવક થઈ છે.

આજરોજ શુક્રવારે યોજાયેલા આ લોકમેળામાં વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકના લોકો ઉમટ્યાં હતા અને ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શનનો પણ લાભ લીધો હતો. એક સમયે આ સ્થળે ટ્રાફિક જામ જેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *