ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર મેગા અભ્યાસનું આયોજન કરશે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રોની માનીએ તો 4 સપ્ટેમ્બરથી આ વાયુસેનાનો યુદ્ધાભ્યાસ શરૂ થશે, જે 11 દિવસ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત- ચીન સરહદે પણ ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. 

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે વાયુસેનાની પશ્ચિમ કમાન અભ્યાસનું આયોજન કરશે જેને ત્રિશૂલ નામ અપાયું છે. વાયુસેના દ્વારા તાજેતરમાં કરાયેલા તમામ અભ્યાસોની તુલનાએ ઓપરેશન ત્રિશૂલ વધારે મોટું હશે. અભ્યાસમાં પશ્ચિમ કમાનના તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે.

આ ઉપરાંત અન્ય કમાનોની સંપત્તિઓ પણ તહેનાત કરાશે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુસેનાની લડાકૂ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા અને ઓપરેશનના માપદંડોનું આકલન કરવાનો છે. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રિશુલમાં ઘણા મોટા ફાઈટર પ્લેનનો સમાવેશ કરવામાં આવશે. તેમાં રાફેલ, Su-30 MKI, જગુઆર, મિરાજ-2000, મિગ-29, મિગ-21 બાઇસન, ફાઈટર હેલિકોપ્ટર, મિડ-એર રિફ્યુઅલિંગ AWACS એરક્રાફ્ટ અને ટ્રાન્સપોર્ટ ફ્લીટ પણ તૈનાત કરાશે. આ કવાયત લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ફ્રન્ટલાઈન બેઝને આવરી લેશે. કવાયતના અંતે એરફોર્સ હેડક્વાર્ટર તેના પરિણામોની સંપૂર્ણ તપાસ કરશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *