ભગવાન શ્રીકૃષ્ણએ ગાયેલું ગીત શ્રીમદ્ ભગવદ ગીતા

જ્ઞાન, કર્મ અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ એટલે ભગવદ ગીતા. ગીતાજીનો પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ છે. ગીતાજીનો બીજો અધ્યાય એ સાંખ્ય યોગ છે. ગીતાજીનો ત્રીજો અધ્યાય એ કર્મ યોગ છે.  ગીતાજીનો ચોથો અધ્યાય એ જ્ઞાન કર્મ સન્યાસ યોગ છે.

શ્રી મદ્ ભગવદ ગીતા એ શ્રીકૃષ્ણ ભગવાને ગાયેલું ગીત છે. આ ગીત સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળું છે. ગગનને ગગનની જ ઉપમા આપી શકાય. બીજી કોઈ ઉપમા આપી ન શકાય. એમ ગીતાને ગીતાની જ ઉપમા આપી શકાય. બીજી કોઈ ઉપમા આપી ન શકાય કારણ કે ગીતાને કહેવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ છે. શ્રીમદ્ ભગવદ ગીતા એ સમગ્ર વિશ્વનો ગ્રંથ છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર વિશ્વના છે માટે તેમને વિશ્વંભર કે વાસુદેવના નામથી આપણે સંબોધન કરીએ છીએ.

શ્રીમદ્ ભગવદ ગીતા સર્વકાલીન છે અને સનાતન છે. કોઈપણ એવો પ્રશ્ન નહિ હોય કે જેનો ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો ન હોય..! અર્જુનને માધ્યમ બનાવી જીવ માત્ર માટે ઉપનિષદ રૂપી ગાયમાંથી જે દોહન કર્યું એ જ ગીતા. શ્રીકૃષ્ણ ભગવાનની વિશેષતા એ છે કે, જ્ઞાનોપદેશ કર્યા પછી પણ અર્જુનજીને કહે છે કે, ‘આમા મારું કશું જ નથી. જે ઋષિ-મુનિઓએ કહ્યું છે, જે વેદોમાં છે એ જ હું કહું છું.’ આટલી ભગવાન શ્રીકૃષ્ણની સરળતા છે. માટે જ ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ કહેવામાં આવે છે.

આ ઉપરથી એક વસ્તુ સમજાય કે વક્તા સરળ હોવો જોઈએ, વક્તા સહજ હોવો જોઈએ, વક્તા ધીર-ગંભીર હોવો જોઈએ અને વક્તા નિસ્પૃહી હોવો જોઈએ ત્યારે જ એના જ્ઞાનની અસર શ્રોતા ઉપર પડે. ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવે છે કે, કેટલાંક વ્યાક્તિઓ એવું કહે કે હું પ્રવચન કરીશને તેમાં તમને સમજ નહિં પડે. પણ તમે આખી શ્રીમદ્ ભગવદ ગીતા જુવો તો તેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કોઈ જગ્યાએ આવો શબ્દ નથી વાપર્યો અર્જુનજી માટે. વક્તાએ શ્રોતાની કક્ષા પ્રમાણે જ્ઞાન આપવું જોઈએ.

શ્રીમદ્ ભગવદ ગીતમાં કર્મ પણ છે, ભક્તિ પણ છે અને જ્ઞાન પણ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ વિનાનું જીવન અધુરું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ આપણા શ્વાસે -શ્વાસે ગુંથાયેલાં છે. આપણે કોઈ અતિથિને બોલાવીએ અને તેને બોલાવીને ભોજન કરાવીએ. એ ભોજનમાં ભાવ છે તે ભક્તિ છે. પછી ભોજન બનાવવું પડે એ કર્મ છે. પણ એ બનાવવા માટેની જે રીત આવડતી હોય તે જ્ઞાન છે. નહિતર ભોજન પણ બનાવીએ પણ કેવું બનાવવું એ જ્ઞાન ન હોય તો ભાવ અને કર્મનું સાતત્ય સધાય નહિં. બસ એવીજ રીતે શ્રીમદ્ ભગવદ ગીતામાં છે.

જ્ઞાન, કર્મ અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ એટલે ભગવદ ગીતા. ગીતાજીનો પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ છે. ગીતાજીનો બીજો અધ્યાય એ સાંખ્ય યોગ છે. ગીતાજીનો ત્રીજો અધ્યાય એ કર્મ યોગ છે.  ગીતાજીનો ચોથો અધ્યાય એ જ્ઞાન કર્મ સન્યાસ યોગ છે. ગીતાજીનો પાંચમો અધ્યાય એ કર્મ સન્યાસ યોગ છે. ગીતાજીનો છઠ્ઠો અધ્યાય એ આત્મ સંયમ યોગ છે. ગીતાજીનો સાતમો અધ્યાય એ જ્ઞાન-વિજ્ઞાન યોગ છે. ગીતાજીનો આઠમો અધ્યાય એ અક્ષર બ્રહ્મ યોગ છે. ગીતાજીનો નવમો અધ્યાય એ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. ગીતાજીનો દશમો અધ્યાય એ વિભૂતિ યોગ છે. ગીતાજીનો અગિયારમો અધ્યાય એ વિશ્વરૂપ દર્શન યોગ છે. ગીતાજીનો બારમો અધ્યાય એ ભક્તિ યોગ છે. ગીતાજીનો તેરમો અધ્યાય એ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞા યોગ છે. ગીતાજીનો ચૌદમો અધ્યાય એ ગુણત્રય વિભાગ યોગ છે. ગીતાજીનો પંદરમો અધ્યાય એ પુરુષોત્તમ યોગ છે. ગીતાજીનો સોળમો અધ્યાય એ દૈવાસુર સંપદ વિભાગ યોગ છે. ગીતાજીનો સત્તરમો અધ્યાય એ શ્રદ્ધાત્રેય યોગ છે. ગીતાજીનો અઢારમો અધ્યાય એ મોક્ષ સન્યાસ યોગ છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણની વાણી એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળી છે. 

મેનેજમેન્ટથી મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ્ ભગવદ ગીતા. ગીતાજીની એ વિશેષતા છે કે જે ગૃહસ્થી તેને સાચો ગૃહસ્થી બનાવે. જે સન્યાસી હોય તેને સાચો સન્યાસી બનાવે. આદિ જગતગુરૂ શંકરાચાર્યજીએ પણ દરેક મનુષ્યોને ગીતાજીનું અધ્યયન કરવાનું કહ્યું છે. તો આવો આપણે પણ ગીતાજીના ઉપદેશોને ગ્રહણ કરી ભગવાન શ્રીકૃષ્ણની વાણી જન-જન સુધી પહોંચાડીએ એ જ અભ્યર્થના… સાથે અસ્તુ.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *