PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધાન મોદી ચંદ્રયાન-3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગને ચંદ્ર પર સફળ બનાવનાર વૈજ્ઞાનિકોને મળવા ઈસરો (ISRO) પહોંચ્યા હતા.

એરપોર્ટ પર સ્વાગત કરાયું 

એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, ત્યારે જે દ્રશ્ય મેં બેંગ્લોરમાં જોયા હતા, તે ગ્રીસ અને જોહાનિસબર્ગમાં પણ જોઈ રહ્યો છું. 

દરેક લોકોમાં ઉત્સાહનો માહોલ 

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના દરેક ખૂણે માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જેઓ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે અને ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત તમામ લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે. જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે જો હું ઈન્ડિયા જઈશ તો પહેલા બેંગ્લુરુ જઈશ. સૌ પ્રથમ તો હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.

પીએમ મોદીએ જય વિજ્ઞાન, જય અનુસંધાનનો સૂત્ર આપ્યો 

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન ‘જય જવાન, જય અનુસંધાન’ ના નારા પણ આપ્યા હતા. ત્યાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું કહીશ જય વિજ્ઞાન અને તમે કહેશો જય અનુસંધાન. પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે આ અહીં પ્રવચનો કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે. 

ISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી 

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમની વૈજ્ઞાનિકો સાથે મુલાકાત થઈ હતી. ત્યાં ISROના ચીફે તેમને ચંદ્રયાન-3 વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. 

‘ચંદ્રયાન-3નું લેન્ડિંગ પોઈન્ટ શિવ શક્તિ તરીકે ઓળખાશે’

વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઈન્ટને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર આપણું ચંદ્રયાન-3 ઉતર્યું હતું. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું હતું, હવે તે બિંદુ શિવ શક્તિ તરીકે ઓળખાશે.

23 ઓગસ્ટને હવે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે 

બીજી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો. હવેથી તે દિવસ ભારતમાં નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશે. વડાપ્રધાને એ પણ ધ્યાન દોર્યું કે નિષ્ણાતો કહે છે કે ભારતનો અવકાશ ઉદ્યોગ થોડા વર્ષોમાં $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *