ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં જે હિંસા ભડકી તેની આલોચના દેશભરમાં થઈ રહી છે. ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ મામલે દિલ્હી પોલીસે તપાસ તેજ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 13થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે પંજાબી એક્ટર અને સિંગર દીપ સિદ્ધુનું નામ પણ સામે આવી રહ્યું છે. ખેડૂત નેતા આરોપ લગાવી રહ્યા છે કે દીપ સિદ્ધૂએ જ પ્રદર્શનકારીઓને હિંસા કરવા માટે ભડકાવ્યા હતા. ભારતીય કિસાન યૂનિયન હરિયાણાના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીએ દીપ સિદ્ધૂ પર પ્રદર્શનકારીઓને ઉકસાવવા અને તેમને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યાનુસાર દીપ સિદ્ધૂ પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા સુધી લઈ ગયો હતો. ખેડૂતો ત્યાં જવાના પક્ષમાં હતા જ નહીં.
સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવે પણ દીપ સિદ્ધૂ પર આરોપ લગાવ્યા છે. તેણે ઉમેર્યું હતું કે દીપ ઘણા દિવસોથી આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ભાજપ સાથે જોડાયેલો છે અને તે ભાજપના સાંસદ સની દેઓલનો ચુંટણીમાં એજન્ટ પણ રહી ચુક્યો છે. દિલ્હી પોલીસને આ અંગે જણાવવામાં આવ્યું પણ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહીં.