અમેરિકાની સેનેટે દેશના ફેડરલ જજ તરીકે પહેલી વખત મુસ્લિમ મહિલા જજ નુસરત જહાં ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. 

ચૌધરી મૂળ બાંગ્લાદેશી છે અને તેઓ અમેરિકાના સિવિલ લિબર્ટિઝ યુનિયનના પૂર્વ એટોર્ની પણ રહી ચુકયા છે. અમેરિકામાં ફેડરલ જજની નિમણૂંક આજીવન થતી હોય છે. આમ પહેલી વખત મુસ્લિમ મહિલાની આ પદ માટે પસંદગી થઈ છે. 46 વર્ષીય નૂસરત ચૌધરી ન્યૂયોર્કના પૂર્વ ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટમાં જજ તરીકે કામ કરશે. 

તેમની નિમણૂંક માટે થયેલા વોટિંગમાં ભારે રસાકસી જોવા મળી હતી. તેમની તરફેણમાં 50 અને વિરૂધ્ધમાં 49 મત પડ્યા હતા. જેમણે નુસરતના વિરોધમાં મત આપ્યો હતો તે પૈકીના એક સેનેટ સભ્યનુ માનવુ હુત કે, નુસરત જહાં ચૌધરીના છેલ્લા કેટલાક નિવેદનો પક્ષપાતી રહ્યા છે. જોકે સેનેટ દ્વારા છેવટે નુસરત ચૌધરીના નામને મંજૂરી અપાઈ છે. 

નુસરત ચૌધરી રંગભેદના વિરોધ માટે બનાવાયેલા જસ્ટિસ પ્રોગ્રામના ડેપ્યુટી ડાયરેકટર પણ રહ્યા છે. રંગભેદ સામે લડવામાં તેમનો વિશેષ ટ્રેક રેકોર્ડ છે. આ સિવાય મુસ્લિમો સાથે ભેદભાવ કરતી ગાઈડ લાઈન સામે તેમણે ન્યૂયોર્ક પોલીસ સામે લડત આપી હતી. 

તેમના પિતા 40 વર્ષ સુધી અમેરિકામાં ડોક્ટર તરીકે કામ કરી ચુકયા છે. નુસરતે વિઝ્યુઅલ ઈફેક્ટ પ્રોડ્યુસર માઈકલ અર્લી સાથે લગ્ન કરેલા છે.