બોટ અપહરણ મામલે કેન્દ્રએ PAK સામે અને પોરબંદર સાંસદોએ કેન્દ્ર સામે લાલ આંખ કરવાની જરુર

પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સી અવાર – નવાર ભારતીય બોટોના અપહરણ કરી જાય છે જેમાં સૌથી વધુ ફીશીંગ બોટો ગુજરાતના પોરબંદરની હોય છે. તેથી અત્યાર સુધીમાં પાક દ્વારા અપપ્ત કરાયેલી અબજો રૂપિયા ની 1130 જેટલી ફીશીંગ બોટોને તથા ત્યાંની જેલોમાં સબડતા 540 જેટલા માછીમારોને મુકત કરાવવા માટે તાત્કાલીક ભારત અને પાક સરકારે ચર્ચા કરીને કાર્યવાહી કરવી જોઇએ.તેવી રજૂઆત રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વડાપ્રધાનને કરી છે.

પોરબંદરના વતની અને કુરીયરના બીઝનેસ સાથે સંકળાયેલા તથા તાજેતરમાં જ રાજયસભાના સાંસદ તરીકે બિનહરીફ પસંદગી પામેલા પોરબંદરના રામભાઇ મોકરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખીત રજુઆત કરીને જણાવ્યું છે કે ભારતના અરબી સમુદ્રના કીનારે વસેલા ગુજરાત રાજયના માછીમારોની પીડા અને પરેશાની વિશે હું તમને માહિતી આપી રહ્યો છું.

વર્ષોથી માછીમાર સમાજ સમુદ્રમાં માછલીઓ પકડીને પોતાનું અને પોતાના પરિવારજનોનું પાલન-પોષણ કરી રહ્યા છે.અને તેના ઉપર અન્ય અનેક ધંધાઓ પણ નિર્ભર રહે છે. પાકીસ્તાનની નૌસેના દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘના કરીને ભારતીય માછીમારોને અપહરણ કરીને બોટો સાથે ઉઠાવી જવામાં આવે છે. માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળોએ પણ જણાવ્યું છે અને અલગ – અલગ રીતે મળેલી માહિતી પ્રમાણે હાલ પાકીસ્તાનના કબ્બામાં ભારતની લગભગ 1130 જેટલી ફીશીંગ બોટો છે. જમાંથી અંદાજ 900 જેટલા ફીશીંગ બોટો માત્ર પોરબંદરની છે. એટલું જ નહીં પરંતુ અંદાજે 540 થી વધુ માછીમારો પણ પાકીસ્તાનની જેલમાં સબડી રહી છે. અને અમાનવીય અને દર્દનાક અત્યાચાર સહન કરી રહી છે . તેમણે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે , એક ફીશીંગ બોટ અંદાજે 50 થી 60 લાખ રૂપિયાની બને છે.અને આટલી વિશાળ સંખ્યામાં બોટો પાકીસ્તાન જપ્ત કરી ગયું હોવાથી અને માછીમારોને જેલમાં પુરી દીધા હોવાથી માછીમારો સમુદ્રમાં માછલા પકડવા જતા પણ ભય અનુભવે છે.

જેમની બોટ જપ્ત થઇ છે કે જેમના પરિવારના સભ્યો પાકીસ્તાનની જેલમાં છે.તેમના માટે આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેમની પીડા અને દર્દને રજુ કરવું મુશ્કેલ છે . એક ફીશીંગ બોટનું અપહરણ થાય તો પાંચ થી છ માછીમાર પરિવારો સંકટમાં મુકાઇ જતા હોય છે. રામભાઇ મોકરીયાએ છેલ્લા એક મહીનાની અંદર પાક. મરીન સીકયુરીટી એજન્સીએ ગુજરાતની 30 જેટલી ફીશીંગ બોટ અને દોઢસો જેટલા માછીમારોના અપહરણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ખાસ અનુરોધ કરીને રામભાઈ મોકરીયાએ જણાવ્યું છે કે, પાક સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને ભારતીય ફીશીંગ બોટો અને ત્યાં બંદીવાન બનાવાયેલા માછીમાર ભાઇઓને તાત્કાલીક મુકત કરાવીને ભારત પરત મોકલી દેવામાં આવે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.