વિવિધ કારણોસર શરીરમાંથી ટચાંકા ફૂટવાના અવાજ આવે છે. વય વધવા સાથે આ સમસ્યા સામાન્ય બને છે.
ઘણીવાર બેસતાં ઉઠતાં સાંધામાં ટચાકાં ફૂટવાના અવાજ આવે છે. ઘણીવાર ચાલતી વખતે પણ સાંધાઓમાંથી અવાજ આવે છે. સામાન્ય રીતે લોકો આ ટચાકાં ફૂટવાની બાબતને ગંભીરતાથી લેતાં નથી. શરીરના વિવિધ અંગોમાંથી ટચાકાં ફૂટવાની બાબતને સામાન્ય ગણી તેના વિશે કોઇ દાક્તરી સલાહ લેવા જતાં નથી. અંગ્રેજીમાં આ ટચાકાં ફૂટવાની બાબતને ક્રેકિંગ અથવા પોપિંગ કહે છે. દાકતરી ભાષામાં સાંધાઓમાંથી આવતાં ટચાકાં ફૂટવાની બાબતને ક્રેપિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સાંધાઓમાં ટચાકાં ફૂટવાના કારણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે.
એર બબલ્સ : ઘણીવાર સાંધાઓમાં વાયુના પ્રકોપને કારણે એર બબલ્સ જમા થાય છે. આ એર બબલ્સ જ્યારે ફૂટે ત્યારે ટચાકાં ફૂટવાનો અવાજ આવે છે. જો તમને હરવા ફરવામાં કોઇ સમસ્યા ન હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી. હાડકાંમાંથી કટ કટ અવાજ આવે તેનો અર્થ એ છે કે તમારાં સાંધાઓમાં એર બબલ્સ એકત્ર થયા છે. જેને કારણે ઉઠતાં બેસતાં ટકટક અવાજ આવે છે.
ઉંમર વધવાની અસર : જેમ જેમ શરીરની વય વધે તેમ તેમ સાંધાઓમાંથી આ પ્રકારના ટચાકાં ફૂટવાનો અવાજ વધારે આવતો જાય છે. ઉંમર વધવા સાથે સાંધાના કાર્ટિલેજને ઘસારો પહોંચે છે જેને કારણે ટચાકાં વધારે ફૂટે છે.
સ્નાયુઓ ખેંચાઇ જવાથી : એક અભ્યાસ અનુસાર જ્યારે સ્નાયુ ખેંચાઇ જાય ત્યારે પણ ટચાકાં ફૂટતાં હોય છે. આ સંકેત છે કે તમારા સ્નાયુ પર કોઇ પ્રકારનો સ્ટ્રેસ છે. આને કારણે તમારા સાંધામાં દુખાવો અને સોજા પણ આવી શકે છે. લાંબો સમય સુધી ટચાકાં ફૂટતાં રહે તો ડોક્ટરને બતાવવું જોઇએ.
સામાન્ય રીતે શરીરમાં ટચાકાં ફૂટે તે ચિંતાની બાબત નથી, પણ ઘણીવાર તે ગંભીર સમસ્યાના સંકેત પણ આપતાં હોય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસની સમસ્યા હોય તો તેને કારણે પણ ટચાકાં ફૂટતાં હોય તેવું બને. સાંધામાં સોજા આવે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. આ સમસ્યા મોટે ભાગે તો ઉંમર વધવા સાથે પેદાં થાય છે. મોટેભાગે ટચાકાં ફૂટવાનું કારણ શારીરિક વ્યાયામનો અભાવ હોય છે. ઉંમર વધવા સાથે સક્રિય રહેવું જરૂરી છે. નિયમિત વ્યાયામ કરવાથી લાભ થાય છે. જો તમને એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાની ટેવ હોય તો તમારું શરીર જકડાઇ શકે છે. જેના કારણે સાંધામાં ટચાકાં ફૂટે છે. જો તમે ઓફિસમાં આખો દિવસ ખુરશીમાં બેસી કામ કરતાં હો તો શરીરને સક્રિય રાખવા માટે દર અડધા કલાકે ખુરશીમાંથી ઉભાં થઇ થોડું ટહેલવાની ટેવ પાડો. હાથપગ લાંબા કરી સ્ટ્રેચિંગ કરવાથી પણ લાભ થાય છે. ઘણાં લોકોને તંગદિલી યાને સ્ટ્રેસ વધી જાય ત્યારે હાથના ટચાકાં ફોડવાની આદત હોય છે. આ સ્થિતિમાં તમારે તનાવ ઓછો કરવાના પગલાં ભરવા જોઇએ. તેના માટે ધ્યાન કે ડીપ બ્રિધિંગની કસરત કરી શકો છો. સાંધાની કસરતો નિયમિત કરવાથી પણ ટચાકાં ફૂટતા બંધ થાય છે.
સાંધાના કાર્ટિલેજની સમસ્યા હોય તો શરીરને પૂરતાં પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ મળી રહે તેવો સંતુલિત આહાર લેવો જોઇએ. કાર્ટિલેજ કોલેજનના બનેલાં હોય છે. તેમાં પ્રોટીનની આપૂર્તિ કરવા માટે તમારા શરીરને વિટામીન સીની જરૂર પડે છે. વિટામીન સી મેળવવા માટે આહારમાં બ્રોકોલી, પાલક, સંતરા અને લીંબુનો સમાવેશ કરો. ઉંમર વધવા સાથે સાંધામાં ઉંજણની કમી થતાં પણ ટચાકાં ફૂટે છે. ઉંજણ ઓછું થવાનું કારણ કેલ્શિયમની ખામી હોય તો રોજિંદા આહારમાં દૂધ લેવાનું નિયમિત રાખો. પૂરતાં પ્રમાણમાં શરીરને કેલ્શિયમ મળે તો આ સમસ્યા થતી નથી. બીજો ઘરેલૂ ઉપાય મેથીના સેવનનો છે. અડધી ચમચી મેથીના દાણાં રાત્રે પલાળી સવારે તેને ચાવીને ખાઇ જવાથી વાયુનો પ્રકોપ નાશ પામે છે અને ટચાકાં ફૂટતાં બંધ થઇ જાય છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પણ શરીરને જરૂરી પ્રોટીન અને વિવિધ વિટામિન્સ મળી રહે છે. મૂળમાં ઉંમર વધવા સાથે આહાર વિહારમાં ફેરફાર થવાને કારણે ટચાકાં ફૂટવાનું પ્રમાણ વધે છે. યોગ્ય આહાર વિહાર અને આરામ કરવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે.