બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ અઝીમ અનારની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 18 મે થી ગુમ હતા. કોલકાતા પોલીસને આજે સવારે કોલકાતાના એક ફ્લેટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ ભારતમાં સારવાર માટે આવ્યા હતા. બાંગ્લાદેશના એક અખબારના અહેવાલ પ્રમાણે દેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોલકાતામાં અનવારૂલની હત્યા કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશ પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં અમને એટલી માહિતી મળી છે કે, તેમાં સામેલ તમામ હત્યારા બાંગ્લાદેશી છે. આ એક આયોજનબદ્ધ હત્યા હતી. બીજી તરફ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં મૃતદેહના ઠેકાણા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમને હજુ સુધી આ અંગે જાણ નથી થઈ. તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં તમને હત્યાનું કારણ જણાવીશું. ભારતીય પોલીસ અમને સહકાર આપી રહી છે.
ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું કે, ભારતના એક ડીઆઈજીનો હવાલો આપતા આપણી પોલીસે જણાવ્યું કે, અઝીમનો મૃતદેહ કોલકાતામાં મળી આવ્યો છે. અમારી પાસે હજુ આ મામલે સંપૂર્ણ માહિતી નથી. અમારા ઈન્સ્પેક્ટર જનરલ વિગતો પર નજર રાખી રહ્યા છે. તમામ બાબતની પુષ્ટિ થયા બાદ જ હું મીડિયાને સૂચિત કરીશ.
ત્રણ વખતના સાંસદ હતા અનવારૂલ અઝીમ
બાંગ્લાદેશની સંસદની વેબસાઈટ પ્રમાણે અનવારૂલ અઝીમ બાંગ્લાદેશ અવામી લીગના સભ્ય હતા. તેઓ ત્રણ વખતના સાંસદ હતા. અઝીમ ખુલના ડિવિઝનના મધુગંજના રહેવાસી હતા. સાંસદ હોવા ઉપરાંત તેમની ઓળખ એક વેપારી અને ખેડૂત તરીકે પણ હતી. તેઓ ઝોનાઈદાહ-4થી સાંસદ હતા. અનવારૂલ અઝીમ પશ્ચિમ બંગાળમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા. કોલકાતા પોલીસએ જણાવ્યું કે, આ એક પૂર્વયોજિત હત્યા છે. કોલકાતા પોલીસને અઝીમનો મૃતદેહ ટૂકડામાં મળ્યો છે.
બાંગ્લાદેશી સાંસદના શરીરના અનેક ટૂકડા કરવામાં આવ્યા
એક બાંગ્લાદેશી અખબારે જણાવ્યું કે, કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનરે કહ્યું કે, સાંસદના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા છે. મૃતદેહના ટૂકડા કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળી આવ્યા છે. કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, આ ફ્લેટ એક્સાઈઝ ડ્યુટી ઓફિસરનો છે. કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીની પણ મદદ લેવામાં આવી રહી છે.
સાંસદના મોત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી મળી: અનવારૂલ અઝીમના પીએ
અનવારૂલ અઝીમના પર્સનલ સેક્રેટરી અબ્દુર રઉફે કહ્યું કે, મને હજુ સુધી સાંસદના મૃત્યુ અંગે સત્તાવાર માહિતી નથી મળી. તેમણે કહ્યું કે, અમને સાંસદના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેમનો પરિવાર ઢાકામાં છે અને વિઝા અરજી માટે ફસાયેલો છે. તેઓ ભારતીય વિઝા મળવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ હવે અઝીમની પુત્રી મુમતરીન ફિરદોસ શેર-એ-બાંગ્લા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવશે.
દિલ્હી જવાના હતા અનવારૂલ અઝીમ
અનવારૂલ અઝીમ 12 મેના રોજ ભારત આવ્યા હતા. તેઓ છેલ્લે 13 મેના રોજ બપોરે નજર આવ્યા હતા. તે સમયે તેઓ તેમના મિત્રો સાથે મેડિકલ ચેકઅપ માટે કોલકાતા નજીક બિધાનનગરમાં એક ઘરે ગયા હતા. કોલકાતાના બિધાનનગરમાં અનવારૂલ અઝીમના મિત્રએ જણાવ્યું કે તેમણે તેને કહ્યું હતું કે, તેઓ દિલ્હી જવાના છે. પરંતુ 13 મેથી તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેઓ માત્ર ઢાકામાં તેમના પરિવાર અને બિધાનનગરમાં પોતાના મિત્રો સાથે મેસેજ પર વાત કરી રહ્યા હતા.