જહોનિસબર્ગની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ

દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેર જહોનિસબર્ગની એક બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળતા ૭૩ લોકોનાં મોત થયા છે અને અન્ય ૫૨ લોકો ઘાયલ છે તેમ ઇમરજન્સી સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ઇમારતમાં મોટે ભાગે પ્રવાસીઓ રહેતા હતાં.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર પાંચ માળની ઇમારતમાં ક્યા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોહનિસબર્ગ ઇમરજન્સી સર્વિસીસના પ્રવક્તા રોબર્ટ મુલોડઝીના જણાવ્યા અનુસાર  ડેલવર્સ એન્ડ એલબર્ટ્સ સ્ટ્રીટમાં આવેલી આ ઇમારતમાં આગ લાગી હાવાની જાણ રાતે ૧.૩૦ વાગ્યે કરવામાં આવી હતી.

છેલ્લે મળેલા સમાચાર અનુસાર રાહત અને બચાવ ટીમના અનેક સભ્યો હજુ પણ ઇમારતમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું કાર્ય કરી રહ્યાં હતાં.આ ઘટનાને કારણે આ ઇમારતમાં બચી ગયેલા અને ઘરવિહોણા બની ગયેલા લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લે મળેલા સમાચાર અનુસાર ૭૩ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલ થયેલા અન્ય ૫૨ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જહોનિસબર્ગ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પણ અસરગ્રસ્ત પરિવારના સભ્યોને મદદ કરી રહ્યાં છે.

જોહનિસબર્ગ ઇમરજન્સી સર્વિસીસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઇમારતમાં આફ્રિકન દેશોમાંથી આવેલા ગેરકાયદે પ્રવાસીઓ રહે છે. તેઓ નોકરીની શોધ માટે જહોનિસબર્ગ આવે છે. 

સૂત્રોના જણાવ્યા આ ઇમારતમાં રહેતા લોકો પ્રકાશ માટે મીણબત્તી અને રાંધવા માટે પ્રાયમસનો ઉપયોગ કરે છે જે ઇમારતની સુરક્ષા સામે જોખમી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *