શું તમે તમારી મહત્વની ક્ષણોને અવિસ્મરણીય બનાવી દેતી પરફેક્ટ તસવીરો માટે તૈયાર છો? સીનેમેટિક કથનથી લઈને ઘનિષ્ઠ તસવીરો માટે આજના કપલો તેમના મહત્વના દિવસે મહેમાનોને માત્ર લગ્નના ફોટા જ નહિ પણ એક લાગણીસભર અનુભવ કરાવવા ઈચ્છતા હોય છે.
પ્રી-વેડિંગ ફોટોશૂટ અસ્વસ્થતાની લાગણીને સરળ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત પ્રી-વેડિંગ શૂટ કપલ અને ફોટોગ્રાફર વચ્ચેની અસમંજસતાને અને સંકોચને દૂર કરે છે. બંને એકમેકની ખાસિયતને ઓળખી શકે છે. ઉપરાંત પ્રી-ેવેડિંગ તસવીરો કપલના જીવનના મહત્વના સમયને અમર બનાવે છે. લગ્નનો દિવસ જીવનનો અમૂલ્ય દિવસ છે. તો પછી આ દિવસને અવિસ્મરણીય બનાવવા ૧૧૦ ટકા પ્રયાસો કેમ ન કરવા?
લગ્ન પહેલાની અને લગ્નની ઉજવણી દરમ્યાન કપલ સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા હોય છે. તેમને અંગત પળો માણવાનો સમય જ નથી મળતો. પણ પ્રી-વેડિંગ ફોટોસેશન એક એવી ઘનિષ્ઠ પ્રવૃત્તિ છે જેમાં કપલ કોઈની પણ હાજરી વિના જીવનભર યાદ રહી જાય તેવી અવિસ્મરણીય પળો રચી શકે છે. ઉપરાંત આ ફોટોસેશનમાં કપલ વચ્ચેની વાસ્તવિક કેમિસ્ટ્રી પણ બહાર આવે છે.
લીલીછમ લીલોતરી વચ્ચે સિગ્નેચર ‘કપલ પોઝ’થી લઈને, બીચ પર ફરતા બંનેના મંત્રમુગ્ધ નિખાલસ શૉટ્સને કૅપ્ચર કરવા સુધી, એક વ્યાવસાયિક પ્રી-વેડિંગ ફોટોશૂટ બંને વ્યક્તિત્વને પ્રદશત કરવાની પુષ્કળ તકો આપે છે અને તેમની સર્જનાત્મકતાને પણ પ્રકાશિત કરે છે. અગાઉ, પ્રી-વેડિંગ ફોટોશૂટ એ એક દુર્લભ લક્ઝરી હતી પરંતુ આજકાલ યુગલોને જીવનની શરૂઆત થાય તે પહેલાં જ કિંમતી ક્ષણોને કેપ્ચર કરવાનું મહત્વ સમજાયું છે, લગ્ન પહેલાનું ફોટોશૂટ કંઈક અંશે આવશ્યક કામ બની ગયું છે, જે લગ્નના દિવસ અગાઉ પૂરા કરવાના કાર્યોની યાદીમાં ટોચ પર છે. લગ્નની વાત કરીએ તો પરંપરાગત લાંબા વીડિયોનું સ્થાન સોશિયલ મીડિયા મંચો માટે ખાસ બનાવેલા ટચૂકડા વીડિયોએ લીધું છે. નિષ્ણાંતોના મતે કપલો તેમની નિટકની પળો તેમજ ધ્યાનપૂર્વક કોરિયોગ્રાફી કરાયેલા વીડિયોમાં તમામ વિગતો ઉમેરવાનો પ્રયાસ કરતા હોય છે.કપલના વિશેષ દિવસને અવિસ્મરણીય બનાવવાની ખાતરી આપતા નવીનતમ ટ્રેન્ડ વિશે જાણી લઈએ.
શબ્દો કરતા પણ શક્તિશાળી
વેડિંગ ફોટોગ્રાફી સુંદર તસવીરો અને વીડિયો ઝડપવાની પ્રથાથી ઘણી આગળ નીકળી ગઈ છે. કપલો ઈચ્છતા હોય છે કે વેડિંગ ફોટા તેમની પ્રેમ કથાનું દ્રષ્ટિગમ્ય નિરૂપણ કરે. હવે તમામ બાબતો વધુ વ્યક્તિગત બની ગઈ છે. ફોટોગ્રાફરો શબ્દો વિનાની વાર્તાની જેમ વીડિયો અને તસવીરો દ્વારા કપલોની સંબંધનો સાર સમજાવી શકે છે.
શૈલીનું મિશ્રણ
ઘણા કપલો તેમની વેડિંગ ફોટોગ્રાફીમાં પરંપરાગત, નિખાલસ અને સમકાલીન શૈલીનું મિશ્રણ ઈચ્છતા હોય છે. ક્લાસિક તસવીરો હોય કે પછી સ્વયંસ્ફૂરિત તસવીરો, તેઓ શોટમાં વૈવિધ્યતાની કદર કરે છે. અનેક પ્રકારની શૈલીના મિશ્રણ સાથે કપલો આયોજિત પોઝના સ્થાને નિખાલસ તસવીરો વધુ પસંદ કરે છે. ઘણા ફોટોગ્રાફરો સરળતાથી અને કલાત્મક રીતે આવી નિખાલસ ક્ષણો ઝડપી શકે છે.
