અમદાવાદના વેપારી સાથે જમીનના નામે 2.63 કરોડની છેતરપિંડી

600 વીઘા જમીનના ખોટા એમઓયુ કરાવી લીધા. 3.75 કરોડમાંથી 1.12 કરોડ આરોપીઓએ પરત કર્યા બાકીના 2.63 કરોડ મામલે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી.

અમદાવાદના એક વેપારી સાથે સુરત અને અમદાવાદના જ ૧૦ જેટલા ઈસમોએ સુનિયોજીત રીતે કાવતરૂ રચી અને વિશ્વાસઘાત કરી ૩.૭૫ કરોડની છેતરપીંડી કરી હતી. વેપારી પાસે આશરે ૬૦૦ વીધા જમીનના એમ.ઓ.યુ. કરાવી અને તેને એન.એ. કરવા સ્વામીનારાયણ મંદિર પૈસા આપશે, તેમ કહી વિશ્વાસમાં લઈ અને એમ.ઓ.યુ. પેટે લીધેલા નાણાંની કરોડોની રકમ ઠગ ટોળકી ચાઉં કરી ગઈ હતી. જો કે, આ દરમિયાન ૧૦ પૈકી એક સ્વામી સહિત જમીનના એમ.ઓ.યુ. કરનાર સહિતના ૩ ઈસમોએ પોતાના ભાગમા આવેલા ૧.૧૨ કરોડ પરત આપી દીધા છે. જેથી હવે વેપારીને ઠગ ટોળકીના સુરતના બે અને અમદાવાદના મળીને કુલ ૭ ઈસમો પાસેથી ૨.૬૩ કરોડ પરત લેવા માટે નડિયાદ ટાઉન મથકે ફરીયાદ નોંધાવી છે.

અમદાવાદના નારણપુરામાં રહેતા રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈ પટેલ પોતે મેડીકલનો બિઝનેશ તેમજ રીટેઈલનું કામકાજ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ જમીન લે-વેચનો ધંધો પણ કરે છે. તેમણે નડિયાદ ટાઉન મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, ત્રણેક વર્ષ પહેલા તેમના જ વિસ્તાર નારણપુરામાં રહેતા જમીન દલાલ મહેન્દ્ર ઝંખવાડીયાએ ફોન કરી જણાવ્યુ હતુ કે, સાવલી અને કઠલાલની ખૂબ મોટી જમીનના ખેડૂતો અને જમીન લેવાવાળી સંસ્થાએ એમ.ઓ.યુ કર્યા છે.

 જ્યાં રામપ્રસાદે જણાવ્યુ હતુ કે, ખેડૂતો અને જમીન લેનાર સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ. થયા હોય, મારી શું જરૂર છે, તેમ જણાવ્યુ હતુ. જેથી મહેન્દ્રએ જણાવ્યુ હતુ કે, તમારે જમીન એન.એ. કરી અને સ્વામીનારાયણ સંસ્થાને આપવાની છે, સ્વામીનારાયણ સંસ્થા એન.એ.નો ખર્ચ ઉપાડશે.

 જેથી રામપ્રસાદે સહમતી આપતા બીજા દિવસે નડિયાદ સરદાર ભવન મળવાની ચર્ચા થઈ અને આ બાદ મહેન્દ્ર પોતાના મિત્ર મનસુરખાન પઠાણ અને જેકી રામી સાથે સરદાર ભવન મળ્યા હતા અને તે બાદ તમામ ચર્ચાઓ કરી અને લાલજીભાઈ બાઉભાઇ ઢોલા( રહે. સરથાણા ૫૦૫, રવિ બિલ્ડિંગ રાજહંસ સ્વપ્ન ,સુરત શહેર), નીતીનભાઇ લાલજીભાઇ ઇટાલીયા( રહે. ૧૨ મારૂતિનંદન રો હાઉસ, સુરત શહેર), મનેસુરખાન અમનઉલ્લાખાન પઠાણ( રહે.મીરકુવા, ધોળકા, અમદાવાદ), મહેન્દ્રભાઇ ગોપાલભાઇ ઝંખવાડીયા ( રહે. ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ નવા વાડજ, અમદાવાદ), જેકી રામી જેઓ ભેગા થઈ રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈની અમદાવાદ ખાતેની ઓફિસે આવ્યા હતા. જ્યાં જેકી રામીએ ૫૫૦થી૬૦૦ વીઘા જમીન વેચાણ આપવા બાબતેનુ એમ.ઓ.યુ. ૨૦ મે, ૨૦૨૨ના રોજ કરેલ હતું. જેમાં સાક્ષી તરીકે ઢોલાલજીભાઇ સહી કરી હતી અને આ એમ.ઓ.યુ. કરવા બદલ રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈની રૂપિયા ૩ કરોડ રોકડા જેકી રામીને અપાવ્યા હતા. 

