પોરબંદરમાં ભારે વરસાદ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા

પોરબંદર તા,૨૦. પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૩૯૭ અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર ખસેડીને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોરબંદર સમગ્ર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ઘેડ વિસ્તાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી તથા ઉપરવાસમાંથી પાણી છોડવાથી અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે અંતર્ગત પોરબંદર તાલુકા માંથી ૨૩૭ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા તથા કુતિયાણા તાલુકા માંથી ૧૬૦ લોકોને આશ્રય સ્થાનો પર ખસેડી રહેવા તથા જમવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણી માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્વારા ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


પોરબંદરરાણાવાવ તેમજ કુતિયાણા આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ફોર્મ તા. ૩૦ જુલાઈ સુધીમાં ભરી શકાશે

પોરબંદર તા,૨૦. આઈ.ટી.આઈ પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા ખાતે એડમીશન ૨૦૨૩ના બીજા રાઉન્ડના પ્રવેશ ફોર્મ તા.૩૦ જુલાઈ સુધી ઓનલાઈન ભરવાની કામગીરી https://admission.gujarat.gov.in/ પોર્ટલ પર ચાલુ છે તેમજ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લીધો હોય પરંતુ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ તા.૨૧ જુલાઈથી તા.૨૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન સહમતી આપી દેવા જણાવાયું છે.  કન્ફર્મ કરેલ અરજીમાં સુધારા વારા તા.૨૧ જુલાઈથી તા.૨૪ જુલાઈ દરમિયાન થઈ શકશે. તેમજ આઈ.ટી.આઈ. પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા ખાતે હાલ હેલ્પ સેન્ટર શરુ કરાયું છે. તમામ ઉમેદવારોને પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય દ્વારા જણાવ્યુ છે.