સંજય દત્તે થોડું શૂટિંગ કરી ફિલ્મ છોડી દીધી હતી.
સંજય દત્તવાળો રોલ હવે સુનિલ શેટ્ટી કરશે અને સુનિલની ભૂમિકા જેકી ભજવશે.
અક્ષય કુમારની ‘વેલકમ ટૂ ધી જંગલ’ ફિલ્મમાં કાસ્ટમાં મોટો ફેરફાર થયો છે. અગાઉ સંજય દત્તે ફિલ્મના ઢંગધડા વગરના શૂટિંગથી ત્રાસીને ફિલ્મ છોડી દીધા બાદ હવે ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી થઈ છે.
જોકે, સંજય દત્ત જે ભૂમિકા ભજવવાનો હતો તે જેકી શ્રોફને મળી નથી. તેને બદલે સંજય દત્તની ભૂમિકા હવે સુનિલ શેટ્ટી કરશે જ્યારે સુનિલ શેટ્ટીના ભાગે જે રોલ આવ્યો હતો તેના માટેે જેકી શ્રોફની પસંદગી થઈ છે. આ ફિલ્મનુ ંશૂટિંગ કોઈ ફિક્સ સ્ક્રિપ્ટ અને પ્લાનિંગ વગર જ ચાલતુ ંહોવાથી અને સેટ પર જ સીન્સમાં અનેક ફેરફારો કરાતા હોવાથી સંજય દત્તે ત્રાસીને ફિલ્મ પડતી મૂકી દીધી હતી. સંજય દત્તે કેટલાક દિવસોનું શૂટિંગ પણ કર્યું હતું. જોકે, ફિલ્મની ટીમ દ્વારા એવો પ્રચાર કરાયો હતો કે સંજય દત્તે તેની તબિયતના કારણે આ ફિલ્મ છોડી છે. આ કલાકારોની ફેરબદલ થતાં ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ વધુ કેટલાક ફેરફાર કરાયા છે. સુનિલ શેટ્ટી તથા જેકી શ્રોફના રોલ હવે જરા જુદી રીતે લખવામાં આવ્યા છે. બીજી તરફ અક્ષય કુમાર આ ફિલ્મમાં તેના ભાગનું શૂટિંગ ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યો છે. ફિલ્મ આ વર્ષે નાતાલ વખતે રીલિઝ થવાની છે. ફિલ્મમાં પરેશ રાવલ, દિશા પાટાણી, જેક્લિન ફર્નાન્ડિઝ, લારા દત્તા, રવીના ટંડન, શ્રેયસ તળપદે, તુષાર કપૂર સહિતના કલાકારોનો કાફલો છે.