બીજા દિવસે લાલજીભાઈ ઢોલા તથા નીતીન ઇટાલીયાએ રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈને ટેલીફોનીક સંપર્ક કરી જણાવેલ કે, સ્વામીનારાયણ કોઠારી જયેન્દ્રપ્રકાશ સ્વામી તથા તેમના પૈસાનો વહીવટ કરનાર સુરેશભાઈ ગૌરી નાઓએ તમને ટોકનના પૈસા લેવા માટે જુનાગઢ માંગરોળ સ્વામીનારાયણ મંદીર ખાતે બોલાવેલ છે જેથી તેઓ ત્યાં ગયા હતા. આ વખતે સુરેશભાઇ ગોરી તથા જયેન્દ્રપ્રકાશ સ્વામી (જે.પી.સ્વામી) તથા લાલજીભાઈ ઢોલા તથા નીતીનભાઈ ઇટાલીયાનાઓ મળેલા અને આ જે.પી.સ્વામીએ ટોકન પેટે રૂપીયા એક કરોડ પચ્ચીસ લાખ આપ્યા હતા. જો કે, આ બાદ રામપ્રસાદને વધારે ચૂનો ચોપડવા માટે બીજા દિવસે જેકી રામીએ ફોન કરી અને એમ.ઓ.યુ.ના સોદા પેટે બીજા બે કરોડ રૂપિયા આપવા માટે જણાવ્યુ હતુ. જેથી રામપ્રસાદે પોતાની ઓફીસ આવી અને પૈસા લઈ જવાનું જણાવ્યુ હતુ. જે બાદ જેકી રામી તથા તેની સાથે બે ઇસમો સુરેશભાઈ ભરવાડ (રહે. ચાંદલોડીયા, અમદાવાદ શહેર) તથા મફાભાઈ ભરવાડ (રહે.ગોતા વાળા, અમદાવાદ) સાથે આ નાણાં લેવા આવ્યા હતા. અને રામપ્રસાદે આ બંનેની હાજરીમાં માંગેલી રકમ આપી હતી.

ત્યારબાદ રામપ્રસાદ સ્વામીનારાયણ સંસ્થાના કોઠારી જયેન્દ્રપ્રકાશ સ્વામી તથા તેમના પૈસાનો વહીવટ કરનાર સુરેશભાઇ ગોરી તેમજ અન્ય લાલજીભાઈ ઢોલા, નીતીનભાઈ ઇટાલીયા, મનસુરખાન પઠાણ, મહેન્દ્રભાઇ ઝંખવાડીયા નાઓનો અવાર નવાર સંપર્ક કરતા તેઓ જમીન વેચાણ લેવા બાબતે કોઈ હકારાત્મક જવાબ આપતા નહિ અને આ રીતે આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયેલો જેથી શંકા જતા રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈએ ખાનગી રાહે તપાસ કરાવતા જાણવા મળેલ કે, તેમની સાથે સ્વામીનારાયણ સંસ્થાના જે.પી. સ્વામી તથા ઉપરોક્ત તમામ ઇસમો ભેગા મળી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીડી આચરેલ છે. જેથી સુરેશભાઈ ગોરી, લાલજીભાઇ ઢોલા સાથે વારંવાર ફોન કરતા તેઓએ આ હકીકત છેતરપિંડીના આશયથી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે આ બાદ તમારા રૂપિયા મળી જશે તેવી વાત કરી હતી. વધુમાં આ બંને લોકોએ કબુલાત કરતા કહ્યું કે, તમારા રૂપિયા ૩.૭૫ કરોડમાંથી જે.પી. સ્વામીએ રૂપિયા ૧૪ લાખ, લાલજીભાઈ ઢોલા તથા નીતીનભાઈ ઇટાલીયા બંને મળી રૂપિયા ૬૬ લાખ અને સુરેશભાઈ ગૌરી રૂપિયા ૧ કરોડ ૧૦ લાખ, મનસુરખાન પઠાણ રૂપિયા ૯૭ લાખ, મહેન્દ્રભાઈ ઝંખવાડીયા રુપિયા ૩ લાખ, સુરેશભાઇ ભરવાડ રૂપિયા ૨૦ લાખ, મફાભાઇ ભરવાડ રૂપિયા ૨૦ લાખ અને પોતે રૂપિયા ૪૫ લાખ લીધેલા છે. તમામ સાથે વાતચીત કરી તમને તમારા રૂપીયા પરત આપી દઇશું તેવી હકીકત જણાવી હતી.

 પરંતુ એક વર્ષનો સમય વિતવા છતાં રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈને પોતાના નાણાં ન મળ્યા હતા. આ પૈકી ત્રણ લોકો જેમાં લાલજીભાઈ ઢોલો, જયેન્દ્ર પ્રકાશ સ્વામી (જે. પી. સ્વામી) અને જેકી રામીએ લીધેલા રૂપિયા પરત આપ્યા હતા. આમ અપેલા રૂપિયામાંથી ૧.૧૨ કરોડ પરત આવ્યા તો બાકી પડતા રૂપિયા ૨.૬૩ કરોડ આજદિન સુધી નહીં મળતા આ મામલે રામપ્રસાદ ઉર્ફે ભુપેન્દ્રભાઈએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં રૂપિયા બાકી પડતા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ૭ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *