‘હું બહુ જલદી ઘાંઘી થઈ જાઉં છું. હું થોડી ‘ઓવર થિંકર’ છું, બહુ વિચાર-વિચાર કરતી હોઉં છું. રણબીરમાં એક પ્રકારની નિસ્પૃહતા છે, ઠંડક છે. એ કોઈ પણ વાત કે ઘટનાથી તરત મુક્ત થઈ જાય છે ને ચુપચાપ આગળ વધી જાય છે. આ જ અંતર છે, અમારી બન્ને વચ્ચે. ‘અમે બંનેને અમારાં કામ પ્રત્યે ખૂબ પ્રેમ અને સન્માન છે… પણ હા, કામ એ જિંદગીનો એક હિસ્સો માત્ર છે, આખી જિંદગી નહીં.’
એ બાબતે કોઈ શંકા નથી કે આલિયા ભટ્ટ પોતાના જીવનના શ્રેષ્ઠતમ કાળમાંથી પસાર થઈ રહી છે. બોલિવુડની એ નંબર વન હિરોઈન છે. એની ઝગમગતી પ્રોફેશનલ લાઇફ સૌ કોઈને આંજી રહી છે. એની પર્સનલ લાઇફ પણ ભરપૂર છે. રણબીર કપૂર જેવો ટેલેન્ટેડ હસબન્ડ અને રાહા જેવી ક્યુટ ક્યુટ અતિ મીઠડી દીકરી એના સમયને છલકાવી દે છે. આલિયા ભટ્ટ એવી એક્ટ્રેસ છે, જેના પર નેપોટિઝમનું શસ્ત્ર ખાસ અસરકારક નીવડતું નથી, કેમ કે એણે પોતાની કાબેલિયત સતત પૂરવાર કરી છે. માત્ર મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની દીકરી હોવાને કારણે એને બધું તાસકમાં મળી ગયું છે એમ નથી, એ ખરેખર એક ઉત્તમ અભિનેત્રી છે એવું એના સાત ભવના દુશ્મનોએ પણ સ્વીકારવું પડે છે.
રણબીર કપૂર સ્ક્રીન પર ભલે તમામ લાગણીઓને અફલાતૂન રીતે વ્યક્ત કરી શકતો હોય, પણ અંગત જીવનમાં એ સપાટ રહેતો હોય છે. જાણે કશુંય એને સ્પર્શતું જ ન હોય. પણ જ્યારથી એ બાપ બન્યો છે ત્યારથી એ ખૂબ ‘એક્સપ્રેસિવ’ બની ગયો છે. આ વાતનો સૌથી વધારે આનંદ આલિયાને છે. રણબીર આમેય ઘરમાં પૂરાઈ રહેવું વધારે ગમે છે. શૂટિંગ ન હોય ત્યારે પતિ-પત્ની ઘરમાં રાહા સાથે કિલ્લોલ કરતા રહે છે. એ વાત અલગ છે કે કંગના રણૌતને વચ્ચે કોણ જાણે કેવી રીતે ખબર પડી ગઈ હતી કે આલિયા-રણબીરનું લગ્નજીવન એક પાખંડ માત્ર છે… અને એક જ ઘરમાં રહેવા છતાં બન્ને અલગ અલગ બેડરૂમમાં રહે છે! એ વાત અલગ છે કે કંગનાના આ પ્રકારનાં નિવેદનોને કોઈ ગંભીરતાથી લેતું નથી. કંગના આલિયા વિશે બેફામ બોલતી રહી છે, પણ આલિયાએ કદી પણ એના વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ન ઉચ્ચારીને પોતાની ગરિમા જાળવી રાખી છે. એને તો એ ભલી, એની દીકરી ભલી ને એનો વર ભલો.
આલિયા ભટ્ટ કહે છે, ‘હું અને રણબીર સફળતા અને અસફળતાને સરસ રીતે હેન્ડલ કરી શકીએ છીએ. અમારી પ્રકૃતિ એકબીજાથી સાવ અલગ છે. જે-તે પરિસ્થિતિનો સામનો કરવાની અમારી રીત પણ સાવ ભિન્ન છે.’આલિયા વાતને જરા વધારે ખોલતાં કહે છે, ‘હું બહુ જલદી ઘાંઘી થઈ જાઉં છું. હું થોડી ‘ઓવર થિંકર’ છું, બહુ વિચાર-વિચાર કરતી હોઉં છું. રણબીરમાં એક પ્રકારની નિસ્પૃહતા છે, ઠંડક છે. એ કોઈ પણ વાત કે ઘટનાથી તરત ડિટેચ થઈ જાય છે ને ચુપચાપ આગળ વધી જાય છે. આ જ અંતર છે, અમારી બન્ને વચ્ચે. કદાચ એટલે જ અમે એકબીજાને સરસ રીતે પૂરક બની શકીએ છીએ.’આલિયા અને રણબીર બન્ને બોલિવુડનાં ટોપ સ્ટાર છે. પોતાના કામ પ્રત્યે દેખીતી રીતે બેયને ખૂબ લગાવ છે. આલિયા કહે છે, ‘હા, અમે બંનેને અમારાં કામ પ્રત્યે ખૂબ પ્રેમ અને સન્માન છે. અમે પૂરેપૂરા ફોકસ સાથે કામ કરવાનું પસંદ કરીએ છીએ. અલબત્ત, કામ એ અમારી જિંદગીનો એક હિસ્સો માત્ર છે, આખી જિંદગી નહીં.’
આલિયાને છેલ્લે આપણે ‘રોકી ઔર રાની કી પ્રેમકહાણી’માં જોઈ હતી. સંભવતઃ સપ્ટેમ્બરમાં એ ‘જિગરા’ નામની સાયન્સ ફિક્શનમાં જોવા મળશે. આલિયાની પોતાની પ્રોડક્શન કંપની પણ છે એટલે એ એક ફિલ્મનું સહનિર્માણ પણ કરી રહી છે. તેની પાસે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ અને અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ-૨’ પણ છે. આ બંને ફિલ્મોમાં આલિયાનો હીરો રણબીર જ છે. જાણભેદુઓ કહે છે કે આલિયા યશરાજ બેનરની એક જાસૂસી ફિલ્મમાં ચમકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફિલ્મમાં શર્વરી વાઘ પણ હશે. કોઈ વળી એવી અટકળ લગાવે છે કે આલિયા યશરાજની ફિલ્મમાં જાસૂસ નહીં, સૈનિકની ભૂમિકામાં દેખાશે. સાચું ખોટું સિનેમાદેવ જાણે. જે હશે તે વાજતુંગાજતું માંડવે આવવાનું જ છે, ખરું?