પરિવાર રથયાત્રા જોવા ગયો ઘરમાંથી તોલા સોનાના દાગીના ચોરાયા.

શહેરમાં મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. ભગવાનના દર્શન માટે નગરજનોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ભગવાનના દર્શન કરવા માટે બહાર આવેલો પરિવાર ફરીવાર ઘરે ગયો ત્યારે ઘરમાંથી બે તોલાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતેની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે રીના બેન દરજી અમદાવાદમાં કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિર પાસે રહે છે. તેઓ પતિ અને બાળકો સાથે મંગળવારે સાંજે રથયાત્રા જોવા માટે ઘી કાંટા ગયા હતાં. જતાં પહેલાં તેમણે ઘરમાં બારી બારણાં બરાબર રીતે બંધ કર્યા હતાં. તેઓ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ રથયાત્રા જોઈને આવ્યા બાદ ઘર કામે લાગ્યા હતાં અને રાત્રે સુઈ ગયાં હતાં. સવારે આઠેક વાગ્યાની આસપાસ તેમણે તિજોરી ખોલી તો તેમાંથી સોનાના દાગીના અને એક હજાર રૂપિયા રોકડા ગાયબ થયા હતાં. 

તિજોરીની અંદરનું ખાનુ તૂટેલું હતું. તેમાંથી સોનાની ચેન, કાનશેર, પેન્ડલ, નાની મોટી બુટ્ટી, ચુની, બે જોડી ચાંદીની પાયલ તેમજ એક હજાર રૂપિયા ગાયબ થયેલ હતાં. આ દરમિયાન રીના બેન અને તેમના પતિએ ઘરમાં અન્ય જગ્યાએ પણ શોધતાં તે મળ્યા નહોતા. જેથી તેમને માલુમ પડ્યું કે, કોઈ અજાણ્યો માણસ સાંજથી લઈને સવાર સુધીમાં ઘરમાં આવીને દાગીનાની ચોરી કરી ગયો છે. સોના અને ચાંદીના દાગીનાની કિંમત થઈ 96 હજાર તથા એક હજાર રૂપિયા રોકડાની તેમના ઘરમાંથી ચોરી થવા પામેલ છે. આ બાબતની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.