સરકાર બનાવવા સોનિયા ગાંધીનો માસ્ટર પ્લાન

લોકસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ બની રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ (BJP) બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ (Congress) સક્રિય થઈ ગઈ છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપલ NDAના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે. આ નેતાઓમાં JDUના નીતિશ કુમાર (Nitish Kumar) અને TDPના એન.ચંદ્રાબાબુ નાયડુ (N. Chandrababu Naidu) પણ સામેલ છે. એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે. 

જેડીયુ અને ટીડીપી જેવા પક્ષો કિંગમેકર બનશે?

અત્યાર સુધીના વલણો પ્રમાણે ભાજપને 242 અને એનડીએને કુલ 300 જેટલી બેઠક મળી રહી છે. આ સ્થિતિમાં આગામી સરકાર રચવામાં ગઠબંધનના સાથી પક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વની સાબિત થશે. બિહારની 40 લોકસભા બેઠક પૈકી 15 પર જેડીયુ જીત તરફ છે, તો ભાજપને 12 અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને પાંચ બેઠક મળી શકે છે. એવી જ રીતે, આંધ્ર પ્રદેશની 25 લોકસભા બેઠક પૈકી 16 પર ટીડીપી જીત તરફ છે, જ્યારે વાયએસઆરપીને ચાર બેઠક અને ભાજપને ત્રણ બેઠક મળી શકે એમ છે. 

મહારાષ્ટ્રમાં પણ મોટા ઉલટફેરના સંકેત 

મહારાષ્ટ્રમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરીફાઈ છે કારણ કે, અહીંની 48 લોકસભા બેઠક પૈકી ભાજપ 12 અને કોંગ્રેસ 11 બેઠક પર આગળ છે, તો શિવસેના (ઉદ્ધવ જૂથ) પણ નવ અને એનસીપી (શરદ પવાર) પણ સાત બેઠક પર આગળ છે. 

જો આ વલણો આખરી ચૂંટણી પરિણામોમાં તબદિલ થશે તો કોંગ્રેસ માટે પણ અન્ય પક્ષોની મદદથી સરકાર રચવાની તક મળશે. આ જ કારણસર કોંગ્રેસે બિહાર, આંધ્ર પ્રદેશ અને શિવસેના-એનસીપીનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. વળી, આ પક્ષો વિપક્ષી ગઠબંધનનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. આ સંજોગોમાં આગામી સરકાર કોણ અને કેવી રીતે બનાવશે તે જોવું રસપ્રદ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *