રૂમાં હેકટરદીઠ પેદાશમાં પીછેહટ

ઉત્પાદન ઘટતાં તથા માગ વધતાં સિલ્લક સ્ટોકનો અંદાજ ઘટાડાયો

દેશમાં કોટન બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા છે. દેશમાં રૂ બજારનું પ્રતિનિધિત્વ કરતા કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં ઓકટોબરથી સપ્ટેમ્બર દરમિયાન ઘરઆંગણે કોટનનો નવો પાક (કુલ પ્રેસિંગ) ૩૦૯થી ૩૧૦ લાખ ગાંસડી આસપાસ થવાની શક્યતા છે. ૨૦૨૨-૨૩ની પાછલી મોસમમાં આ આંકડો ૩૧૮થી ૩૧૯ લાખ ગાંસડીનો નોંધાયો હતો એ જોતાં આ વર્ષે રૂના પાકનો અંદાજ ઘટયો છે. ભારતમાં રૂની નવી મોસમ દર વર્ષે ઓકટોબરમાં શરૂ થતી હોય છે. દરમિયાન, બજારના જાણકારોના જણાવ્યા મુજબ રૂના પાકમાં બિયારણ તરીકે વપરાતા સીડની ટેકનોલોજી જૂની થઈ ગઈ છે તથા વિવિધ ઉત્પાદક મથકોએ રૂના પાકમાં હેકટરદીઠ કોટનની પેદાશ નોંધપાત્ર નીચી રહી છે. મહારાષ્ટ્રમાં આવી હેકટરદીઠ પેદાશ માંડ બે ગાંસડી જેટલી આવી છે જ્યારે ખાન  દેશ વિસ્તારમાં તો આવી હેકટરદીઠ પેદાશ માત્ર ૧.૪૦ ગાંસડી જેટલી નોંધાતા ખાસ્સું આશ્ચર્ય સર્જાયું છે. મરાઠવાડાના વિસ્તારો કરતાં જો કે વિદર્ભના વિસ્તારોમાં આવી હેકટરદીઠ પેદાશ ઉંચી રહી છે. દરમિયાન, દેશમાં એક બાજુ રૂનો પાક ઘટયો છે ત્યારે સામે રૂનો આંતરીક વપરાશ દેશમાં વધતો જોવા મળ્યો છે. નવી મિલો સ્થપાઈ છે તથા જૂની મિલોમાં કાપડ ઉત્પાદનની ક્ષમતા વધારાઈ છે તથા તેના પગલે દેશમાં રૂનો વપરાશ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતુ.ં

દરમિયાન, ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન દેશમાં રૂના બજાર ભાવ વિશ્વ બજાર કરતાં ચાર હજાર રૂપિયા જેટલા નીચા રહ્યા હતા અને તેના પગલે ભારતના રૂમાં દરિયાપારની માગ આ ગાળામાં અપેક્ષા કરતાં વધુ જોવા મળી હતી. જો કે ત્યારબાદ ભારતમાં ભાવ ઉંચા જતાં વિશ્વ બજારની સામે ઘરઆંગણાના બજાર ભાવમાં ડિસ્કાઉન્ટના બદલે તાજેતરમાં પ્રીમિયમો બોલાતા થયાના વાવડ પણ મળ્યા હતા. દેશમાં ઈમ્પોર્ટ ડયુટી ૧૧ ટકા રહેતાં ઘરઆંગણે કોટનની આયાત ધીમી રહી છે. કોટનમાં હેકટરદીઠ પેદાશ ઓછી રહેતાં તથા ભાવ પણ એકંદરે દબાણ હેઠળ રહેતાં તથા સામે લેબર કોસ્ટ, ખાતરના ભાવ, સીડ, ઈલેક્ટ્રીસિટી, પાણી વિ.નો ખર્ચ ઉંચો જતાં રૂ ઉગાડતા ખેડૂતોમાંનારાજગી દેખાઈ છે.

દરમિયાન, ઓકટોબર ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાનના ગાળામાં રૂમાં ૨૮થી ૨૯ લાખ ગાંસડીનો નવી મોસમનો આરંભનો ખુલતો સ્ટોક તથા ૨૮૧થી ૨૮૨ લાખ ગાંસડી નવા રૂનું પ્રેસિંગ અને આશરે પાંચ લાખ ગાંસડીની આયાત ગણતાં આ ૭ મહિનાના ગાળામાં દેશમાં રૂનો કુલ પુરવઠો સપ્લાય આશરે ૩૧૫થી ૩૧૬ લાખ ગાંસડી આસપાસ રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આની સામે આ ગાળામાં રૂનો સ્થાનિક વપરાશ ૧૯૨થી ૧૯૩ લાખ ગાંસડી તથા નિકાસ શિપમેન્ટ આશરે ૨૧થી ૨૨ લાખ ગાંસડી થયાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો છે. એપ્રિલના અંતે મિલો પાસે રૂનો સ્ટોક ૪૦થી ૪૧ લાખ ગાંસડી તથા અન્યત્ર સ્ટોક આશરે ૬૧થી ૬૨ લાખ ગાંસડીનો રહ્યાની ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. હવે મે અંતના આંકડાઓ પર બજારની નજર રહી છેે. દરમિયાન, સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે વર્તમાન રૂ મોસમ પુરી થશે ત્યારે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક માત્ર ૨૦ લાખ ગાંસડી જ  રહેવાની ભીતિ બતાવાઈ રહી છે. રૂની નિકાસ વધી ૨૨થી ૨૩ લાખ ગાંસડી અંદાજાઈ છે. ૨૦૨૧-૨૨માં રૂના બજારભાવ વધી ખાંડીના એક લાખ રૂપિયા થઈ ગયા હતા ત્યારે એ વખતે કલોઝીંગ સ્ટોક ૨૪ લાખ ગાંસડી હતો તે આ વર્ષે ૨૦ લાખ ગાંસડી રહેવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *