નવરાત્રીના આગમન સાથે ત્રણ મહિનાથી સતત મંદ પડેલા ઓટો સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ વેચાણ સારૂં ન રહેતા ઓટોમેકર્સ અને ડીલરો ચિંતિત હતા પરંતુ નવરાત્રી દરમિયાન વાહનોનું નોંધપાત્ર વેચાણ દિવાળી માટે ઉત્સાહ જગાવી રહ્યો છે. શ્રાદ્ધ સમાપ્ત થવાની અને નવરાત્રી શરૂ થવાની સાથે કારની ડીલિવરીઓ પણ વધી રહી છે અને સિઝનલ ડિમાન્ડ પણ વધી છે.અહેવાલ અનુસાર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કારના શોરૂમમાં ગ્રાહકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. માત્ર ઈન્કવાયરી જ નહિ પરંતુ વાસ્તવિક વેચાણમાં પણ લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. મધ્ય ભારત, રાજસ્થાન, દિલ્હી જેવા વિસ્તારોમાં કારના વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વેચાણમાં વૃદ્ધિ હજુ મંદ છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અનિયમિત વરસાદના કારણે સમસ્યા સર્જાઈ હતી અને કેટલીક જગ્યાએ પાક વેચવાનો બાકી હતો તેથી સ્થિતિ આગામી સમયમાં સુધરી શકે છે.
અંદાજે રૂ. ૮૦,૦૦૦ કરોડની ઇન્વેન્ટરી એટલે કે લગભગ ૮૦ દિવસનો સ્ટોક ધરાવતા ઓટો સેક્ટરને હવે ઝડપથી ગાડી પાટે ચઢવાની આસ છે. કાર કંપનીઓના વાર્ષિક વેચાણમાં તહેવારોની સિઝનનો હિસ્સો ૩૦-૪૦ ટકા જેટલો હોય છે તેથી જ આ વર્ષે ઉદ્યોગ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ દ્વારા ઇન્વેન્ટરી બેકલોગને ઘટાડવા કરવા માંગે છે.ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતા અનુસાર નવરાત્રી નવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોએ સપ્ટેમ્બર મહિનાથી જ વાહનોનું બુકિંગ શરૂ કરી દે છે. સાથે જ નવરાત્રી જ નહીં, આ વખતે ધનતેરસ, દિવાળી સહિત સમગ્ર તહેવારોની સિઝનમાં સારો ધંધો થાય તેવી અપેક્ષા છે. મળતી લક્ઝરી વાહનો માટે પણ મોટી સંખ્યામાં બુકિંગ થઈ રહ્યાં છે. સ્ટાર્ટિંગ અને મિડ સેગમેન્ટની કાર પર ઓફર થઈ રહેલા ડિસ્કાઉન્ટને કારણે ગ્રાહકો આ તક ઝડપી લેવા માંગે છે.