માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી તેમજ જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસરશ્રી દ્વારા આવા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી, તેમ છતાં, અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલા માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના રહેતી હોય તેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા.૦૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં નહી જવા અને કોઇપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટ, નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતનાં દંડસહિતા અધિનિયમ-૧૮૬૦નાં (૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ અન્વયે સજાને પાત્ર થશે.