અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં કામ કરે એ કોઈ નવી વાત નથી, પણ ફિલ્મવર્લ્ડમાં એની જોરશોરથી ચર્ચા રહી છે. અમિતાભ બચ્ચનની ભૂમિકા શી છે? કેવી છે? તેમાં શું મહત્ત્વનું છે? વગેરે ચર્ચા તો ઘણી ચાલી રહી છે. જો કે એવું જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચને જે ભૂમિકા ગુજરાતી ફિલ્મમાં ભજવી છે, એ કેમિયો છે અને અમિતાભ તેમાં ભગવાન બન્યા છે. આ અંગે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને તેના નિર્માતા સાથે વાતો કરી ત્યારે ઘણું ઘણું જાણવા મળ્યું , જે રસપ્રદ છે અને લોકોને ગમી જાય એવું છે. અમિતાભ બચ્ચન ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મમાં કેમિયો ભજવી રહ્યા છે, જે ૨૦૨૨માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ની સિક્વલ છે, જેમાં અમિતાભ બચ્ચને ટચુકડી ભૂમિકા ભજવી હતી. આ સંદર્ભે વધુ માહિતી આપતાં ફિલ્મની ટીમ જણાવે છે કે ‘આ તો ટીમના દરેક સભ્ય માટે એક શ્રેષ્ઠ અનુભવ હતો.’ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ના એક નિર્માતા વૈશલ શાહ કહે છે, ‘અમિતાભ બચ્ચન અમારી ફિલ્મમાં ભગવાનની ભૂમિકા ભજવે છે. આ ભૂમિકા નાની છે, પણ ઘણી જ મહત્ત્વની છે. જે દિવસે અમિતાભ બચ્ચને શૂટિંગ કર્યું તે દિવસે સેટ પર નીરવ શાંતિ હતી. કામ પ્રત્યે તેમનું સમર્પણ અને વ્યાવસાયિકતા તો બેજોડ છે જ.’
આ ફિલ્મમાં યશ સોની, ઈશા કંસારા, મિત્ર ગઢવી અને દર્શન જરીવાલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. વૈશલ શાહ ઉમેરે છે, ‘જ્યારે અમે અમિતાભ બચ્ચનને અમારી ફિલ્મની વાર્તા સંભળાવી હતી ત્યારે તેમને તે ગમી ગઈ હતી. એમણે તરત જ અમને તારીખો ફાળવી દીધી હતી. તેઓ પોતાની કરીઅરની બીજી ગુજરાતી ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. અમારી ફિલ્મમાં તેઓ અભિનય કરે છે, એ જ મોટી અને મહત્ત્વની વાત છે. ‘ ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મ સફળ પૂરવાર થઈ હતી. તેથી જ તેની સિક્વલ ‘ફક્ત પુરુષો માટે’ બનાવવામાં આવી છે. આ વખતે બચ્ચનબાબુના ગુજરાતી ઉચ્ચારો ભૂલમુક્ત હોય એવી આશા જરૂર રહે છે.