ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
ઈ. સ. ૧૮૭૯માં થોમસ આલ્વા એડિસને ઈલેક્ટ્રીક બલ્બને નવું સ્વરૂપ આપ્યું. ત્યારથી અમેરિકામાં ઇલેક્ટ્રિસિટી ઘરે ઘરે પહોંચવા લાગી હતી. માનવ સભ્યતાના ઇતિહાસમાં, ઈલેક્ટ્રીક પાવર અને સપ્લાય ગ્રીડ દ્વારા એક નવું પરિમાણ ઉમેરાયું. જેના કારણે ભવિષ્યમાં મનુષ્યની જિંદગી બદલાઈ જવાની હતી. ઇલેક્ટ્રિસિટીના ઉપયોગથી સમાજમાં કેવા બદલાવ આવશે? તેની કલ્પના કરતી એક વિજ્ઞાાન કથા : ‘ઈલેક્ટ્રીક લાઇફ’ ૧૮૮૬માં પ્રકાશિત થઈ હતી. જેના ફ્રેન્ચ લેખક આલ્બર્ટ રોબિડા, ચિત્રકાર પણ હતા. ઇલેક્ટ્રીક લાઇફમાં રોબિડા ભવિષ્યનું વિઝન રજૂ કરે છે, જેમાં વીજળીએ સમાજને ગહન રીતે બદલી નાખ્યો છે. વિશ્વમાં વિદ્યુતીકરણ પછી કેવા બદલાવ આવે છે? વિજ્ઞાાન કથામાં વિદ્યુતનો ઉપયોગ પરિવહન, સંદેશાવ્યવહાર અને મનોરંજનનો સમાવેશ થાય છે, તે બતાવ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં વિદ્યુતનો ઉપયોગ, પ્રચલિત બન્યો ન હતો ત્યારે, ‘ઇલેક્ટ્રીક લાઇફ’ વિજ્ઞાાન કથા લખાઈ હતી. નવલકથામાં ટેક્નોલોજી અને સમાજ પર તેની અસરનું નિરૂપણ, તે સમયના સ્વપ્નદ્રષ્ટા રોબિડાનું હતું. તમને થશે કે અહીં ૧૪૫ વર્ષ જૂના ઇતિહાસને વાગોળવાની શું જરૂર છે? જરૂર છે! ૧૩૮ વર્ષ પહેલા,આ વિજ્ઞાાન કથામાં સૌ પ્રથમવાર ‘એન્ડ્રોઇડ’ શબ્દનો ઉપયોગ થયો હતો. ટૂંકમાં કહીએ તો ૧૪૫ વર્ષ પહેલા, ફ્રેન્ચ લેખક આલ્બર્ટ રોબિડાએ ‘એન્ડ્રોઇડ’નું જે સ્વપ્ન જોયું હતું. તે આજે સાચું સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં ચીન દ્વારા ‘એન્ડ્રોઇડ’ એટલેકે ‘હ્યુમનોઇડ’ વિકસાવ્યા છે. જે આબેહૂબ મનુષ્ય જેવાં લાગે છે. ‘ઇલેક્ટ્રીક લાઇફ’ની વિજ્ઞાાન કલ્પના કથા, આજે હકીકતમાં ફેરવાઈ રહી ગઈ છે! વિજ્ઞાાન કથાની કલ્પના અને હકીકતના વાસ્તવિક રંગ કેવા હોય છે? ચાલો એક નજરે નિહાળીએ…
‘એન્ડ્રોઇડ’ કે ‘હ્યુમનોઈડ’
‘હ્યુમનોઈડ’ કે ‘એન્ડ્રોઇડ’. આ બંને શબ્દ મનુષ્ય આકાર ધરાવતા રોબોટ માટે વપરાય છે પરંતુ બંને વચ્ચે થોડો એટલે કે ૧૯-૨૦ જેટલો તફાવત રહેલો છે. “Android” શબ્દ ગ્રીક શબ્દ “andr-” (એટલે કે માણસ) અને પ્રત્યય “-oid” (જેનો અર્થ સમાન થાય) પરથી આવ્યો છે. એન્ડ્રોઇડએ શાબ્દિક રીતે એવી વસ્તુ છે જે ‘માણસ જેવું’ અથવા ‘મનુષ્ય જેવી લાગતી વસ્તુ’ માટે વપરાય છે. ‘એન્ડ્રોઇડ’ શબ્દનો ઇતિહાસ રસપ્રદ છે! આધુનિક અર્થમાં ફ્રેન્ચ લેખક ઓગસ્ટે વિલિયર્સ ડે લ’આઈલ-આદમ દ્વારા તેમની કૃતિ ટુમોરોઝ ઈવ (૧૮૮૬)માં કરવામાં આવ્યો હતો, જેમાં હેડાલી નામનો કૃત્રિમ માનવીય રોબોટ દર્શાવવામાં આવ્યો હતો. આજે “Android” શબ્દ, સ્માર્ટફોન માટે વપરાતા સોફ્ટવેરને દર્શાવે છે. મોબાઈલના એન્ડ્રોઇડ સોફ્ટવેરના મુખ્ય