પ્રોપર્ટી ટેકસ ન ભરનારા સામે કડક કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે.રુપિયા પાંચ કરોડથી વધુની રકમનો બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલવા એક સપ્તાહમાં ચાર ઝોનમાં આવેલી તેર મિલકતની કાચી નોંધ રેવન્યુ રેકર્ડ ઉપર મિલકતમાં દાખલ કરાઈ છે.અત્યાર સુધીમાં કુલ ૨૧ મિલકત કલેકટરના બોજા હેઠળ મુકવામાં આવી છે.

શહેરમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી બાકી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરતા કરદાતાઓ સામે ઝીરો ટોલરન્સની નિતી અમલમાં મુકવામા આવી છે.જીપીએમસી એકટની જોગવાઈ મુજબ, આ પ્રકારે મિલકતવેરો ભરપાઈ નહી કરતા કરદાતાઓની મિલકત સીલ કરી હરાજી સુધીની કાર્યવાહી કરવામા આવે છે.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા મુજબ,ટેકસ નહીં ભરતા કરદાતાઓની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રીયાના ભાગરુપે કરદાતાની મિલકત કલેકટરના  રેકર્ડમાં બાકી પ્રોપર્ટીટેકસની રકમ બોજા તરીકે નોંધાવવામાં આવે છે.જેના કારણે જયાં સુધી પ્રોપર્ટીટેકસની બાકી રકમ વ્યાજ,પેનલ્ટી સહિત ભરપાઈ કરવામાં ના આવે ત્યાં સુધી કલેકટરના રેવન્યુ રેકર્ડમાં જે તે મિલકતમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી.અગાઉ જુદા-જુદા ઝોનમાં આવેલ કુલ આઠ મિલકત રુપિયા ૨,૮૭,૦૯,૦૨૬ની રકમનો બાકી પ્રોપર્ટીટેકસ વસૂલવા કલેકટરના  બોજા હેઠળ મુકવામા આવી છે.બાદમાં દક્ષિણ-પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ,મધ્ય તેમજ દક્ષિણ ઝોનની વધુ તેર મિલકતનો રુપિયા ૨,૫૦,૯૯,૮૬૫ની રકમનો બાકી પ્રોપર્ટીટેકસ વસૂલવા કલેકટરના બોજા હેઠળ મુકવામા આવી છે.આમ છતાં બાકી પ્રોપર્ટીટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતની હરાજી પણ કરવામાં આવશે.