ગરમીનુ જોર વધ્યુ, સીઝનમાં પ્રથમવાર 44.6 ડિગ્રી તાપમાન

48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 4.9 ડિગ્રીનો વધારો નોંધાયો. 

મહત્તમ તાપમાન વધતા લોકો ગરમીમાં શેકાયા, બપોરના સમયે રોડ સુમસાન, સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ. 

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનુ જોર વધી રહ્યુ છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે હોટ સન્ડે રહ્યો હતો અને ચાલુ સીઝનમાં પ્રથમવાર ભાવનગરમાં ૪૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આજે અંગ દઝાડતી ગરમી પડતા લોકો ગરમીમાં શેકાયા હતા અને બપોરના સમયે રોડ સુમસાન જોવા મળ્યા હતાં. સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતા લોકો અકળાયા હતાં. 

છેલ્લા કેટલાક દિવસથી ગરમીનુ જોર વધી રહ્યુ છે તેથી લોકો તોબા પોકારી ઉઠયા છે. ભાવનગર શહેર-જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૯.૦ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ રર ટકા અને પવનની ઝડપ ૧ર કિલોમીટર નોંધાઈ હતી. ગત શનિવારે મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયુ હતું. ભેજનુ પ્રમાણ ર૩ ટકા અને પવનની ઝડપ ૧૬ કિલોમીટર નોંધાઈ હતી. ગત શુક્રવારે મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૯.૪ ડિગ્રી નોંધાયુ હતુ, ભેજનુ પ્રમાણ ૩૭ ટકા અને પવનની ઝડપ ર૦ કિલોમીટર નોંધાઈ હતી. છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં આશરે ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો છે. ચાલુ સીઝનમાં પ્રથમવાર ભાવનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી નોંધાયુ છે, જેના પગલે ગરમીથી પરેશાન થઈ ગયા હતાં. છેલ્લા બે દિવસથી ભેજનુ પ્રમાણ ઘટી રહ્યુ છે અને પવનની ઝડપ પણ ઘટી રહી છે પરંતુ મહત્તમ તાપમાન વધી રહ્યુ છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.  

છેલ્લા થોડા દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે તેથી લોકોની મૂશ્કેલી વધી છે. વહેલી સવાર અને સાંજના સમયે તાપમાન નીચે રહેતા ગરમીમાં રાહત મળતી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીનો પારો ઉપર ચડતા લોકોની મૂશ્કેલી વધતી હોય છે. બપોરના સમયે આકરી ગરમીના કારણે રોડ સુમસાન જોવા મળતા હોય છે. ઉનાળાની ગરમીના પગલે પંખા, એ.સી. વગર રહેવુ મૂશ્કેલ બન્યુ હોય તેમ જણાય રહ્યુ છે. ગરમીના પગલે લોકોએ બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ પરંતુ સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતા લોકો પરેશાન થઈ ગયા હતાં. આગામી દિવસોમાં હજુ તાપમાન વધશે તો લોકોની તકલીફ વધશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

ગરીબ અને મજુર લોકો કફોડી સ્થિતીમાં મુકાયા.

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનુ જોર સતત વધી રહ્યુ છે, જેના કારણે ગરીબ અને મજુર લોકોની સ્થિતી કફોડી થઈ હતી. ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને મજુરી કામ કરતા લોકો બપોરના સમયે ગરમીથી અકળાયા હતાં. અંગ દઝાડતી ગરમીમાં પણ મજુર લોકો કામ કરતા નજરે પડયા હતાં. ગરીબ અને મજુર લોકોએ બપોરના સમયે વૃક્ષો હેઠળ સમય પસાર કર્યો હતો. 

ગરમી વધતા ઠંડાપીણાની બોલબાલા વધી. 

ઉનાળાની ગરમીમાં ઠંડક કરવા લોકો ઠંડાપીણા પીતા હોય છે, જેના કારણે ઠંડાપીણાની બોલબાલા જોવા મળી હતી. બપોર અને રાત્રીના સમયે શેરડીનો રસ, ઠંડાપીણા, આઈસ્કીમ વગેરેની સારી એવી ઘરાગી જોવા મળી રહી છે તેથી વેપારીઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. ગરમી વધતા ઠંડાપીણાવાળાની દુકાને લોકોનો ધસારો વધતો હોય છે.