સર્જકોમાંથી, એક વધુ જાણીતા સર્જક એટલે એન્ડી રુબિન. એન્ડ્રોઇડ બનાવતા પહેલા અને ગૂગલ ઇકોસિસ્ટમમાં જોડાતા પહેલા, એન્ડી રુબિન એપલ કંપનીમાં કામ કરતાં હતાં. એન્ડ્રોઇડ પછી ૨૦મી સદીમાં, વિજ્ઞાાન સાહિત્યમાં એક નવો શબ્દ ઉમેરાયો. હ્યુમનોઈડ. જે બે શબ્દોના સંયોજનમાંથી ઉતરી આવ્યો છે : હ્યુમન એટલે ‘માનવ’ અને ‘-ઓઇડ, એટલે સમાન’. આ શબ્દ અને પ્રત્યય, મનુષ્ય સાથે સમાનતા અથવા સામ્યતા દર્શાવતા રોબોટ માટે વાપરવામાં આવે છે. રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી આગળ વધતાં, આ શબ્દ વધુને વધુ લોકપ્રિય બન્યો છે. હ્યુમનોઈડ અને ‘એન્ડ્રોઇડ’ના તફાવત વિશે માત્ર એક જ લીટીમાં સમજાવવું હોય તો, હ્યુમનોઈડ એ મનુષ્યની ખૂબ જ નજીક આવતો, મનુષ્યના શરીરના દરેક અંગ અને ચહેરા પરના મનુષ્યના હાવભાવ અને લાગણી ધરાવતો રોબોટ છે. જ્યારે એન્ડ્રોઇડમાં રોબોટનો આકાર, મનુષ્યને મળતો આવે તેવો હોય છે, પરંતુ આ પ્રકારના રોબોટમાં, માત્ર મનુષ્યનું માથું, મનુષ્યના ધડ સાથે ચોટાડેલું માથું, અથવા મનુષ્યનું સંપૂર્ણ શરીર હોઈ શકે છે. ટૂંકમાં જોઈએ તો મનુષ્ય સાથે સરખામણીમાં, એન્ડ્રોઇડને ૨૦માંથી ૧૯ માર્ક મળે. જ્યારે હુમનોઈડને, તમે ૨૦માંથી ૨૦ માર્ક આપી શકો છો.
એક્સ-રોબોટ : ‘હ્યુમનોઇડ’ની શરૂઆત
ચીનમાં એક્સ-રોબોટ ફેક્ટરીઓમાં હવે મનુષ્યની જગ્યાએ, મનુષ્ય જેવા દેખાતા હ્યુમનોઈડનું ઉત્પાદન થવા લાગ્યું છે. જેની એક વિડીયો વાયરલ થતા, મીડિયા જગત આ બાબતે સભાન બન્યું છે. ચીનના પશ્ચિમ ઉત્તર ભાગમાં ડાલીયાન નામનું શહેર આવેલું છે. અહીં એક્સ રોબોટ નામની કંપનીની ફેક્ટરી આવેલી છે. આ કંપનીઓ મનુષ્ય જેવા દેખાતા રોબોટ તૈયાર કરવા માંગે છે, જે આવનારા સમયમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્યરત બને તેવા પ્રયત્ન ચાલી રહ્યા છે. એક્સ-રોબોટ કંપનીની ફેક્ટરીની અંદર નજર નાખો તો, મનુષ્ય જેવા દેખાતા માનવ ચહેરા, ગળાની લંબાઈ સુધીના સિલિકોન માસ્ક, વિવિધ અંગ વગેરે ટેબલ ઉપર વેરવિખેર પડેલા જોવા મળે છે. કંપનીના ઇજનેરો પોતાના દેખાવની નકલ કરે તેવા, હ્યુમનનોઇડ તૈયાર કરી રહ્યા છે. મનુષ્ય જેવા દેખાતા રોબોટના શરીરમાં અલગ અલગ ભાગમાં નાની નાની મોટર ગોઠવેલી છે. મનુષ્યનું હલન ચલન અને લાગણીઓ સમજવા માટે, તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારનું અલગોરીધમ કંપનીએ પોતાની રીતે વિકસાવ્યું છે. હાલમાં સોફ્ટવેર જગતમાં ઓપન સોર્સ તરીકે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝિક મોડલ અને અલગોરિધમ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. પરંતુ એક્સ-રોબોટ કંપનીએ પોતાનું અલગ મોડેલ અને અલ્ગોરિધમ વિકસાવ્યા છે. જેથી માર્કેટમાં તેમની મોનોપોલી જળવાઈ રહે.
એક્સ-રોબોટની સ્થાપના ૨૦૦૯માં કરવામાં આવી હતી. ત્યારે કંપની તેના સ્ટાર્ટઅપ મોડમાં હતી. ૨૦૧૬માં તેણે હ્યુમનોઇડ રોબોટ વિકસાવવાનું શરૂ કર્યું હતું. એક્સ-રોબોટ ૧૫ દિવસથી એક મહિનાના સમય ગાળામાં, એક સંપૂર્ણ હ્યુમનોઇડ રોબોટ તૈયાર કરી આપે છે. જેની કિંમત ભારતીય રૂપિયામાં ગણીએ તો, ૧.૭૫ થી ૨.૩૦ કરોડ જેટલી થાય છે. રોબોટ સંપૂર્ણ મનુષ્ય જેવા દેખાય તે માટે, 3D સ્કેનિંગ ટેકનોલોજી, 3D ડિજિટલ ડિઝાઇન સોફ્ટવેર અને થ્રીડી પ્રિન્ટિંગ મશીન વાપરવામાં આવી રહ્યા છે. અહીં આપણને એક સવાલ જરૂર થાય કે…
ઈલેક્ટ્રીક લાઇફ v/s ઈલેક્ટ્રીક ડ્રીમ્સ
આજે આપણને વિદ્યુત બલ્બ, ટયુબલાઈટ, એર કન્ડિશન, એલિવેટર, ઈલેંકટ્રીક બસ વગેરે ખૂબ સામાન્ય લાગે છે. પરંતુ તેના મૂળમાં માનવ ઉપયોગી થાય તે રીતે ઇલેક્ટ્રિસિટીની શોધ કરવાનો આવિષ્કાર રહેલો છે. જ્યારે અમેરિકામાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થવાને, માત્ર સાત વર્ષનો સમયગાળો પસાર થયો હતો. ફ્રેેન્ચ લેખક આલ્બર્ટ રોબિડાએ પોતાની કલ્પનાને આકાર આપીને એક વિજ્ઞાાન કથા : ‘ઈલેક્ટ્રીક લાઇફ’ લખી હતી. જેમાં પ્રથમ વાર મનુષ્ય જેવા દેખાતા મશીનની કલ્પના કરવામાં આવી હતી. પ્રચલિત અર્થમાં તે એન્ડ્રોઇડની કલ્પના હતી. આલ્બર્ટ રોબિડા (૧૮૪૮- ૧૯૨૬) એક પ્રસિદ્ધ ફ્રેન્ચ ચિત્રકાર, લિથોગ્રાફર અને લેખક હતા, જેઓ તેમના કાલ્પનિક લેખન માટે જાણીતા હતા. તેમની વિજ્ઞાાનકથાની વિશિષ્ટ શૈલીએ, વિજ્ઞાાન કથાના વિકાસમાં મોટો યોગદાન આપેલ છે. તેમની ગણના તેમના સમકાલીન લેખકો જુલ્સ વર્ન અને એચજી વેલ્સ સાથે થાય છે. ઈલેક્ટ્રીક લાઈફ મનુષ્યના જીવનમાં પ્રારંભિક કક્ષાએ આવી રહેલ બદલાવોનું નિરૂપણ કરે છે. તેમને ત્રણ વિજ્ઞાાન કથાઓની શ્રેણી લખી હતી. જેમાં વીસમી સદી- ઇલેક્ટ્રિક લાઇફ (૧૮૯૦)એ શ્રેણીનું છેલ્લી પુસ્તક હતું.
૨૦૧૭માં પ્રખ્યાત વિજ્ઞાાનકથા લેખક ફિલિપ કે. ડિકની ટૂંકી વાર્તાઓ ઉપર આધારિત ટેલિવિઝન શ્રેણી રજૂ થઈ હતી. જેનું નામ હતું. ‘ઈલેક્ટ્રીક ડ્રીમ્સ’. આ ટેલિવિઝન શ્રેણીમાં ઇલેક્ટ્રિસિટીની શોધ બાદ માનવીના આધુનિક જીવનમાં આવેલ ફેરફારો અને ભવિષ્યમાં આવનારા ફેરફારો ઉપર રજૂઆત કરવામાં આવી હતી. દરેક એપિસોડમાં એક ટૂંકી વાર્તા લેવામાં આવતી હતી. જેમાં ભવિષ્ય અને ભવિષ્યમાં થનારી ઘટના અને ટેકનોલોજીની વાત વણી લેવામાં આવી હતી. આ ટેલિવિઝન શ્રેણીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓલ્ટરનેટ રિયાલિટી અને ટેકનોલોજીનો સમાજ ઉપર પડેલ પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. આજે વિદ્યુત, ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંશોધકો, બજારમાં અવનવા ઉપકરણો મૂકતા રહે છે. જે મનુષ્યની મહેનત બચાવી ઓટોમેશનની પ્રક્રિયાને આગળ વધારે છે.
આ તબક્કે હ્યુમનોઇડની જરૂર શું છે?
એક્સ રોબોટ કંપનીએ દુનિયાનો સૌથી વજનમાં હલકો રોબોટ તૈયાર કરીને એક નવો વિશ્વ વિક્રમ પણ સ્થાપેલ છે. ૨૦૨૨માં એક્સ-રોબોટ્સ કંપનીએ તેના ડ્રોઇડ વિકાસનાં પ્રયાસો શરૂ કર્યાના છ વર્ષ પછી, ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં તેનું એક્સ ફ્યુચર સાયન્સ એન્ડ ટેક્નોલોજી મ્યુઝિયમ ખોલ્યું હતું. આ મિશન તૈયાર કરવા પાછળ કંપનીનો ઉદ્દેશ, મનુષ્યને સંપૂર્ણ રીતે રોબોટિક દુનિયાનો અનુભવ કરાવવાનો છે. મ્યુઝિયમમાં માર્ગદર્શક કે ગાઈડ તરીકે પણ તેઓ હ્યુમનાઇડ રોબોટ્સ ગોઠવ્યા છે. મ્યુઝિયમના હ્યુમનૉઇડ રોબોટ્સ ગાઈડ, મનુષ્ય સાથે સીધો સંપર્ક કરવા માટે આધુનિક ટેકનોલોજી, આધુનિક વોઇસ ડાયલોગ સિસ્ટમ અને જ્ઞાાનાત્મક તકનીક (cognitive technology)નો પણ ઉપયોગ કરે છે. મ્યુઝિયમમાં છૈં રોબોટ સંશોધન કેન્દ્ર, બાયોનિક રોબોટ ઉત્પાદન કેન્દ્ર, બાયોનિક પ્રાયોગિક મોડયુલ ચકાસણી કેન્દ્ર અને મુલાકાતીઓનું અન્વેષણ કરી શકે તેવા, વિવિધ કેન્દ્ર અને અન્ય અદ્યતન ચીજોનું પ્રદર્શન પણ ધરાવે છે.
હાલમાં એક્સ-રોબોટ, તેના પોતાના મ્યુઝિયમમાં, હ્યુમનોઇડની કામગીરી બતાવવા માટે વિવિધ મનુષ્યના હ્યુમનોઇડ તૈયાર કરી રહી છે. જેનો ઉપયોગ માર્કેટિંગ માટે પણ થઈ શકે. યાદ રહે કે બે એક મહિના પહેલા, ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહેલ પ્રથમ રોબોટ શિક્ષકનાં સમાચાર પણ અખબાર અને મીડિયામાં પ્રગટ થયા હતા. જ્યાં મનોવૈજ્ઞાાનિક પરામર્શ અને આરોગ્ય ક્ષેત્રમાં લાગણીશીલ વ્યક્તિની જરૂર પડે છે, તેવી જગ્યાએ મનુષ્યના કામ હ્યુમનોઇડ, ખૂબ જ કાળજીપૂર્વક કરી શકે તેમ છે. આ ઉપરાંત સારવાર સહાયક, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાાનિક વિકૃતિઓ ધરાવતી વ્યક્તિની સારવાર અને પ્રેરણા માટે હ્યુમનોઇડ વાપરી શકાય તેમ છે. ગયા ઓગસ્ટ માસમાં વર્લ્ડ રોબોટ કોન્ફરન્સ ભરાઈ હતી તેમાં, લી બોયાંગે જણાવ્યું હતું કે જાહેર સ્થળો જેવા કે સંગ્રહસ્થાન, હોસ્પિટલ, શાળાઓ અને ટુરિસ્ટ આકર્ષણના કેન્દ્ર હોય તેવા સ્થળોએ હ્યુમનોઇડ એક આદર્શ મદદનીશની ભૂમિકા ભજવી શકે છે. બાળકોનાં શિક્ષણ, ઉછેર અને સાથીદાર તરીકે હ્યુમનોઇડ ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી શકે છે.