હેપી ફાધર્સ ડે

  ‘ભાઈલુ, તેં તો મારા મનની વાત કરી. આપણે મમ્મી પાસેથી પૈસા લઈને ભેટ નહીં લાવીએ. આપણી પિગી બેંકમાંથી પૈસા કાઢીશું ને પપ્પા માટે સરસ મજાની ભેટ લઈ આવીશું.’રોહિત ખીમચંદ કાપડિયા.

બિટુ અને કીટુ બંને જોડીયા ભાઈ બહેન. બંને એમનાં મમ્મી પપ્પાને ખૂબ ખૂબ વહાલાં. બંને સાથે રમે. સાથે જમે. સાથે જ ભણે. શાળાની ઉનાળાની રજાઓમાં બધાં ગામડાની મોજ માણી આવ્યાં હતાં અને બહુ જ ખુશ હતાં. શાળા ફરી ચાલુ થઈ ગઈ હતી.

શિક્ષકે આવનાર ફાધર્સ ડે નિમિત્તે પિતા વિષે ઘણી બધી વાત કરી. પિતા એટલે પ્રેમ, વાત્સલ્ય અને વહાલપનો દરિયો. પિતા એટલે પરિવારનો આધારસ્તંભ. પોતાનાં સંતાનોની હર ઈચ્છા, હર માંગ પૂરી કરવા તનતોડ મહેનત કરનાર એક મૂઠી ઉંચેરું  વ્યક્તિત્વ એટલે પિતા. પોતાની વેદના, દુઃખ અને દર્દને ભીતરમાં છુપાવીને બહારથી સદા ખુશ રહેનાર પાત્ર એટલે પિતા. સંતાનોના ભવિષ્યની ચિંતામાં પિતા ક્યારેક બહારથી કઠણ બને પણ અંદરથી તો એ કોમળ જ હોય. બધાંને ‘ફાધર્સ ડે’ વિશે નિબંધ લખી આવવાનું કહી શિક્ષકે વર્ગ સમાપ્ત કર્યો.  શાળાએથી પાછાં ફરતાં બિટુએ કીટુને કહ્યુંઃ ‘દીદી, આપણા પપ્પા પણ કેટલા બધાં સારા છે. આપણને કેટલો બધો પ્રેમ કરે છે. આપણે જે માંગીએ છીએ તે બધું જ અપાવી દે છે. આપણા બધા જ મોજશોખ પૂરાં કરે છે. તો આ  ફાધર્સ ડે નિમિત્તે આપણે પપ્પાને ભેટ આપવી જોઇએને?’ 

કીટુએ તો તરત જ કહ્યું, ‘ભાઈલુ, તેં તો મારા મનની વાત કરી. આપણે મમ્મી પાસેથી પૈસા લઈને ભેટ નહીં લાવીએ. આપણી પિગી બેંકમાંથી પૈસા કાઢીશું ને પપ્પા માટે સરસ મજાની ભેટ લઈ આવીશું.”પણ દીદી, આપણે સુંદર મજાની પિગી બેંક તોડી નાખવી પડશે…’ કીટુએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં. આપણે થોડા વખત પછી નવી પિગી બેંક લઈ આવીશું.’

બીજા દિવસે સવારે કબૂતરને ચણ નાખવાના બહાને બંને ઉપર ગયાં અને બેય પિગી બેંક તોડીને પૈસા કાઢી લીધા. શાળાએથી પાછાં ફરતાં તેઓ પપ્પા માટે ભેટ લેવા એક દુકાનમાં ગયાં. ઘણી બધી વસ્તુઓ જોઈ પણ તેમનું મન માનતું ન હતું. ત્યાં જ એમની નજર એક સુંદર મજાનાં ડાયરી, પેન અને કી-ચેઈનના સેટ પર ગઈ. પપ્પાને વાર્તા – કવિતા લખવાની આદત છે એટલે આ ભેટ એમને જરૂર ગમશે એમ વિચારીને એમણે દુકાનદારને એ સેટનો ભાવ પૂછયો. દુકાનદારે કહ્યું, ‘ચારસો રૂપિયા.’ 

આ સાંભળતાં જ બંનેએ સેટ પાછો મૂકી દીધો, કારણ કે બંને પિગી બેંકનાં મળીને કુલ ત્રણસો ચાલીસ રૂપિયા જ થયા હતા. કીટુને એક વિચાર આવ્યો. એણે દુકાનદારને પૂછયું, ‘અંકલ, અમે આ સેટમાથી કી-ચેઈન ન લઈએ તો ત્રણસો ચાલીસ રૂપિયામાં અમને ડાયરી આપી શકો?’દુકાનદાર ક્યારના બંને ભાઈ -બહેનની વાતો સાંભળતા હતા. એણે હસીને કહ્યું, ‘તમારે તમારા પપ્પાને ભેંટ આપવી છે ને? તમે આખો સેટ ત્રણસો રૂપિયામાં લઈ જાવ, બસ?’  બંનેએ ખુશ થતાં અને દુકાનદારનો આભાર માન્યો અને સેટ લઈ લીધો.

  ફાધર્સ ડેની સવારે બંને વહેલાં ઊઠી ગયાં અને નાહીને તૈયાર થઈ ગયાં. પપ્પા જેવા એમની રૂમમાંથી બહાર આવ્યા કે તરત એમને પગે લાગ્યાં અને વહાલથી ભેટી ‘હેપ્પી ફાધર્સ ડે’ કહેતાં પેલો ડાયરી અને કી-ચેઇનનો સેટ પપ્પાના હાથમાં મૂકી દીધો. પપ્પા બન્નેને  ભેટી પડયા. પછી અંદર રૂમમાં જઈ બે સુંદર મજાની પિગી બેંક  એમનાં હાથમાં મૂકી દીધી. બંને એક સાથે બોલી ઉઠયાં, ‘પપ્પા, તમને કેવી રીતે ખબર પડી ગઈ કે અમે પિગી બેંક તોડી નાખી છે?’ પપ્પાએ કહ્યું, ‘તે દિવસે તમે કબૂતરને ચણ નાખવા ગયા પછી હું અગાસીમાં સૂર્ય દેવતાને જળ અર્પણ કરવા ઉપર ગયો. ત્યારે તમારી પિગી બેંકનાં ટુકડા જોયા ને હું બધું સમજી ગયો. આખરે તો હું તમારો પપ્પા છુંને?’બિટુ, કીટુ, પપ્પા અને મમ્મી ચારેય એકમેકને ભેટી પડયાં. એમનાં નિર્મળ પ્રેમથી હવા મહેકી ઉઠી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *