શેરબજારમાં આજે ભારે વોલિટિલિટી બાદ છેલ્લી ઘડીમાં સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળો નોંધાતા રોકાણકારો મોજમાં આવ્યા હતા. સેન્સેક્સમાં આજે 1219.5 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 676.69 પોઈન્ટ ઉછળી 73663.72 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 203.30 પોઈન્ટ ઉછળી 22403.85 પર બંધ આપ્યુ હતું.
રોકાણકારોની મૂડી 3.10 લાખ કરોડ વધી
સાર્વત્રિક ઉછાળાના પગલે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. 407.35 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચી હતી. ગઈકાલના બંધ સામે આજે રોકાણકારોની મૂડી 3.10 લાખ કરોડ વધી છે. ગઈકાલે રૂ. 404.25 લાખ કરોડ હતી.
સાર્વત્રિક તેજી
શેરબજારમાં આજે ટોચના 13 સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા. સ્મોલકેપ અને મીડકેપ પણ 0.85 ટકા અને 1.07 ટકા ઉછળ્યા છે. બીએસઈ ખાતે 304 શેરો અપર સર્કિટમાં અને 190 શેરો લોઅર સર્કિટ વાગી હતી. 193 શેરો વર્ષની ટોચે અને 30 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે આજે 2140 સ્ક્રિપ્સ સુધારા તરફી બંધ રહી હતી.
શેરબજારમાં સુધારા પાછળના કારણો
1. ભારતીય શેરબજારનો ફિઅર ઈન્ડેક્સ ઈન્ડિયા VIX આજે 1.36 ટકા ઘટી 20 પર બંધ રહ્યો છે. જે માર્કેટમાં તેજી તરફી સંકેત આપે છે.
2. વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે વૈશ્વિક શેરબજારોમાં ઉછાળાની અસર
3. અમેરિકાનો ફુગાવો ઘટતાં ફેડ આ વર્ષે સપ્ટેમ્બરથી રેટમાં ઘટાડો કરે તેવી તીવ્ર શક્યતાએ ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો
4. લોકસભા ચૂંટણી 2024માં ફરી પાછી એનડીએ લહેર (350થી 400 સીટ મળવાની અટકળો)માં વધારો
5. પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોના પગલે મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર સેગમેન્ટના શેરોમાં તેજી
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસોમાં સતત વધારો ભારતીય ઈકોનોમીને વેગ આપી રહ્યો છે. જેના પગલે બેન્કિંગ, આઈટી અને ઈન્ડસ્ટ્રીયલ્સ સેક્ટર્સના શેરોમાં ખરીદી વધી છે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ શેરબજારમાં વાસ્તવિક સુધારો જોવા મળશે. ચૂંટણીના ધાર્યા પરિણામો મળ્યા તો ડીઆઈઆઈ, હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ, અને રિટેલ રોકાણકારો મોટાપાયે ખરીદી કરશે.