ફિલ્મ ઇન્ડસ્ટ્રી સમાજનો જ એક હિસ્સો છે. સામાન્ય માનવી જેમ સમાજમાં રહીને એકબીજાના પ્રસંગ સાચવી લે છે એમ બોલિવુડના લોકો પણ પ્રસંગે એકબીજાની પડખે ઊભા રહે છે. ખાસ કરીને કોઈ જાણીતા ફિલ્મમેકરના પુત્ર કે પુત્રીનું ફિલ્મમાં એક્ટર તરીકે લોન્ચિંગ હોય ત્યારે આવો ભાઇચારો ખાસ જોવા મળે છે. હમણાં પ્રોડયુસર-ડિરેક્ટર ઈન્દ્ર કુમારના દીકરા અમન કુમારની પહેલી ફિલ્મ ‘તેરા યાર હું મૈં’ની મૂહુર્ત સેરેમનીમાં ઇન્ડસ્ટ્રીના મોટાં નામોની સારી એવી હાજરી હતી. એમાં સૌથી વિશેષ ઉપસ્થિતિ બે મોટા સ્ટાર્સ – આમિર ખાન અને અજય દેવગનની બની રહી.
અત્રે નોંધવું ઘટે કે આમિર અને અજય ૧૯૯૭માં રિલીઝ થયેલી ઇન્દ્ર કુમારની ફિલ્મ ‘ઈશ્ક’માં પહેલી વાર સાથે આવ્યા હતા. આ રોમાન્ટિક મસાલા કૉમેડી ફિલ્મમાં જુહી ચાવલા, કાજોલ, દલીપ તાહિલ અને સદાશિવ અમરાપુરકર પણ મહત્ત્વના રોલમાં હતા. ‘દિલ તો પાગલ હૈ’ અને ‘બોર્ડર’ બાદ ઈશ્ક એ વરસે ત્રીજી સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ બની રહી હતી.
એ તો ભૂતકાળની વાત થઈ, પરંતુ વર્તમાનમાં પાછા ફરીએ તો અજય દેવગને અમનની ડેબ્યુ ફિલ્મના મૂહુર્ત વખતે સ્ટેજ પર આમિરની હાજરીમાં જે વાત કરી એણે બધાને વિચારતા કરી દીધા. અજયે પોતાની શોર્ટ સ્પીચમાં કહ્યું, ‘હું હમણાં જ આમિરને કહેતો હતો કે આપણે ‘ઇશ્ક’ના સેટ પર કેવી ધમાલમસ્તી કરતા. આપણે ફરી એક ફિલ્મમાં ભેગા થઈ આવી ધમાલ કરવી જોઈે. હા, બીજી મૂવી કરવી જ જોઈએ.’ એક્ટરના આ નિવેદનને એક સંકેત સમજી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે આમિર અને અજય ‘ઈશ્ક’ની સિક્વલ ‘ઈશ્ક-ટુ’માં ફરી ભેગા થઈ શકે છે. જો કે દર્શકોને પડદા પર બે વર્સેટાઈલ એક્ટર્સનું રિ-યુનિયન જોવા મળશે કે નહિ એ તો સમય જ કહેશે.
‘તેરા યાર હું મૈં’માં અમન કુમાર અને આકાંક્ષા શર્માની જોડી જોવા મળવાની છે. ફિલ્મમાં પરેશ રાવલ પણ અગત્યના રોલમાં છે. ડિરેક્શનની જવાબદારી મિલાપ ઝવેરીને સોંપાઈ છે. છેલ્લે ‘સત્યમેવ જયતે-૨’ ડિરેક્ટ કરનાર ઝવેરીએ દિવાળીમાં રિલિઝ થયેલી મલ્ટિસ્ટારર ‘સિંઘમ અગેન’માં એડિશનલ ડાયલોગ્સ લખ્યા છે.
સૌ જાણે છે કે ‘બેટા’ જેવી સુપર હિટ ફિલ્મ આપનાર ઇન્દ્ર કુમાર પીઢ અભિનેત્રી અરુણા ઈરાનીના નાના ભાઈ છે. તેઓ પણ અમનની ફિલ્મના મૂહુર્તમાં હાજર રહ્યા હતા. એક સફળ અને નામી ફિલ્મમેકર હોવા છતાં ઇન્દ્ર કુમારમાં અરુણાબેને સીંચેલો વિનમ્રતાનો ગુણ આજેય યથાવત છે. એની સાક્ષી પુરતા ઇન્દ્રભાઈએ સ્ટેજપરથી આમંત્રિતોને સંબોધતા કહ્યું, ‘જબ મૈં ઇન્ડસ્ટ્રી મેં આયા થા મૈં સોચતા થા કિ રાજ કપૂર કે પૈર કા નાખૂન ભી બન ગયા તો બહોત હોગા. તો અગર યે (અમન) આમિર ઔર અજય કે પૈર કા નાખૂન બન શકે તો વો ભી બહોત હૈ.’
જ્યારે અમને પોતાના લોન્ચિંગમાં હાજરી આપવા બદલ બંને સુપરસ્ટાર્સનો આભાર માનતા કહ્યું, ‘તમે મારા ફેમિલીને જે પ્રેમ અને આશીર્વાદ આપતા રહ્યા છો એમાં મને પણ સહભાગી કરજો એવી મારી વિનંતી છે.’
મૂહુર્તમાં પરેશ રાવલ ઉપરાંત જાવેદ જાફરી, જોહની લિવર, આફતાબ શિવદાસાની અને બોની કપૂર હાજર હતા. જ્યારે અનિલ કપૂર, રણવીર સિંહ અને બોબી દેઉલે વીડિયો મારફત પોતાની શુભેચ્છા પાઠવી. પોતાના સેન્સ ઑફ હ્યુમર માટે જાણીતા રિતેશ દેશમુખે એમ કહીને બધાને ખડખડાટ હસાવ્યા કે ‘ઈન્દ્રની ફિલ્મ ‘મસ્તી’નું પહેલા ખુજલી એવું નામ રખાયું હતું, પરંતુ એ વખતે પાંચ વરસના અમને ભેંકડો તાણીને ટાઇટલ વિચિત્ર ટાઇટલ બદલાવી નાખ્યું. બાકી જો ઓરિજિનલ નામ જાળવી રખાયું હોત તો લોકો એમ કહેતા સંભળાત કે ઇન્દ્ર કુમાર કી ખુજલી રિલિઝ હુઈ હૈ. ‘