રીલની દુનિયા
અગાઉ વીડિયોગ્રાફરો લગ્નના સંક્ષિપ્ત અને વિસ્તારિત વીડિયોના હિસ્સા પૂરા પાડતા હતા. જો કે સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે હવે રીલની માગ વધી છે. પ્રારંભિક બજેટના તબક્કાથી શરૂ કરીને રીલ સામેલ કરવાની પ્રથા હવે સામાન્ય બની ગઈ છે. મહેંદી, સંગીત, હળદી અને લગ્નનો દિવસ, તમામ પ્રસંગો માટે કપલો વ્યક્તિગત રીલની અપેક્ષા રાખે છે.
અગાઉ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં ખાસ કરીને વિશિષ્ટ સ્થળ પસંદ કરવામાં આવતું હતું અને આ સ્થળે ફોટા લેવામાં આવતા હતા. પણ હવે સ્થળના સ્થાને કપલના અભિગમને વધુ મહત્વ આપવામાં આવે છે. તેમની પરસ્પરની નિષ્ઠા, ધગશ અને સાથે વિતાવેલી મનોહર પળોના સારને ફોટામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. આ અભિગમમાં કપલની પસંદગીની સહિયારી પ્રવૃત્તિ, તેમની પ્રાથમિક્તાઓ અને તેમના માટે ભાવનાત્મક મહત્વ ધરાવતા સ્થળોનો વિચાર કરવામાં આવે છે. આ તત્વો પ્રી-વેડિંગ ફોટોગ્રાફી માટે પૃષ્ઠભૂમિની ગરજ સારે છે. ઉદાહરણ તરીકે કપલને સાથે રસોઈ કરવી પસંદ હોય તો તેમના ફોટો સેશનમાં રસોડામાં વિતાવેલી મનોહર પળો સામેલ હોય છે. એવી જ રીતે તેમને ખુલ્લામાં સાથે જીમીંગ કરવું અથવા હાઈકિંગ પસંદ હોય તો આવી પ્રવૃત્તિમાં તેમણે વિતાવેલી પળો ફોટો સેશનનો હિસ્સો બની શકે.બસમાં સાથે કરેલી સફર, ઓફિસમાં સાથે વિતાવેલો સમય, મનપસંદ રેસ્ટોરન્ટ અથવા આવા કોઈપણ અનુભવો પ્રી-વેડિંગ ફોટો સેશનમાં સામેલ કરી શકાય.
યોગ્ય ફોટોગ્રાફરની પસંદગી મહત્વની
આજના સમયમાં સારા કેમેરા તો લગભગ બધા પાસે હોય છે અને તેનાથી ઉચ્ચ ગુણવત્તાના ફોટા પણ મેળવી શકાય છે. પણ પ્રમાણિક્તા, સમયબદ્ધતા અને વિવેક જેવા ગુણો ધરાવતા કુશળ ફોટોગ્રાફર નિયુક્ત કરવાથી ફોટા અને વીડિયોનો થીમ અને સમયસર ડિલીવરીની ખાતરી મળી શકે છે.
સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ટરનેટ પર બોગસ ફોટોગ્રાફી એકાઉન્ટ ધરાવતા ઠગોથી સાવધ રહેવું. સોશિયલ મીડિયા મંચો પર આ સૌથી પ્રચલિત સમસ્યા છે. આવા એકાઉન્ટ કપલો પાસેથી ડિપોઝીટ તો મેળવી લે છે પણ પછી નિર્ધારીત દિવસે કોઈ ફોટોગ્રાફર નથી દેખાતા. કપલોએ ફોટોગ્રાફર નક્કી કરવા અગાઉ સાવધાની વર્તવી, તેના રેફરન્સ ચેક કરી લેવા, ઓફિસના સ્થળ ચકાસી લેવા, રૂબરૂમાં મળી લેવું અને તેના અગાઉના કામો વિશે પણ માહિતી મેળવવી જેથી તેની કુશળતાનો પ્રત્યક્ષ પુરાવો મળે.સ્માર્ટ-ફોન અને સોશિયલ મીડિયાના આ યુગમાં કપલો તેમના મહત્વના પ્રસંગોની યાદ કંડારવા તસવીરો અને વીડિયોથી કંઈક અલગ ઈચ્છતા હોય છે. તેઓ પોતાની પ્રેમકથા દર્શાવવા સ્મરણો રચવા માગતા હોય છે. વિવિધ પ્રકારની સ્ટાઈલ અને અંગત પળો પર ધ્યાન કેન્દ્રિત કરીને આવા ફોટા અને વીડિયો લગ્ન સુધી દોરી જતી તેમની પ્રેમની સફરને સુંદર રીતે વ્યક્ત કરી શકે છે.