ગુજરાત : ગરમી ભૂક્કા કાઢશે: 42 થી 44 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચશે

કાળઝાળ ગરમીની સાથોસાથ તિવ્ર ગતિએ લૂ ફૂંકાવાની ચેતવણી

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતુ હોય છે તે વાતાવરણ હવે પૂરું થયું છે અને ભેજની ટકાવારીમાં ઘટાડો થવાની સાથોસાથ આજથી મહત્તમ તાપમાનનો પારો ઉંચકાશે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી જેટલો વધારો થવાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાનમાં સતત વધારો થવાની સાથોસાથ પવનની ગતિમાં પણ વધારો થશે ગુજરાત સહિત નોર્થ વેસ્ટ ઇન્ડિયાના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ 20 થી 30 કિલોમીટરની રહેશે અને તેના કારણે ગરમીની સાથોસાથ લૂ પણ ફૂંકાશે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી લગોલગ પહોંચી ગયું છે તો રાજકોટ કેશોદ ભુજ કંડલા ગાંધીનગર મહુવા અમદાવાદ ડીસા વડોદરા સહિતના શહેરોમાં પણ મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર કરી ગયું છે આગામી દિવસોમાં વધુ ચાર પાંચ ડિગ્રીનો તેમાં વધારો થશે અને સાથોસાથ લુ પણ ફૂકાશે.

કોંકણ- ગોવામાં હીટ વેવ: કાશ્મીરમાં સ્નોફોલ અને વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ રાબેતા મુજબનું રહેશે અને ક્યાંય હીટ વેવની ચેતવણી નથી. એકમાત્ર ગોવા અને કોકણમાં ગરમીનું મોજું ફરી વળશે એવી ચેતવણી છે. વેસ્ટર્ન હિમાલયન રીજીયનમાં તારીખ 27 ના રોજ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે અને તેના કારણે જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં સ્નોફોલ અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે.