હવે 30 સેકન્ડમાં જ પ્રવાસી પોતાનો સામાન ડ્રોપ કરી બોર્ડિંગ પાસ મેળવી શકશે.એર ઇન્ડિયા એક્સપ્રેસ,એર ઇન્ડિયા અને ઇન્ડિગોના પ્રવાસીઓની સેવામાં 50 યુનિટ કાર્યરત.
દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ-ડીઆઇએએલ- દ્વારા દિલ્હી એરપોર્ટ પર નવી સેલ્ફ ડ્રોપ બેગેજ મશીન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી સેવાનો ઉપયોગ કરી પ્રવાસી માત્ર ૩૦ સેકન્ડમાં જ પોતાનો સામાન ડ્રોપ કરી બેગેજ ટેગ મેળવી અને બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરાવી શકે છે. ભારતમાં આ પ્રકારની સેવા આપનારું દિલ્હી પ્રથમ એરપોર્ટ બની ગયું છે. દુનિયામાં આ પ્રકારની સૌ પ્રથમ સેવા કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર શરૂ કરાઇ હતી. ભારત દુનિયામાં આ સેવા શરૂ કરનારો બીજો દેશ બન્યો છે. આ સેવા હાલ એર ઇન્ડિયા એક્સપ્રેસ, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સામાન્ય રીતે એરપોર્ટ પર સામાન ડ્રોપ કરવામાં એક મિનિટનો સમય લાગતો હોય છે.
એરપોર્ટ દ્વારા ટર્મિનલ વન અને ટર્મિનલ ૩ના લગભગ તમામ ૫૦ સેલ્ફ સર્વિસ બેગ ડ્રોપ -એસએસબીડી -એકમ કાર્યરત કરવામાં આવ્યા છે. નવી સર્વિસમાં ચેક ઇન ડેસ્કથી માંડી બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરવાની તથા કોમન યુઝ સેલ્ફ સર્વિસ-સીયુએસએસ- કિઓસ્ક પર સામાનનો ટેગ મેળવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન ડ્રોપ કરવાના એકમ સુધી પહોંચ્યા બાદ પ્રવાસીઓએ પોતાનો બોર્ડિંગ પાસ સ્કેન કરાવવો પડે છે અને પોતાની બેગને કન્વેયર બેલ્ટ પર મુકવી પડે છે.
આ પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે સેલ્ફ સર્વિસ બેગ ડ્રોપ યુનિટ બનાવવામાં આવ્યું છે.આ પ્રક્રિયામાં બોર્ડિંગ પાસ કે બાયોમેટ્રિક વેરિફિકેશનની જરૂર રહેતી નથી. આ નવી ચેક ઇન પ્રક્રિયામાં હવે સમય એક મિનિટને બદલે માત્ર ૩૦ સેકન્ડ જ લાગે છે. નવી સેલ્ફ સર્વિસ બેગ ડ્રોપ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
– પ્રવાસીઓએ એરપોર્ટ પર સીયુએસએસ કિઓસ્ક પરથી પોતાનો ટેગ લઇને બેગને એટેચ કરવાનો રહે છે.
– એ પછી બેગને સેલ્ફ બેગેજ ડ્રોપના કન્વેયર બેલ્ટ પર મુકવામાં આવે છે.
– ત્યાર બાદ એક સિંગલ ક્લિક કરી એસએસબીડી મશીન પર એરલાઇનની એપ ખોલવામાં આવે છે.
– આ એપ્લિકેશન પર પ્રવાસીઓએ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ પર ખરાંની નિશાની કરવાની રહે છે.
– ત્યારબાદ સિસ્ટમ દ્વારા તમામ માપદંડો પર સામાનની ચકાસણી કરવામાં આવે છે.