પાટનગરમાં ચાર ઇંચ વરસાદમાં જળબંબાકાર

 ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની અવિરત ગતિ હજુ પણ ચાલુ રહ્યું હોય તે પ્રકારે ગુરુવારે જિલ્લામાં  વરસાદ પડયો હતો. તો બુધવારે મોડી સાંજથી શરૃ થયેલો વરસાદ ગુરુવારે પણ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના પાટનગરમાં ચાર ઇંચ  વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ  દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.  સતત પડી રહેલા   વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી આડેધડ ખોદકામના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથેસાથે સતત પડી રહેલા વરસાદથી ભુવા પડી રહ્યા છે. ત્યારે  દહેગામમાં દોઢ ઇંચ અને કલોલ તાલુકામાં એક ઇંચ  જેટલો વરસાદ પડયો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા  હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો.  તો બીજી તરફ અન્ય જિલ્લાઓ કરતા ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી જોઈએ તે પ્રકારે વરસાદ પડયો નથી. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બે દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે. બીજી તરફ ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે. બુધવારે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. તો દહેગામ માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી.

જ્યારે તાલુકામાં  વરસાદ નોંધાયો છે.  ત્યારે આ વરસાદની અવિરત ગતિ ગુરુવારે પણ સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહી હતી. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ બુધવારે દિવસ દરમિયાન ભારે ઉકલાટ બાદ  સાંજના સમયે ભારે વરસાદનું ઝાપટું પડયા બાદ રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે. તો કલોલ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે. બુધવારે રાત્રિના સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે માણસા તાલુકામાં સામાન્ય વરસાદ પડયો છે તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે. ત્યારે ગાંધીનગર શહેરમાં  સમગ્ર દિવસ દરમિયાન   આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને  વરસાદ ચાલુ રહ્યો  હતો. સતત વરસાદ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે  વરસાદી પાણી ભરાવાથી ભુવા  પડી ગયા હતા. તો  અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

preload imagepreload image